વિસનગરનુ અહિત નહી ચલાવી લેવાય-મનુભાઈ હોન્ડા
વડનગર જિલ્લાના સિમાંકનની હિલચાલથી શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ સતર્ક થયા
- બાબુભાઈ વાસણવાળા લડત માટે સક્રીય સભ્યોની સમિતિ બનાવવા સક્રીય
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાના સિમાંકનની કાર્યવાહી શરૂ કરતા તેમાં વડનગર જિલ્લામાં વિસનગર તાલુકાનો સમાવેશ કરવાની ચર્ચાથી હવે શહેરના પ્રતિષ્ઠીત વેપારીઓ સતર્ક થયા છે. મનુભાઈ પટેલ હિરો હોન્ડાવાળાએ જણાવ્યુ છેકે, વિસનગરનુ અહિત સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહી. આ માટે તમામ વેપારીઓ લડત આપવા તૈયાર છે. બીજી બાજુ બ્રોડગેજ રેલ્વે અભિયાનમાં અને શહેરના પ્રશ્નો માટે જાગૃત બાબુભાઈ વાસણવાળા લડત માટે સમિતિ બનાવવા સક્રીય બન્યા છે.
આગામી દિવાળી બાદ રાજ્ય સરકાર દ્વારા વડનગર, વિરમગામ તેમજ થરાદ અથવા રાધનપુર નવો જિલ્લો બનાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આગામી સમયમાં સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિર યોજવામાં આવી રહી છે. તેમાં ત્રણ નવા જિલ્લાની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડનગર જિલ્લો બનાવવા માટે વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસણા અને ઉંઝા તાલુકા વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે.
વર્ષો પહેલા ગુજરાતનુ નાલંદા ગણાતી શૈક્ષણિક નગરી વિસનગરને વડનગર જિલ્લામાં સમાવેશની રાજ્ય સરકારની કાર્યવાહીના અહેવાલથી વિસનગરના લબ્ધ પ્રતિષ્ઠિત નગરજનોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકીય કે અન્ય વિવાદોથી પર શહેરના જાણીતા વેપારી અગ્રણી હિરો હોન્ડાવાળા મનુભાઈ પટેલે જણાવ્યુ છેકે, નવા વડનગર જિલ્લાના સિમાંકનમાં વિસનગરનુ અહિત સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહી. વિસનગર વર્ષોથી તમામ ક્ષેત્રે સુવિધા ધરાવતુ શહેર છે. નવો જિલ્લોજ બનાવવો હોય તો વિસનગરને બનાવી શકાય તેમ છે. જેમાં વડનગરનો સમાવેશ કરી શકાય. વિસનગર આસપાસના તાલુકા મથકોની અવરજવર માટે સાનુકુળ છે. તેમ છતાં વિસનગરને જિલ્લો ન બનાવે તો મહેસાણા જિલ્લામાં બરોબર છે. પરંતુ વડનગર જિલ્લામાં સમાવેશ કરવામાં વિસનગરને અહિત થશે તો કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહી. સરકાર જો કોઈ ખોટો નિર્ણય કરશે તો શહેરના હિતમાં લડત આપવા માટેની પણ પુરેપુરી તૈયારીઓ છે.
વિસનગરના રેલ્વે પ્રશ્ને સતત જાગૃત તેમજ શહેરની વિવિધ સમસ્યાઓ સામે હંમેશા નિડરતાથી અવાજ ઉઠાવનાર અગ્રણી બાબુભાઈ વાસણવાળાએ જણાવ્યુ છેકે, વડનગરના વિકાસના ભોગે ક્યા સુધી વિસનગરને સહન કરવાનુ. આ બાબતે જો અત્યારથીજ સક્રિય નહી બનીએ તો પાછળથી પસ્તાવાનો સમય આવશે. પક્ષને નહી પરંતુ શહેરના હિતને લક્ષમાં રાખી તમામ આગેવાનોએ આગળ આવવુ જોઈએ. બાબુભાઈ વાસણવાળા શેહ શરમ વગર લડત આપી શકે તેવી બીન રાજકીય સમિતિ બનાવવા માટે પણ સક્રીય થયા છે.