વડનગર-ખેરાલુ-વિજાપુર નગરપાલિકાના વોર્ડમાં અનામતનું જાહેરનામુ પ્રસિધ્ધ
ગુજરાત રાજ્ય ચુંટણી આયોગના સચિવ જી.સી.બ્રહ્મભટ્ટ દ્વારા ૧૩-૧૧-ર૦ર૪ ના રોજ રાજ્યની નગરપાલિકાઓમા ર૭ ટકા સુધીની બેઠકો પછાત વર્ગો માટે અનામત રાખવાની જોગવાઈ કરી છે. જેનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરતા મહેસાણા જિલ્લાની વડનગર, ખેરાલુ અને વિજાપુર નગરપાલિકાની ડીસેમ્બરમા યોજાનાર ચુંટણીઓ માટે દરેક વોર્ડના ચાર સભ્યોમા કયા સભ્યોને કઈ અનામતનો લાભ મળશે. તે અંગે જાહેરનામા મા સુચના પ્રસિધ્ધ કરી છે.
રાજ્ય સરકારે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધાર) અધિનિયમ ર૦ર૩ (ગુજરાત-૧૭ ઓફ ર૦ર૩) તા.ર૯-૯-ર૦ર૩ થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા પછાતવર્ગો માટેની બેઠકોમા અનામતની ટકાવારીમા સુધારો કરી ર૭ ટકા સુધી બેઠકો પછાત વર્ગો માટે અનામત રાખવાની જોગવાઈ કરી છે. કાયદાઓમા થયેલ સુધારા અન્વયે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ ૧૯૬૩ કલમ-૭ ની જોગવાઈ મુજબ ગુજરાત ડી લીમીટેશન ઓફ વોર્ડઝ એન્ડ એલોકેશન ઓફ રિઝર્વ સીટસ ઈન મ્યુનિસિપલ બરો (એમેન્ડ મેન્ટ) રૂલ્સ ર૦૧પ નિયમ- પની જોગવાઈ મુજબ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા વંચાણે લીધેલા અ.ને.(પ) ના તા.૧૭-૮-ર૦ર૪ ના જાહેરાનામાથી ખેરાલુ નગરપાલિકા વોર્ડ-૬ અને ર૪ બેઠકો નિર્ધારીત કરેલ છે. જે પૈકી અનુસુચિત જાતિની બે બેઠકો પૈકી ૧ બેઠક સ્ત્રી માટે અનામત, અનુસુચિત આદિજાતિની શુન્ય બેઠક અને પછાત વર્ગની ૬ બેઠકો પૈકી ૩ બેઠકો સ્ત્રી અનામત રાખવામા આવેલ છે. વડનગર નગર પાલિકા માટે ૭ વોર્ડ અને ર૮ બેઠકો નિર્ધારીત કરેલ છે. જૈ પૈકી અનુસુચિત જાતિની બે બેઠકો પૈકી એક સ્ત્રી માટે અનામત, અનુસુચિત આદિજાતિ શૂન્ય બેઠક અને પછાતવર્ગની ૮ બેઠકો પૈકી ચાર બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામા આવેલ છે. વિજાપુર નગરપાલિકા માટે ૭ વોર્ડ અને ર૮ બેઠકો નિર્ધારીત કરવામા આવેલ છે. જે પૈકી અનુસુચિત જાતિની બે બેઠકો પૈકી ૧ બેઠક સ્ત્રી માટે અનામત અનુસુચિત આદિજાતિની ૧ બેઠક સ્ત્રી માટે અનામત અને પછાત વર્ગની ૮ બેઠકો પૈકી ચાર બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામા આવેલ છે.
વડનગર ખેરાલુ અને વિજાપુર નગરપાલિકાના વોર્ડ પ્રમાણે અનામતનુ જાહેરનામુ પ્રસિધ્ધ થતા ચુંટણી લડવા ઘુઘરા બાંધીને તૈયાર થયેલા ઉમેદવારો થનગની રહ્યા છે. ખાનગીમાં મિટીંગોનો દોર શરૂ થયો છે. હવે વોર્ડ વાઈઝ ચુંટણી જાહેર થાય તે પહેલા શિયાળાની ઋતુમા ટોઠા પાર્ટીઓ શરુ થશે, ગત વર્ષે ચુંટણી જાહેર થવાની ચર્ચાઓ વચ્ચે ટોઠા પાર્ટીઓ થઈ હતી. પરંતુ ચુંટણી પાછી ઠેલાતા ઉમેદવારોના ટોઠા પાર્ટીઓના પૈસા માથે પડ્યા હતા.
રાજ્ય સરકાર ડીસેમ્બરમા ચુંટણીઓ યોજે તેવી ચર્ચાઓ થાય છે. પરંતુ હજુ સુધી ચુંટણીનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ નથી. ચુંટણીઓ યોજાય તે પહેલા ૪પ દિવસ પહેલા જાહેરનામુ પ્રસિધ્ધ થાય છે ત્યારથી આચાર સંહિતાનો અમલ શરૂ થાય છે. જેથી કદાચ ફેબ્રુઆરીમાં ચુંટણીઓ યોજાય તેવી શક્યતાઓ વીશે ચર્ચાઓ શરૂ થઈ છે. જે હોય તે પણ ઝડપથી ચુંટણીઓ યોજાયતો લોકોની તકલીફો દૂર થાય હાલ રાજ્યની નગરપાલિકાઓમાં વહીવટદાર સાશન હોવાથી કોઈ રણીધણી ન હોય તે રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે.