વડાપ્રધાનનું “સ્વચ્છતા હી સેવા” અભિયાન કેટલુ સફળ આદર્શ સ્કુલ પાસે ઉભરાતી ગટરોથી નર્કાગાર સ્થિતિ
વિસનગર આદર્શ સ્કુલની બાજુમા આવેલ ત્રણ રસ્તા પાસે ઘણા સમયથી ઉભરાતી ગટરોથી આજુબાજુની દુકાનોના વેપારીઓ અને ઝુપડપટ્ટીના ગરીબ પરિવારોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. જાહેર રોડ ઉપર સતત ઉભરાતી ગટરોથી વડાપ્રધાનના સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો તાયફો માની રહ્યા છે.
શહેરમાં ઉભરાતી ગટરો અને ઠેર-ઠેર ફેલાયેલી ગંદકીના લીધે લોકોના આરોગ્ય સામે મોટો ખતરો
વિસનગર નગરપાલિકામા સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનુ શાસન છે. છતા શહેરના લોકોની સમસ્યાઓનુ નિરાકરણ આવતુ નથી. જેમા શહેરની સ્વચ્છતા બાબતે પાલિકા તંત્ર નિષ્ફળ ગયુ છે. પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે શહેરમાં ઠેર-ઠેર ગટરો ઉભરાતા ગંદકી જોવા મળે છે. ઉભરાતી ગટરો અને ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. છતા પાલિકા દ્વારા રોડ ઉપર ઉભરાતી ગટરોની સમસ્યા દૂર કરવા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. તાજેતરમા વડાપ્રધાનના “સ્વચ્છતા હી સેવા” અભિયાનમા વિસનગર નગરપાલિકાના પ્રમુખ સહીત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા. ભાજપના હોદ્દેદારોએ હાથમા ઝાડુ પકડી કચરો સાફ કરતા ફોટા પડાવી વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા લોકોને સંદેશો પાઠવ્યો હતો. પરંતુ ભાજપના હોદ્દેદારો શહેરમા ઉભરાતી ગટરોથી ફેલાતી ગંદકી દૂર કરવા કોઈ કામગીરી નહી કરતા વડાપ્રધાનના સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો તાયફો માની રહ્યા છે. વિસનગર પાલિકા તંત્રની નિષ્કાળજીના લીધે આજે આદર્શ સ્કુલની બાજુમા આવેલ ત્રણ રસ્તા પાસે ઘણા સમયથી ગટરો ઉભરાય છે. જેના કારણે ગંદકી ફેલાતા આજુબાજુની દુકાનોના વેપારીઓ અને ઝુપડપટ્ટીના ગરીબ પરિવારોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. આ સમસ્યા બાબતે વેપારીઓએ પાલિકામા રજૂઆતો પણ કરી છે. છતા પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને સોશિયલ મિડીયામા સતત વ્યસ્ત રહેતા સ્વચ્છતા કમિટીના ચેરમેન જગદીશભાઈ પટેલે આ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ કાર્યવાહી નહી કરતા ભાજપના શાસનની લોકો જાહેરમા ટીકા કરી રહ્યા છે.