ગુજરાતના મેડીકલ માફીયાગીરીમાં આયુષ્યમાન યોજનાના લાભાર્થી દર્દી કેટલા સુરક્ષીત
મોરબી ઝુલતો પુલકાંડ, રાજકોટ અગ્નિકાંડની જેમ ખ્યાતિકાંડ સમય જતા વિસરાશે
તંત્રી સ્થાનેથી…
ગુજરાતની ભાજપ સરકારને એકધારી સત્તા મળવાના પરિણામે આજ નેતાઓની ખોટી વ્યક્તિઓને છાવરવાની નીતિનો ભોગ પ્રજા બની રહી છે. ભ્રષ્ટાચારી સરકાર, નેતાઓ અને અધિકારીઓના રાજમાં છેવટે તો પ્રજાજ ભોગવી રહી છે અને સહન કરી રહી છે. જ્યારે ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓની છત્રછાયામાં સેવા ક્ષેત્રને વ્યવસાય બનાવી દેનાર માફીયા નીતિ નિયમો નેવે મુકી લોકોના જીવની પરવા કર્યા વગર કૌભાંડો કરી રહ્યા છે. મોરબી ઝુલતો પુલકાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જે રીતે લોકમાનસમાંથી વિસરાયો તેમ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલકાંડ પણ સમય જતા ભુલાશે અને મેડીકલ માફીયાઓને પાછલા બારણે બચાવવા પ્રયત્નો થશે. સેવાભાવી ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલો દ્વારા અગાઉ સર્વરોગ નિદાન કેમ્પ, આરોગ્ય મેળા થતા હતા, તેમાં માનવ સેવાની ભાવના હતી. આવા કેમ્પોમાં સમાજના આંતરીયાળ વિસ્તારના જરૂરીયાતમંદ લોકોની સાચા અર્થમાં તબીબી સેવા થતી હતી. વિવિધ રોગથી પીડાતા ગરીબ વર્ગના લોકો જે સારવાર લઈ શકતા નહોતા તેવા દર્દીઓ આરોગ્ય કેમ્પની મદદથી સારવાર મેળવી શકતા હતા. પરંતુ જ્યારથી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલોએ સારવાર કેમ્પ શરૂ કર્યા ત્યારથી દર્દીઓની સેવાની ભાવના કોરાણે મુકાઈ છે. મેડીકલ કેમ્પ હવે મોટી હોસ્પિટલો માટે ગ્રાહક શોધવાના કેમ્પ બની ગયા. કારમી મોઘવારીમાં લોકો સારવાર મેળવી શકતા નહોતા. મોઘી સારવાર લે તો પરિવાર દેવાના ડુંગર તળે આવી જતો હતો. જે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આયુષ્યમાન યોજના અમલમાં મુકી. આયુષ્યમાન યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના અસંખ્ય દર્દીઓએ લાભ લીધો. પરંતુ ગત અઠવાડીયામાં અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયુ ત્યારથી આયુષ્યમાન યોજનાનો લાભ લેનાર દર્દીઓ કેટલા સુરક્ષીત તે પ્રશ્ન થઈ રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં કેમ્પ કરાયો. જેમાં ૧૨૦ દર્દીઓને તપાસવામાં આવ્યા. હોસ્પિટલના ટાર્ગેટ પ્રમાણે ૨૦ દર્દીઓને કહેવામાં આવ્યુ કે તમારા હૃદયમાં તકલીફ છે એટલે આયુષ્માન કાર્ડ અને આધારકાર્ડ લઈને અમદાવાદ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા. ખ્યાતિ હોસ્પિટલના માફીયાઓ દ્વારા આયોજીત આ કેમ્પ પાછળ સેવાની ભાવના નહી પરંતુ આયુષ્યમાન કાર્ડમાંથી આવક મેળવવાની ભાવના હતી, તે બાબતથી બોરીસણા ગામના દર્દીઓ અજાણ હતા. મેડીકલ કેમ્પના લાભાર્થી ખ્યાતિ હોસ્પિટલમાં પહોચ્યા કે તુર્તજ તેમને જાણ કર્યા વગર કે સંમતિ વગર એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરતા હોસ્પિટલનુ તબીબી ક્ષેત્રનુ વ્યવસાયીકરણનુ પોત પ્રકાશ્યુ અને ત્રણ દર્દીનુ મૃત્યુ થયુ, જ્યારે પાંચ દર્દીનુ સ્વાસ્થ્ય કથળ્યુ. અન્ય હોસ્પિટલોમાં આયુષ્યમાનના એપ્રુવલ માટે દર્દીઓને રાહ જોવી પડે છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલને જે રીતે ગણતરીના કલાકોમાં એપ્રુઅલ મળ્યુ તે બતાવે છેકે મેડીકલ માફીયાઓ સાથે સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા એજન્સીઓ પણ સંકળાયેલી છે. આયુષ્યમાન યોજનાની શરૂઆતમાં અગાઉ તાલુકા લેવલના ર્ડાક્ટરો પણ પેનલમાં જોડાયા હતા. જેમને યોજનામાં વળતરની રકમ મેળવવામાં ખોટી કનડગત અને હેરાનગતી થતા પેનલમાંથી નીકળી ગયા. જ્યારે ગુજરાતના મેડીકલ ક્ષેત્રે ઘુસેલા માફીયાઓને એપ્રુઅલમાં કે વળતરમાં કોઈ કનડગત થતી નથી .જે બતાવે છેકે ભાજપના નેતાઓની છત્રછાયા ધરાવતા આ મેડીમલ માફીયાના હાથ ક્યા સુધી ફેલાયેલા છે. આ મેડીકલ માફીયાઓ સાથે ગુજરાત સરકારનુ આરોગ્ય તંત્ર પણ એટલુજ જવાબદાર છે. આયુષ્યમાન યોજનામાં ગેરરીતી કરતા પકડાય છે તેમના વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાન્ય દંડ કરીને કે થોડા સમય માટે પેનલમાંથી રદ કરીને ફરીથી આરોગ્ય તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાર કરતા આવા તત્વોને છુટો દોર આપવામાં આવે છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે આવા કાંડ ન થાય તે માટે નવી એસ.ઓ.પી બનાવવાની જાહેરાત કરી, પરંતુ નવા નિયમોથી છેવટે તો દર્દીઓનેજ પીસાવવાનો વારો આવશે. આરોગ્ય મંત્રી શેહ શરમ રાખ્યા વગર ખ્યાતિકાંડમાં કડક કાર્યવાહી કરી મેડીકલ ક્ષેત્રે ઘુસેલા માફીયાઓને નેસ્તનાબુદ નહી કરે તો હવે લોકો આયુષ્યમાન કાર્ડનો લાભ લેતા જરૂર વિચારશે.