એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૩૪ સુધીમાં ૧૫ ટકા લોકોને હૃદય રોગનુ જોખમ નવા વર્ષમાં સ્વાસ્થ્યની સાવચેતી પહેલુ સુખ તે જાતે નર્યા
તંત્રી સ્થાનેથી…
પરિવાર, ધંધાની અને નોકરીની જવાબદારીમાં મોટાભાગના લોકો મશીનગત જીવનની સાથે ટેન્શનમાં જીવી રહ્યા છે. જેમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખતા નહી હોવાથી હૃદયરોગ જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવે છે. બ્લડપ્રેશર અને ડાયાબીટીસની અસરથી કિડની ઉપર પણ અસર થઈ રહી છે. દેશના ઈન્ટરનેશન અહેવાલની વાત પછી કરીએ પણ સિનીયર સિટિઝન્સ કાઉન્સીલ ઓફ વિસનગર તથા રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા છેલ્લા કેટલાક સમયથી “સેવ યોર કિડની”નુ અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાન સોસાયટી, શેરી અને મહોલ્લાઓ સુધી લઈ જવામાં આવ્યુ છે. આ અભિયાનમાં કરવામાં આવેલ કેમ્પમાં ચેકઅપમાં ચોકાવનારી વિગતો મળી છેકે કેમ્પમાં તપાસ કરાવનાર ૩૦ થી ૩૫ ટકા લોકોમાં બી.પી. અને ડાયાબીટીસ જોવા મળે છે જેનાથી અજાણ હોય છે. ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં દર ત્રણ ચાર મહિને ચેક અપ કરાવવુ જરૂરી છે. પણ હાર્ડ લાઈફમાં કોઈને પાસે સ્વાસ્થ્યની દેખરેખ રાખવાનો સમય હોતો નથી અને ઘર કરી ગયેલી બીમારી ગંભીર રોગનો ભોગ બનાવે છે. ખરેખર તો આ અભિયાન આરોગ્ય વિભાગે ઉપાડવુ જોઈએ પણ કેમ વિચાર કરવામાં આવતો નથી તે પ્રશ્ન છે. હવે તો સેવ યોર કિડની સાથે સેવ યોર હાર્ટનુ પણ અભિયાન એટલા માટે શરૂ કરવુ જોઈએ કે ભારતમાં હૃદય રોગ એક ગંભીર સમસ્યા બની છે. આ રોગના કારણે મૃત્યુની સંખ્યા ઝડપથી વધી રહી છે. વધતુ શહેરીકરણ, બેઠાડુ જીવન, ખાવાની ખોટી આદતો, શારીરીક નિષ્ક્રીયતા, ધુમ્રપાન અને તમાકુનુ ઉપયોગ, આલ્કોહોલનુ વધારે પડતુ સેવન, કામનુ સતત ટેન્શન વિગેરે કારણોથી છેલ્લા બે દાયકામાં હૃદયરોગના કેસમાં નોધપાત્ર વધારો થયો છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુમાં ૨૦ ટકા મૃત્યુ એકલા ભારતમાં થાય છે. ભારતમાં હૃદયરોગથી મૃત્યુનો દર ઘણો ઉંચો છે. જેમાં ગ્રામીણ વિસ્તારો કરતા શહેરોમાં મૃત્યુ દર વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં ૧ લાખ લોકોમાંથી ૨૦૦ લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે, જ્યારે શહેરોમાં ૧ લાખ લોકોમાંથી ૪૫૦ લોકોનુ મૃત્યુ થાય છે. ભારતમાં કુલ મૃત્યુમાં ૨૪.૫ ટકાનુ મૃત્યુ હૃદયરોગના કારણે થતા હોવાનુ એક અહેવાલથી તારણ નીકળ્યુ છે. દેશમાં હૃદયરોગની ગંભીરતા ઉપર પ્રકાશ પાડતા જે સંશોધનો થયા છે અને અહેવાલ આપ્યા છે તે હૃદય સામે વધી રહેલા સંકટને ઉજાગર કરે છે. આ વર્ષે ઓગષ્ટમાં ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ) અને દિલ્હી એઈમ્સ દ્વારા થયેલા સંયુક્ત તબીબી અભ્યાસમાં નીકળેલા તારણોમાં હૃદયરોગના વધતા જોખમ તરફ ધ્યાન દોર્યુ હતુ. અભ્યાસ બાદ ચોકાવનારી વિગત આપવામાં આવી છેકે, આગામી ૧૦ વર્ષમાં એટલેકે ૨૦૩૪ સુધીમાં દેશની ૧૫ ટકા વસ્તીમાં હૃદયરોગનુ જોખમ જોવા મળશે. લોકો હૃદયરોગથી જાગૃત થાય તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વિશ્વની ટોચની સંસ્થાઓ હૃદયરોગ સબંધીત સંશોધનો કરી અહેવાલ પ્રકાશીત કરે છે. ગત વર્ષે વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવ્યુ હતું કે, વર્ષ ૧૯૯૦ માં હૃદયરોગના કારણે વિશ્વમાં ૧.૨૧ કરોડ લોકોના, ૨૦૧૯ માં ૧.૭૯ કરોડ તથા ૨૦૨૧ માં ૨.૦૫ કરોડ લોકોના મૃત્યુ થયા હતા. પહેલા હૃદયરોગ માત્ર વૃધ્ધોમાં જોવા મળતો હતો. પરંતુ આ રોગની અસરો હવે યુવાનો અને બાળકોમાં પણ જોવા મળી રહી છે. ૩૦ થી ૪૦ વર્ષની વયના લોકોમાં હૃદયરોગનુ જોખમ ખુબજ વધી રહ્યુ છે. હૃદયરોગથી બચવા હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ તથા કોલેસ્ટ્રોલનુ ચેકઅપ તથા સારવાર જરૂરી છે. પરંતુ મોટાભાગના લોકો આ બાબતે બેદરકાર રહે છે અને હૃદયરોગનો ભોગ બને છે. આઈ.સી.એમ.આર. તથા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઈન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ દ્વારા થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છેકે ૭૦ ટકા લોકોને બ્લડપ્રેશર હોવા છતા અજાણ છે. ૧૦૫૯૩ પુખ્ત વ્યક્તિઓ ઉપરના અભ્યાસમાં ૭૨ ટકા લોકો બ્લડપ્રેશરથી અજાણ હતા. ભારતમાં વસ્તીના પ્રમાણમાં તબીબી સારવાર માટે પુરતા પ્રમાણમાં વ્યવસ્થા અને સાધનો નહી હોવાથી તંત્ર હૃદયરોગને અટકાવવા લાચાર છે. ત્યારે લોકોએજ હવે જાગૃત થવાની જરૂર છે. નવા વર્ષમાં સ્વાસ્થ્યની સાવચેતી રાખી પહેલુ સુખ તે જાતે નર્યાનો સંકલ્પ કરીએ.