Select Page

બસ સ્ટેન્ડ અને ડી.ડી.રોડ ઉપર ટ્રાફીકની ભારે સમસ્યા

બસ સ્ટેન્ડ અને ડી.ડી.રોડ ઉપર ટ્રાફીકની ભારે સમસ્યા

વિસનગરમાં જી.ડી.રોડના સીસી કામથી પરિસ્થિતિ વકરી

  • કેબીનેટ મંત્રીના શહેરમા શહેરીજનોની સમસ્યાઓનો નિકાલ કે ચિંતા કરવાવાળુ કોઈ નહી
  • પાલિકા અને પોલીસ તંત્ર હાથ ઉપર હાથ ધરી બેસી રહેતા વાહનચાલકો પરેશાન

વિકાસ કામ જરૂરી છે પરંતુ તેના કારણે લોકોને મુશ્કેલી પડે નહી તે જોવાની જવાબદારી પણ તંત્રની છે. વિસનગરમાં જી.ડી.રોડ ઉપર સીસી કામગીરીના કારણે આ રોડનો ટ્રાફીક ડાયવર્ટ થતા અત્યારે બસ સ્ટેન્ડ તથા ડી.ડી.રોડ ઉપર ટ્રાફીક સમસ્યા વિકરાળ બની છે. આ બન્ને રોડ ઉપર આખો દિવસ ભારે ટ્રાફિક રહે છે ત્યારે પાલિકા અને પોલીસ તંત્ર તમાશો જોઈને બેસી રહેતા શહેરના વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. સવાળા દરવાજા વિસ્તારમાં પણ પીકઅપ સમયે ટ્રાફીક થાય છે. ડી.વાય.એસ.પી.અને પી.આઈની અવરજવર રહે છે રોડ ઉપર પાર્ક કરેલા વાહનો દેખે છે પરંતુ કોઈ દંડનીય કાર્યવાહી નહી કરતા ટ્રાફીક સમસ્યાની ભારે નિંદા થઈ રહી છે.
વિસનગરમાં રેલ્વે સર્કલથી પશુ દવાખાના તરફનો જી.ડી.રોડ બીસ્માર બનતા પાલિકા દ્વારા સી.સી.રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જી.ડી.રોડ વાહનોની ભારે અવર જવર ધરાવતો રોડ છે. જે બંધ કરવામા આવતા શહેરના ડી.ડી.રોડ તથા રેલ્વે સર્કલથી બસ સ્ટેન્ડ રોડ ઉપર તેની અસર જોવા મળી રહી છે. ડી.ડી.રોડની બન્ને બાજુ વાહનો પાર્કિંગ થાય છે. જેમા ટ્રાફીક ભારણ વધતા ઘણી વખત ચક્કા જામના દ્રશ્યો સર્જાય છે. વાહનો પાર્ક કરેલા હોવાથી ગંજ બજારમા જતી ટ્રક સાંકડા રોડ ઉપરથી પસાર થતા બન્ને તરફ વાહન ચાલકો ફસાય છે. ચાર દિવસ અગાઉ જ ડી.ડી.રોડ ઉપરના ટ્રાફીકમા એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. હવે તો સ્કુલો પણ શરૂ થઈ ગઈ છે. રોડ ઉપરની ડી.ડી.કન્યા વિદ્યાલય ચકુબાઈ બાલ મંદિર અને નૂતન હાઈસ્કુલના વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોવાથી ભારે ટ્રાફીકમા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને તેવો ભય છે.
સી.સી.રોડ બનાવવાના કારણે જી.ડી.રોડ બંધ રહેતા રેલ્વે સર્કલથી બસ સ્ટેન્ડ રોડ ઉપર પણ ટ્રાફીકનુ ભારણ વધ્યુ છે. મુસ્લીમ બોડીંગથી કોલેજ સર્કલ સુધી રોડ ઉપર ફોરવ્હીલ વાહનોનુ ગેરકાયદેસર પાર્કિંગ થતુ હોવાથી પરિસ્થિત વિક્ટ બની છે. આ રોડ ઉપર પણ દિવસમાં અનેક વખત ટ્રાફીક જામ થતો જોવા મળે છે.
સવાળા દરવાજા વિસ્તારમાં હરિહર સેવામંડળથી પંચાલ માર્કેટ સુધી વળાંકમા તો પીકઅપ સમયે ટ્રાફીક ચક્કાજામ એ તો રોજની સમસ્યા બની ગઈ છે. પંચાલ માર્કેટની ગેરેજની દુકાનો આગળ રીક્ષા તથા ટુ વ્હીલર મુકવામા આવતા ટ્રાફીકમા ભારે અડચણરૂપ બની રહ્યા છે. વિસનગર ડી.વાય. એસ.પી.એમ.ચૌહાણ તથા પી.આઈ. એ.એન.ગઢવી દિવસમા બેથી ત્રણ વખત સવાલા દરવાજા વિસનગરમાંથી પસાર થતા હશે અને રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ જોતા હશે છતા પણ કાયદો વ્યવસ્થાન પાલન કરવા કેમ વિચારતા નથી તે પ્રશ્ન છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના શહેરમા સમસ્યાઓનો ત્વરીત નિકાલ થવો જોઈએ. પરંતુ મંત્રીશ્રીને માહિતી મળતી નહી હોવાથી બેધ્યાન રહેતા શહેરીજનો વકરેલા ટ્રાફીકથી પીડાઈ રહ્યા છે. ડી.ડી.કન્યા વિદ્યાલય, બસસ્ટેન્ડ અને સવાળા દરવાજા વિસ્તારના જાહેર રોડ ઉપર થતા ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો હટાવવાની જવાબદારી પાલિકા તથા પોલીસ તંત્રની છે. પાલિકા ચીફ ઓફીસર પાર્થ કુમાર ત્રીવેદી તથા પી.આઈ. એ.એન.ગઢવી દિવસમાં બેથી ત્રણ વખત બહાર નિકળે તો ખ્યાલ આવે કે વાહનચાલકોને કેટલી મુશ્કેલી પડી રહી છે. જી.ડી.રોડનુ કામ પુરુ થતા હજુ એક માસનો સમય થશે. ત્યારે પાલિકા અને પોલીસ તંત્ર આળસ ખંખેરી ટ્રાફીક હળવો કરવા કવાયત કરે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us