મગરોડામાં PMAYના લાભાર્થી પાસે રૂા.૫૦૦૦ લાંચ માગતા હોબાળો
- ટી.ડી.ઓ.સુચીબેન પટેલની પ્રાથમિક તપાસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાના મહિલા કર્મચારીએ કહ્યુ મે લાભાર્થી પાસે એકપણ રૂપિયાની માગણી કરી નથી.
- ગામના વચોટીયાએ લાભાર્થીને કહ્યુ કે આપણે ત્રણેય જણા ભેગા મળીને કેટલા આપવા તે નક્કી કરીશુ. તારે બેનને (મહિલા કર્મચારી) રૂા.૫૦૦૦ જેટલા આપવા પડશે.
- અગાઉ મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વોટરશેડ શાખાના મહિલા એન્જીનીયરે રૂા.૪.૫૦ લાખ લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ થયો હતો. જેની તપાસ બે વર્ષથી મહેસાણા એ.સી.બી.મા ટલ્લે ચડી છે.
વિસનગર તાલુકાના મગરોડા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગામના લાભાર્થી પાસે રૂા.૫૦૦૦ લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ થતા તાલુકા પંચાયતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બાબતે ટી.ડી.ઓ. સુચીબેન પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાના કરાર આધારિત મહિલા કર્મચારીને પુછપરછ કરતા તેમને લાભાર્થી પાસે રૂપિયાની માગણી નહી કરી હોવાનો લેખિતમાં ખુલાસો કર્યો છે. જ્યારે બીજી તરફ ગામના એક વચોટીયાએ લાભાર્થીને કહ્યુ કે તારો હપ્તો જમા થાય ત્યારે તારે બેનને (મહિલા કર્મચારીને)રૂા.૫૦૦૦ જેટલા આપવા પડશે. ત્યારે ગામના વચોટીયાએ કોના માટે લાભાર્થી પાસે લાંચની માગણી કરી તેની તપાસ થવી જોઈએ.
સરકાર સરકારી કચેરીઓમાં ચાલતો ભ્રષ્ટાચાર નાબુદ કરવાના જાહેરમાં બણગા ફુંકે છે. પરંતુ ભ્રષ્ટાચારી બાબુઓ વિરૂધ્ધ પુરાવા સાથે રજુઆત થાય ત્યારે જવાબદાર તપાસ અધિકારી ગાંધીબાપુના ફોટાનું બંડલ જોઈને થોડો સમય તપાસનુ નાટક કરી તેને દબાવી દે છે. જેના કારણે આજે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. અગાઉ મહેસાણા ગ્રામ વિકાસ એજન્સીના વોટર શેડ શાખાના મહિલા એન્જીનીયરે વિકાસકામના બીલના કમિશન પેટે રૂા.૪.૫૦ લાખ લાંચની માગણી કરી હોવાનો કડીના એક અરજદારે આક્ષેપ કર્યો હતો. જેમાં આ અરજદારે પુરવામાં રૂા.૪.૫૦ લાખ કમિશનની વાતચીતની ઓડીયો ક્લીપ પણ રજુ કરી હતી. જેની મહેસાણા એ.સી.બી.ખાતામાં છેલ્લા બે વર્ષથી તપાસ ટલ્લે ચડી છે. આ કેસમાં એ.સી.બી.ના અધિકારી એવુ કહે છે કે, અમે વાતચીતનું રેકોર્ડીંગ અવાજની ચકાસણી માટે ગાંધીનગર FSL માં મોકલી આપ્યુ છે. જેનો રિપોર્ટ આવશે ત્યારે અમે કાર્યવાહી કરીશુ. જો સરકારમાં આવી ઢીલી તપાસ થતી હોય તો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ક્યાંથી દુર થાય તેવો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. થોડા સમય પહેલા વિસનગર તાલુકાના મગરોડા ગામના ઠાકોર મંગાજી બાદરજીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બનાવવાનું શરૂ કર્યુ હતુ. જેમાં ગામના હર્ષદભાઈ લેઉવાએ લાભાર્થી મંગાજી ઠાકોરને દિવાળી ટાણે કહ્યુ કે તારા ખાતામાં મકાનનો હપ્તો જમા થાય ત્યારે તાલુકા પંચાયત કચેરીના બેનને એટલે કે કરાર આધારિત મહિલા ગ્રામ સેવકને સમજીને આપવું પડશે. ત્યારે લાભાર્થીએ બેનને રૂા.૫૦૦૦ કે રૂા.૧૦,૦૦૦ કેટલા આપવા પડશે તવો પ્રશ્ન કરતા આ વચોટીયાએ કહ્યુ કે, આમા મારે કંઈ લેવા દેવા નથી. આપણે ત્રણ જણા ભેગા મળીને નક્કી કરીશુ. જોકે તારે બેનને રૂા.૫૦૦૦ જેટલા આપવાના થશે. આ ગરીબ લાભાર્થી પાસે હપ્તા પેટે રૂપિયાની માગણી કરી હોવાનુ ટી.ડી.ઓ. સુચીબેન પટેલના ધ્યાને આવતા તેમને પી.એમ.એ.વાય શાખાના ગ્રામ સેવક લીનાબેન પરમારની પુછપરછ કરી હતી. જેમાં લીનાબેને લાભાર્થી પાસે એકપણ રૂપિયાની માંગણી નહી કરી હોવાનો લેખિતમાં ખુલાસો કરતા ગામના આ વચોટીયાએ બેનને રૂા. ૫૦૦૦ સુધી લાંચ આપવાનું કેમ કહ્યુ તે મુદ્દો તાલુકામા ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે ટી.ડી.ઓ.સુચીબેન પટેલે લાભાર્થી અને વચોટીયાની વાતચીતના રેકોર્ડીંગ પુરાવા આધારે ઉંડાણપુર્વક તપાસ કરશે તો સત્ય હકીકત બહાર આવશે. આ લાભાર્થી આવાસ યોજનામા ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા વાતચીતનું રેકોર્ડીંગ પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાના હોવાનું જાણવા મળ્યુ છે.