દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દેશનું ગૌરવ
દેશના પ્રથમ ભારતીયની ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ માટે પસંદગી
કોઈ જન્મથી શીખીને આવતુ નથી. પરંતુ પરિવારના સારા સંસ્કાર હોય અને મળેલા સંસ્કારો થકી પુરી નિષ્ઠા તેમજ નિત્તિમત્તાથી સેવા ભાવના હોય ત્યારે સારા કાર્યો થતા હોય છે. અશોકભાઈ ચૌધરીએ દૂધ સાગર ડેરીના ચેરમેનની જવાબદારી સંભળ્યા બાદ સંસ્થાના હિત સાથે લાખ્ખો પશુ પાલકોના હિતનો પણ ખ્યાલ રાખતા તેમજ પારદર્શક વહિવટ કરતા તેની ઈન્ટરનેશનલ સંસ્થાએ નોંધ લીધી છે. જેમની ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ ચેમ્પિયન-૨૦૨૪ માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશના ડેરી ક્ષેત્રમા આ એવોર્ડ મેળવનાર અશોકભાઈ ચૌધરી પ્રથમ ભારતીય હોવાથી દેશનું ગૌરવ કહી શકાય.
ઉત્તર ગુજરાતના પશુપાલકોની જીવાદોરી સમાન દૂધ સાગર ડેરી જ્યારે કરોડો રૂપિયાના દેવામા હતી અને હાલક ડોલક પરિસ્થિતિ હતી તે સમયે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે અશોકભાઈ ચૌધરીનો હાથ પકડતા તેનો ભારે વિરોધ થયો હતો. પરંતુ આજ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના પારદર્શક અને સર્વહિત ધરાવતા વહિવટની જ્યારે ઈન્ટરનેશનલ સંસ્થાએ નોંધ લીધી છે ત્યારે દૂધનુ દુધ અને પાણીનું પાણી થઈ જતા હવે પશુપાલકોની આંખો ખુલી છે. અશોકભાઈ ચૌધરીએ દુધ સાગર ડેરીના ચેરમેનની જવાબદારી સંભાળી ત્યારથીજ એક ધ્યેય હતો કે, સંસ્થાને પગભર બનાવવાની સાથે પશુપાલકોને પણ ન્યાય આપવો. ડેરીને પોતાની જાગીર નહી સમજી કોઈપણ પ્રકારના લાભની લાલચ રાખ્યા વગર તેમજ નજીકના લોકોને ખોટો લાભ આપવાની નિતિને કોરાણે મુકી ચેરમેન પદના ત્રણ વર્ષના ગાળામા અમૂલ પરિવર્તન કર્યા. દૂધ સાગર ડેરીમાં પુરી નિતિમત્તાથી પારદર્શક અને સ્વચ્છ વહિવટ કરી ડેરીને નફો કરતી કરી. ડેરીમાં ઓનલાઈન અને રિવર્સ ઓક્શનવાળી પારદર્શક
ટેન્ડર પધ્ધતિ અપનાવી ડેરીના કરોડો રૂપિયા બચાવ્યા. ડેરીના હિત સાથે સાથે લાખ્ખો પશુપાલકોના હિતને પણ લક્ષમા રાખી ભાવ વધારાની સાથે વિવિધ નિર્ણયો લઈને રૂા.૨૫૫૧ કરોડનો ફાયદો કરાવ્યો.
ડેરીક્ષેત્રમા ચેરમેન અશોકભાઈ ચૌધરીના સર્વાગી વિકાસ કાર્યની નોંધ ઈન્ટરનેશનલ સંસ્થાએ લીધી છે. અમેરિકાના વોશિગ્ટન ડીસીમાં આવેલ યુ.એસ.ઓવરસિંઝ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કાઉન્સિલ અને ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ રિસર્ચ ગૃપ દ્વારા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના વહિવટમાં થયેલ કાર્યોના તમામ પાસાઓનો અભ્યાસ કરી તેમની ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ-૨૦૨૪ માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વની સહકારી ક્ષેત્રની આ સર્વોચ્ચ સંસ્થા દ્વારા દૂધ સાગર ડેરીને જે સન્માન આપવામાં આવ્યુ છે તે કંઈ સામાન્ય બાબત નથી. આ ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા દેશમાં ડેરી ક્ષેત્રે એવોર્ડ મેળવનાર અશોકભાઈ ચૌધરી પહેલા ભારતીય છે જે સમગ્ર ભારત, ગુજરાતના અને ખાસ કરીને મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ગૌરવની બાબત છે. આ ઈન્ટરનેશનલ સંસ્થાની સ્થાપના અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કનેડીએ ૧૯૬૧મા કરી હતી. જે વિશ્વના દેશોમા સહકારી પ્રવૃત્તિ કરતી ૧૦ શક્તિશાળી સંસ્થાઓનો સમુહ છે. આ સંસ્થામા એક અબજ સહકારી મંડળીઓ જોડાયેલ છે. આ સંસ્થા વિશ્વના ૭૦ થી વધુ દેશમાં રૂા.૭૦૦ કરોડથી પણ વધુના પ્રોજેક્ટ ચલાવે છે.