Select Page

પ્લાસ્ટીક અને અન્ય કચરાના પ્રદુષણના કારણે જળચર જીવોનો ખાત્મો વિસનગર દેળીયા તળાવમા ૪૦ વર્ષની ઉંમરના મગરનું મૃત્યુ

પ્લાસ્ટીક અને અન્ય કચરાના પ્રદુષણના કારણે જળચર જીવોનો ખાત્મો વિસનગર દેળીયા તળાવમા ૪૦ વર્ષની ઉંમરના મગરનું મૃત્યુ

વિસનગર પાલિકાની નિષ્કાળજીથી ઐતિહાસિક દેળીયા તળાવમા પ્લાસ્ટિક તથા અન્ય કચરાના પ્રદુષણના કારણે તળાવમાથી જળચર જીવોનો ખાત્મો થઈ રહ્યો છે. તળાવમા છેલ્લા ૪૦ વર્ષથી મગર ફરતો હતો. જેનો કોઈ ઉપદ્રવ ન હોતો. જેનુ મૃત્યુ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ તથા પાલિકાની ફાયર ફાયટર ટીમની જહેમતથી મૃત મગરને બહાર કાઢવામાં આવ્યો હતો. જેનું વેટરનરી ડાક્ટર દ્વારા પી.એમ.કરવામાં આવતા આંતરડામા ઈન્ફેક્શન થવાથી મગરનું મૃત્યુ થયુ હોવાનું તારણ નિકળ્યુ હતુ. તળાવમા કચરાનું ખુબજ પ્રદુષણ હોવાથી પ્રદુષણયુક્ત જળચર જીવના શિકારથી મગરને આંતરડાનુ ઈન્ફેક્શન થયાનું અનુમાન કરી શકાય.
વિસનગરનું ૮૪ વિઘામા ફેલાયેલ ઔતિહાસિક દેળીયા તળાવના વિકાસની વાતતો એકબાજુ રહી પણ તળાવની સ્વચ્છતા કરવાનો પણ પાલિકા તંત્ર દ્વારા વિચાર કરવામાં આવતો નથી. જેની આડ અસર તળાવના જળચર જીવો ઉપર થઈ રહી છે. તળાવમાં છેલ્લા ૪૦ વર્ષથી મગર ફરતો હતો. તળાવના કિનારે હજુ પણ કપડા, વાસણ ધોવા આવે છે પરંતુ હજુ સુધી આ મગરે કોઈના ઉપર હુમલો કર્યા નહી હોવાથી ચર્ચાતું હતુ. તળાવના ગટીયાવાસના કિનારાથી ૨૦૦ ફુટ અંદર પાણીની સપાટી ઉપર મગર જોવા મળ્યો હતો. જે કોઈપણ પ્રકારે હલન ચલન નહી કરતા મૃત્યુ થયુ હોવાનુ માલુમ પડતા વન વિભાગ અને પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના ફોરેસ્ટ ઓફીસર રંજનબેન ચૌધરીની સુચનાથી વન વિભાગના વિક્રમભાઈ આર.રબારી, સુરેશભાઈ ગજ્જર, સોહિલ આર.ચૌધરી, રોહિત જે.દેસાઈ, કુશીકા જી.પટેલ સહિતની ટીમ ગટીયાવાસના તળાવના કિનારે પહોચી હતી. પાલિકાને જાણ કરવામાં આવતા ફાયર ફાયટર વિભાગની ટીમ આવી મૃત મગરને કિનારે ખેચી લાવ્યા હતા. ભારે દુર્ગંધ મારતી હોવાથી ત્રણ ચાર દિવસથી મગરનુ મૃત્યુ થયુ હોવાની ચર્ચા થઈ હતી.
મૃત મહાકાય મગરનુ વજન આશરે ૨૦૦ કિલો હોવાથી પ્લાસ્ટિકની નેટ અને રાંઢવાની મદદથી ઉપાડી પીકઅપ ડાલામાં આ મગરને પી.એમ.માટે પશુ દવાખાનામા લાવવામાં આવ્યો હતો. પશુ દવાખાનાના વેટરનરી ડાક્ટર ઉપેન્દ્ર બી.પટેલે પી.એમ.કરી સુરક્ષીત જગ્યાએ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. પી.એમ.કરવામાં આવતા આંતરડામાં ઈન્ફેક્શન થયુ હોવાથી મગરનું મૃત્યુ થયુ હોવાનુ તારણ નીકળ્યુ હતુ. મગરની લંબાઈ અને વજન જોતા ૪૦ વર્ષની ઉંમર હોવાનુ અનુમાન કરવામાં આવ્યુ હતુ.
પ્રદુષણયુુક્ત જળચર જીવના શિકારથી આંતરડામા ઈન્ફેક્શન થતા મૃત્યુ થવાનુ તારણ
દેળીયા તળાવમા અત્યારે પ્લાસ્કિટ તથા અન્ય કચરાનું ખુબદ પ્રદુષણ છે. આ પ્રદુષણ યુક્ત માછલી કે અન્ય જળચર જીવનો શિકાર કરવાના કારણે મગરને આંતરડાનુ ઈન્ફેક્શન થયુ હોવાનું નકારી શકાય નહી. દેળીયા તળાવમા અત્યારે ખુબજ કચરો હોવાથી તળાવના પ્રદુષિત પાણીમાં જળચર જીવ મોતને ભેટી રહ્યા છે. ત્યારે પાલિકાએ તળાવમા સફાઈ કરાવી જોઈએ તેવી જીવદયા પ્રેમીઓની લાગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us