પ્રકાશભાઈ પટેલના વહિવટમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ ગેરરીતિનો પર્દાફાશનૂતન હોસ્પિટલને PMJAY ના દર્દિઓ પાસેથી પૈસા લેતા પેનલ્ટી
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ભલે સમાજ સેવાની વાતો કરતા હોય, પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને વેપલો બનાવી દીધો છે. યુનિવર્સિટીની કોલેજમાં એડમિશન અને ફેક ડીગ્રીના કૌભાંડ બાદ નૂતન હોસ્પિટલ PMJAY ના લાભાર્થી દર્દીઓ પાસેથી પૈસા વસુલ્યાની ગેરરીતીમાં પણ સપડાઈ છે. ખ્યાતિ હોસ્પિટલના વિવાદ બાદ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા આયુષ્યમાન કાર્ડ ધારક દર્દી પાસેથી રૂપિયા પડાવનાર મહેસાણા જીલ્લાની હોસ્પિટલોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ અને ક્રિષ્ણા મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જોકે શરમની બાબત તો એ છેકે આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતી કરનાર હોસ્પિટલોને કલેક્ટર એમ. નાગરાજન તથા ડીડીઓ હસરત જૈસ્મીનનુ વહિવટી તંત્રજ છાવરી રહ્યુ છે.
PMJAY યોજનામાં ગેરરીતી કરતી મહેસાણા જિલ્લાની હોસ્પિટલોને જિલ્લા વહિવટી તંત્ર છાવરી રહ્યુ હોવાનુ એટલા માટે કહી શકાય કે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઓગષ્ટ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ સુધી કરાયેલ ક્રોશ વેરીફિકેશન ઓડીટમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી પૈસા પડાવ્યા હોવાનુ રેકર્ડ ઉપર આવ્યુ હતુ. તેમ છતા અત્યારે ખ્યાતિ હોસ્પિટલના વિવાદમાં દોડતા થયેલા કલેક્ટર અને ડીડીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. કદાચ જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મહેશ કાપડીયાએ ઓડીટ રીપોર્ટને દબાવી રાખ્યો હોય તે પણ શક્ય છે. ખ્યાતિ હોસ્પિટલના કડી તાલુકાના બોરીસણા ગામમાં આરોગ્ય કેમ્પ બાદ એન્જીયોગ્રાફી તથા એન્જીયોપ્લાસ્ટીમાં જે કાંડ થયુ ત્યારબાદ ઓડીટ રીપોર્ટના ૧૪ થી ૭ મહિના પછી જિલ્લાની પંદર હોસ્પિટલને લાભાર્થી દર્દીઓ પાસેથી પૈસા પડાવ્યા હોવાની નોટીસ આપવામાં આવી છે.
આ નોટીસોમાં વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની દેખરેખમાં ચાલતી નૂતન હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આમેય સહકારી ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર કે આરોગ્ય ક્ષેત્રમાં કૌભાંડ, ભ્રષ્ટાચાર કે ગેરરીતી કરવા પ્રકાશભાઈ પટેલ ટેવાયેલા છે. ખ્યાતિ હોસ્પિટલના વિવાદથી નૂતન હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા આરોગ્ય કેમ્પ પણ શંકાના દાયરામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ માં કરવામાં આવેલ ઓડીટમાં નૂતન હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં સારવાર લેનાર દર્દીઓના ઘરે જઈ તપાસ કરતા એક દર્દી પાસે રૂા.૯૧૭૦ તથા બીજા દર્દી પાસેથી રૂા.૨૫૫૯ વધારાના પડાવવામાં આવ્યા હતા. આયુષ્યમાન કાર્ડમાં સારવાર લેનાર મોટાભાગના ગરીબ જરૂરીયાતમંદ પરિવારના દર્દીઓ હોય છે. ત્યારે આવા વર્ગના દર્દીઓ પાસેથી નૂતન હોસ્પિટલ દ્વારા વધારાના પૈસા પડાવ્યા હતા પછી વાતો કરવાની કે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની સેવા કરીએ છીએ. આરોગ્ય તંત્રએ નૂતન હોસ્પિટલ પાસેથી દર્દીને રૂપિયા પરત અપાવ્યા છે. જ્યારે દર્દી પાસેથી લીધેલ રકમની પાંચ ગણી પેનલ્ટી પણ કરવામાં આવી છે.
કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી રૂા.૧,૧૦,૪૧૦, મહેસાણા લાયન્સ હોસ્પિટલ પાસેથી રૂા.૬૫,૪૩૫, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી રૂા.૪૫,૮૫૦, મહેસાણાની શંકુઝ હોસ્પિટલ પાસેથી રૂા.૫૭,૦૦૦ પેનલ્ટી સ્વરૂપે લેવામાં આવશે.
વિસનગરની ક્રિષ્ણા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલને પણ ઁસ્ત્નછરૂ યોજનામાં ગેરરીતી મુદ્દે નોટીસ આપવામાં આવી છે. એકજ સર્જરી માટે બે ઓટીની નોધ કરવામાં આવી હોવાનુ આરોગ્ય તંત્રના ઓડીટમાં પકડાયુ હતુ. PMJAY માં ગેરરીતી મુદ્દે ટી.બી. હોસ્પિટલ વિજાપુર, યશ હોસ્પિટલ વિજાપુર, દુર્વા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ વિજાપુર, મા ઉમા હોસ્પિટલ ઉંઝા, પંચશીલ હોસ્પિટલ કડી, વાઈબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા, એપલ હાર્ટ હોસ્પિટલ મહેસાણા, શૈશવ હોસ્પિટલ ખેરાલુ, શંકુઝ હોસ્પિટલ મહેસાણા, કે બી હોસ્પિટલ બેચરાજી, ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ મહેસાણા, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ કડી, સોહમ સર્જીકલ હોસ્પિટલ કડીને નોટીસ આપવામાં આવી છે.