
ખેરાલુમા પહેલા નોરતે વિસ્તારોની સફાઈ માટે ઉગ્ર રજૂઆત

લ્યો સાંભળો- પાલિકા દ્વારા નવરાત્રી પહેલાની સફાઈ ન થઈ
- ખેરાલુ ધારાસભ્ય પાલિકામાં દર મહિને લોક દરબાર યોજે તેવી નગરજનોની માંગણી
ખેરાલુ શહેરનુ કોઈ રણીધણી નથી તેનો ઉત્તમ દાખલો પહેલા નોરતે જોવા મળ્યો હતો. વર્ષોની પરંપરા પ્રમાણે સભ્યોનુ સાશન હતુ ત્યારે નવરાત્રીના અઠવાડીયા પહેલા શહેરના તમામ વિસ્તારોમા સફાઈ થતી હતી પરંતુ વહીવટદાર સાશનમા ચિફ ઓફીસર તથા પાલિકા કર્મચારીઓ ઉપર કોઈનો કંટ્રોલ નથી. ખેરાલુ શહેરના લોકોની ધાર્મિક લાગણીઓનુ ધ્યાન પણ પાલિકા તંત્ર દ્વારા રાખવામા આવતુ નથી. જેથી હારી, થાકી, અને કંટાળીને ખેરાલુ શહેરના લોકોએ નવરાત્રીમા સફાઈ કરવા પહેલા નોરતે ઉગ્ર રજૂઆતો ચિફ ઓફીસર સમક્ષ કરી હતી. જેમા નિયમિત સફાઈ, ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઈટો તેમજ પાણીના ઓછા પ્રેશર બાબતે ઉગ્ર ચર્ચાઓ કરાઈ હતી.
ખેરાલુ શહેરમા પાલિકાના પ્રશ્નો મુદ્દે ખેરાલુ ધારાસભ્ય મહિનામા એક વખત પાલિકામા હાજર રહી શહેરના લોકોની સમસ્યા સાંભળે તે જરૂરી છે. ખેરાલુ પાલિકામા ધારાસભ્યનો લોક દરબાર મહિનામા એક ગુરુવારે યોજાય તો જ ખેરાલુ પાલિકાના કર્મચારીઓ કંટ્રોલમા આવશે તેવુ લાગે છે. ખેરાલુ શહેરના તમામ વિસ્તારના લોકો પોતાની રજૂઆતો કરવા ગુરુવારે બપોરે ૧૧-૦૦ કલાકે પાલિકામા પહોચ્યા હતા. નવરાત્રી પહેલા થનારી સફાઈ ન થતા નગરજનોમા વ્યાપક ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. ખેરાલુ શહેરમાં સ્વચ્છતા બાબતે લોકો પરેશાન છે. ખેરાલુના દેસાઈવાડા વિસ્તારમા ઉભરાતી ગટરોથી ત્રાસેલા લોકો છેલ્લા એક મહિનાથી મૌખિક ફરીયાદ કરે છે છતા પાલિકાનુ નઘરોળ તંત્ર ને લોકોની સમસ્યા હલ કરવામા રસ નથી. પીવાના પાણીનુ પ્રેશર ઓછુ આવવાથી ફરીયાદ કરાઈ છે. ખેરાલુમા સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી નવરાત્રી ના નવ દિવસોમા કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદારી કોની ? મહાકાળી સોસાયટીમા નિયમિત પાણી આવતુ નથી તેમજ પ્રેશર ઓછુ આવવા બાબતે જ્યોત્સનાબેન સથવારાએ ચિફ ઓફીસર સમક્ષ રજૂઆત કરી હતી. અગાઉ વારંવાર મૌખિક ફરીયાદો કરવા છતા વોટરવર્કસ વિભાગના બોર ઓપરેટરો ઉપર કોઈનો કંટ્રોલ ન હોવાથી નિયમિત પ્રેશરથી પાણી મળતુ નથી. લાઈટ, પાણી અને સફાઈના કર્મચારીઓને ચિફ ઓફીસર નોટીસ આપી જવાબ માંગવો જોઈએ તેના બદલામા ચિફ ઓફીસર હોતી હૈ ચલતી હૈની જેમ કામો થઈ જશે તેવી હૈયા ધારણા આપી નગરજનોની રજૂઆતો સાંભળી મોકલી દીધા હતા. ખેરાલુ પાલિકાનો વહીવટ કરવાની જવાબદારી ધારાસભ્યએ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ તથા પૂર્વે પાલિકા પ્રમુખ વી.ડી.દેસાઈ તથા પૂર્વે પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલને આપ્યો છે પરંતુ તેમનુ પણ પાલિકા કર્મચારીઓ સાંભળતા નથી.
ખેરાલુ પાલિકામા શહેરના પ્રશ્નો મુદ્દે ચિફ ઓફીસર પાસે પહોચેલા અગ્રણીઓમા પણ નિરાશા જોવા મળતી હતી જેમા જે.ડી.દેસાઈ, સુનીલભાઈ પટેલ, માધુભાઈ ચૌધરી, પાલિકા પૂર્વ સભ્ય તપનભાઈ દેસાઈ, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ શુભમ પટેલ, મેહલુભાઈ ચૌધરી, ભરતભાઈ દેસાઈ, ભાવિનભાઈ ચૌધરી, નાથુભાઈ સોની, રોનકભાઈ ચૌધરી, અરવિંદભાઈ પ્રજાપતિ (ખોડલ) તથા જ્યોત્સનાબેન સથવારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.