Select Page

આદર્શ પાસેની ઉભરાતી ગટર રીપેરીંગ કરવામાં પાલિકા લાચાર પ્રમુખ-ટી.પી.ચેરમેન વચ્ચે ગટરની તકરાર

આદર્શ પાસેની ઉભરાતી ગટર રીપેરીંગ કરવામાં પાલિકા લાચાર પ્રમુખ-ટી.પી.ચેરમેન વચ્ચે ગટરની તકરાર

વિસનગરમાં ગટરો ઉભરાતા ખદબદતી ગંદકીથી લોકો ત્રાસી ગયા છે. લોકો જેતે વોર્ડના કોર્પોરેટરને ફરિયાદ કરે છે ત્યારે કોર્પોરેટરોનુ પણ પાલિકામાં કંઈ ઉપજતુ નથી. આદર્શ વિદ્યાલય પાસેની એક માસથી ઉભરાતી ગટરનો કોઈ ઉકેલ નહી આવતા આ મુદ્દે પાલિકા પ્રમુખ અને ટાઉન પ્લાનીંગ ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલીનો અવાજ ઓફીસ બહાર નીકળતા મુલાકાતીઓ અને અરજદારોએ પણ ગટર મુદ્દે થયેલ હોબાળાનો તમાસો જોયો હતો. હજુ સુધી કોઈ નિકાલ નહી આવતા ભાજપ શાસીત પાલિકામાં સત્તાધારી પક્ષના સભ્યો વચ્ચેના વિવાદથી કંઈ નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
એક મહિનાથી ગટર ઉભરાય છે અને લોકો હેરાન થાય છે પરંતુ કાયમી નિકાલ માટે કોઈને પડી નથી
વિસનગરમાં આદર્શ હાઈસ્કુલ પાસેની ગટરલાઈન ચોકઅપ થતા છેલ્લા એક માસથી ઉભરાતી ગટરથી આ વિસ્તારમાંથી ગંદકીનો અંત આવતો નથી. ગટરનુ પાણી ભરાવાના કારણે ત્રણ રસ્તા ઉપર ખાડા પડતા વાહનચાલકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. ગત અઠવાડીયે મહિલા કોર્પોરેટરના પતિ ગૌતમભાઈ સથવારાએ નવરાત્રી શરૂ થતી હોવાથી ખડે પગે રહી જેસીબીથી ખાડા સરખા કર્યા હતા. પરંતુ સતત ઉભરાતી ગટરના કારણે પરિસ્થિતિ જૈસે થે આવીને ઉભી થઈ ગઈ છે. વોર્ડ નં.૭ મા આ વિસ્તાર આવતો હોવાથી આ વોર્ડના સભ્ય ટી.પી. ચેરમેન મેહુલભાઈ પટેલ તથા કૈલાસબેન સથવારાના પતિ ગૌતમભાઈ સથવારા કંઈ કરતા નહી હોવાનો અને પાલિકામાં કંઈ ઉપજતુ નહી હોવાની લોકો ટીકા કરી રહ્યા છે. વોર્ડના મતદારો તથા આવતા જતા લોકોની ટકોરથી કંટાળી તા.૭-૧૦-૨૦૨૪ ના રોજ બપોરના સમયે ટી.પી.ચેરમેન મેહુલભાઈ પટેલ, કૈલાસબેન સથવારાના પતિ ગૌતમભાઈ સથવારા અને પિતાંબરભાઈ સીંધી પાલિકામાં પહોચ્યા હતા. જ્યા પ્રમુખની ઓફીસમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પીનાબેન શાહ વિગેરે હાજર હતા. જ્યા ટી.પી.ચેરમેને પ્રમુખ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે એક મહિનાથી ગટર ઉભરાય છે. રજુઆત કરવા છતા ચોકઅપ થયેલી લાઈન રીપેરીંગ કરવામાં આવતી નથી. કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પાલિકા પ્રમુખે પણ ઉગ્ર જવાબ આપતા ભારે બોલાચાલી થઈ હતી. ભાજપ શાસીત પાલિકાના આ બન્ને જવાબદાર હોદ્દેદારો વચ્ચેની તકરારનો અવાજ ઓફીસ બહાર નિકળતા પ્રમુખની ચેમ્બર બહાર આ તમાશો જોવા લોકો ટોળે વળ્યા હતા. અન્ય સભ્યો હાજર ન હોત તો ઉગ્ર બોલાચાલી હાથાપાઈ સુધી પહોચે તેવી પરિસ્થિતિનું સર્જન થયુ હતુ. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રમુખ ઉપર ચાર હાથ હોવાની પ્રમુખની કામગીરીથી નારાજ સભ્યો કંઈ બોલતા નથી. જ્યારે કામ નહી થતા વોર્ડના મતદારો સભ્યો ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્ય મંત્રી પ્રત્યેના આદરના કારણે પાલિકા સભ્યો સમસમી બેસી રહ્યા છે પરંતુ હવે નાક ઉપરથી પાણી જતા રઘવાયા બનેલા સભ્યો પ્રજાના પ્રશ્નો માટે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ બાબતે ટી.પી. ચેરમેન મેહુલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આદર્શ પાસેની ગટર મુદ્દે પ્રમુખ અને ચીફ ઓફીસરને રજુઆત કરતા શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલને કહો તો મંત્રીશ્રીને વાત કરે તેવો જવાબ આપ્યો હતો. પ્રમુખ અને ચીફ ઓફીસર સવારેજ મંત્રીશ્રીને મળીને આવ્યા હતા. સારી વાતો કરી મંત્રીશ્રીને અંધારામાં રાખવામાં આવે છે, પરંતુ ઉભરાતી ગટરની ગંદકી કે અન્ય સમસ્યાઓની રજુઆત કરતા નથી. મંત્રીશ્રીને સમસ્યા જણાવે તો પાલિકા પાસે સગવડ ન હોય તો સરકારમાંથી પણ મદદ મળે. નવરાત્રીમાં એસ.કે.માં ચાલતા ગરબાના કારણે રાત્રે મોટી સંખ્યામાં અવર જવર રહે છે. કાળકા માતાના મંદિરે પણ નોમના દિવસે નવરાત્રી મંડળો માંડવીઓ વળાવવા આવે છે. ગટર રીપેરીંગ કરવા વારંવાર રજુઆત કરવા છતા કોઈ સાંભળતુ નથી.
આદર્શ પાસેની ઉભરાતી ગટર રીપેરીંગ કરવાની જવાબદારી પ્રમુખ અને ચીફ ઓફીસરની છે. પરંતુ આ બાબતે કોઈ ધ્યાન નહી આપતા છેવટે ટી.પી. ચેરમેને આર.સી.એમના અધિકારીને ફોન કરતા તેમણે બે-ત્રણ દિવસમાં હિંમતનગરથી જેટીંગ મોકલવા આશ્વાસન આપ્યુ હતુ. ટી.પી. ચેરમેનની વિનંતીથી સોમવારની સાંજેજ મહેસાણા પાલિકાનુ જેટીંગ મોકલતા ગટરલાઈનમાંથી પથ્થર તથા અન્ય કચરો કાઢવામાં આવ્યો હતો. પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. અત્યારે ગટર ઉભરાતા ખુબજ પાણી ભરાય છે. આદર્શ આગળ થઈ મહેસાણા રોડ સુધી ગટરનુ પાણી ફેલાય છે. પાલિકાની નિષ્ક્રીયતાથી લોકો ખુબજ હેરાન થઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us