તત્કાલીન એન્જીનિયર અને ક્લાર્કની ભાગીદારીની ચર્ચાથી વાડજ ચીભડા ગળે તેવી સ્થિતિ દરબાર રોડની ઓવરહેડ ટાંકી વપરાશ પહેલાજ લીકેજ
વિસનગર પાલિકા દ્વારા થતા વિકાસમાં હલકી ગુણવત્તાનુ કામ થતા અત્યારે દરબાર રોડ વિસ્તારના લોકોને સંપ અને ઓવરહેડ ટાંકીની વ્યવસ્થા હોવા છતા પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવાળી પહેલા ઓવરહેડ ટાંકી ભરવામાં આવતા ચોમેરથી લીકેજ થતા પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પાલિકા વર્તુળમાં ચર્ચાતી માહિતી પ્રમાણે તત્કાલીન એન્જીનિયર અને એક ક્લાર્કની કોન્ટ્રાક્ટર સાથેની ભાગીદારીના કારણે હલકી ગુણવત્તાનુ કામ થયુ છે. ત્યારે પાલિકાના વિકાસમાં વાડજ ચીભડા ગળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ટાંકી લીકેજનો વિવાદ થતા પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરે દશેક દિવસમાં ઓવરહેડ ટાંકી કાર્યરત થશે અને પાણી સપ્લાય શરૂ થશે તેવી હૈયાધારણા આપી છે.
લોકસભાની ચુંટણીમાં એક ટાવર બજારમાં યોજાયેલી સભામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે દરબાર સંપમાં બંબો પડી ગયો અને હવે આ સમગ્ર વિસ્તારની વર્ષોની પાણીની સમસ્યાનો અંત આવશે તેવુ જણાવ્યુ હતુ. કેબીનેટ મંત્રીના આ ભાષણ બાદ હજુ છ માસ થવા છતા સંપમાં પડતો પાણીનો બંબો લોકોના ઘર સુધી પહોચ્યો નથી. દરબારમાં સંપ અને ઓવરહેડ ટાંકી તૈયાર છે. પમ્પીંગ રૂમ, પંપ અને પાઈપ લાઈનમાં જોઈન્ટનુ કામ કરવા છતા પાલિકા હજુ સુધી આ વિસ્તારમાં ફોર્સથી પાણી પહોચતુ કરી શકી નથી. દિવાળી પહેલા લોકોને પુરતા ફોર્સથી પાણીની ભેટ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ઓવરહેડ ટાંકી ભરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનુ કામ કરવામાં આવ્યુ હોવાથી ચારેબાજુથી લીકેજ થતુ હતુ. નવીજ ટાંકી બનાવી હોવા છતા લીકેજ જોઈને પાલિકા તંત્ર દોડતુ થયુ હતુ. દિવાળીમાં ઓવરહેડ ટાંકી ભરીને પાણી આપવાનુ આયોજન હતુ. પરંતુ લીકેજ જોઈને ઓવરહેડ ટાંકી ખાલી કરવામાં આવી હતી.
સુમંત જી.પટેલ મુ.વિરપુર નામના કોન્ટ્રાક્ટરને રૂા.૧.૦૭ કરોડના ખર્ચે સંપ તથા ઓવરહેડ ટાંકી બનાવવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ટાંકી ભરતાજ લીકેજ થતા રૂા.૬૯.૭૧ લાખના ખર્ચે બનાવેલ ઓવરહેડ આર.સી.સી. ટાંકીનુ આયુષ્ય કેટલુ તેવા સવાલો ઉઠ્યા છે. હલકી ગુણવત્તાના કામથી ટાંકી લીકેજ થતાજ આ વિવાદમાં ચર્ચાઓ થઈ રહી છેકે, અગીયાર મહિનાના કરાર આધારીત સરકાર દ્વારા નિમણુંક કરાયેલ પાલિકાના તત્કાલીન એન્જીનિયર અને એક ક્લાર્કની કોન્ટ્રાક્ટર સાથેની ભાગીદારીના કારણે વાડજ ચીભડા ગળે તેવી સ્થિતિનુ પાલિકામાં નિર્માણ થયુ છે. એન્જીનિયર તો છુટો થઈ ગયો પરંતુ ક્લાર્ક પાલિકામાં નોકરી કરી રહ્યો છે. બાંધકામ વિભાગના કર્મચારીઓની કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારીના કારણે વિકાસની જે ઘોર ખોદાઈ રહી છે તેની તપાસ થવી જરૂરી છે.
ઓવરહેડ ટાંકી લીકેજ થતા પ્રમુખ તથા ચીફ ઓફીસરનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે, ટાંકી ખાલી કરવામાં આવી છે. સુકાઈ જાય એટલે કોન્ટ્રાક્ટર દ્વારા અંદર ગાઉન્ટીંગ કરવામાં આવશે એટલે લીકેજ બંધ થઈ જશે. દશેક દિવસમાં ઓવરહેડ ટાંકી ભરવામાં આવશે અને પાણી પુરવઠો આપવામાં આવશે.