ડી.એમ.પટેલનુ સમાજરત્ન પુરસ્કારથી સન્માન
નિવૃત્તિમાં પણ શૈક્ષણિક અને સામાજીક સેવાઓને વરેલા
એક શિક્ષક સમાજને નવો રાહ ચિન્ધી શકે અને સમાજને સુધારી શકે તે કહેવતને વિસનગરના નિવૃત્ત શિક્ષક ડી.એમ.પટેલે ચરિતાર્થ કરી બતાવી છે. નિવૃત્તી બાદની હાશ અનુભવવાની જગ્યાએ જીવન પર્યત સમાજ માટે તન, મન, ધનથી કામ કરવાની ઉમદા ભાવના ધરાવતા આ શિક્ષકનુ બાવીસી કડવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ વિસનગર દ્વારા ‘સમાજરત્ન’ પુરસ્કારથી સન્માન કરવામાં આવતા સમાજના એક સાચા રાહબરનુ સન્માન થયુ હોવાની લાગણી વ્યક્ત થઈ હતી.
મૂળ વડનગર તાલુકાના કહીપુર ગામના અને શૈક્ષણિક નગરી વિસનગરને કર્મભૂમિ બનાવી શિક્ષણની જ્યોત પ્રજ્વલ્લીત કરનાર નિવૃત્ત શિક્ષક ડી.એમ.પટેલના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. નૂતન હાઈસ્કુલમાં શિક્ષકની સેવા આપી જી.ડી.હાઈસ્કુલમાં આચાર્યની જવાબદારી સંભાળી પાલિકા સંચાલીત આ શાળાને ધમધમતી કરી હતી. શિક્ષણમાં વહિવટી કોઠાસૂઝ ધરાવતા વિદ્યાર્થીઓના પ્રિય આ શિક્ષક નિવૃત્ત થયા બાદ આરામ કરી હાશ અનુભવવાની જગ્યાએ અત્યારે બમણા જોશથી શૈક્ષણિક અને સામાજીક સેવાઓ આપી રહ્યા છે. ડી.એમ.પટેલ સાહેબના સંચાલન હેઠળ ઉમા સંસ્કાર તીર્થ કુવાસણા, ના.વી.પટેલ વિદ્યાલય, કહીપુર ગામની હાઈસ્કુલ જેવી અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનુ શિક્ષણ મળી રહ્યુ છે. જેઓ બાવીસી સમાજની ક્રેડીટ સોસાયટીમાં પણ મુલ્યવાન યોગદાન રહ્યુ છે.
નિવૃત્તી બાદ નિરોગી સ્વાસ્થ્ય મળ્યુ છે ત્યારે જીવન પર્યત નિઃસ્વાર્થ પણે સમાજ સેવાની ઉમદા ભાવના ધરાવતા ડી.એમ.પટેલનુ બાવીસી કડવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ વિસનગર દ્વારા સમાજરત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યુ હતુ. તા.૧૦-૧૧-૨૦૨૪ ના રોજ કુવાસણા ઉમા સંસ્કાર તીર્થમાં બાવીસી કડવા પાટીદાર સમાજના સમુહલગ્નોત્સવનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં બાવીસી સમાજના પ્રમુખ ર્ડા.માધવલાલ પટેલ, ર્ડા.રાજુભાઈ માવાવાળા, વિજાપુર ધારાસભ્ય ર્ડા.સી.જે.ચાવડા, એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, બ્લડ બેંક તથા અંતિમ વિસામો ટ્રસ્ટના ચેરમેન રાજુભાઈ પટેલ, ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ વિગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. જેમાં બાવીસી કડવા પાટીદાર સમાજની સામાજીક, શૈક્ષણિક, આર્થિક, આધ્યાત્મિક, રચનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે ઉમા સ્કુલ, ક્રેડીટ સોસાયટી, શ્રી ઉમિયા માતાજી મંદિર પાટોત્સવ, સંકુલ વિકાસ કાર્યક્રમો, સંકુલ દશાબ્દી મહોત્સવ, યુવા શીબીર, વડીલ વંદના, આરોગ્ય શીબીરો, રાસ ગરબા, સ્ત્રી સશક્તિકરણ, સમુહલગ્ન જેવા અનેક રચનાત્મક કાર્યક્રમોમાં નોધપાત્ર સક્રિય યોગદાન નિઃસ્વાર્થ ભાવે તન, મન અને ધનથી આપી છેલ્લા સત્તર વર્ષથી પ્રમાણિક તથા નિષ્ઠાપૂર્વકની એકધારી સેવાઓ આપવા બદલ ડી.એમ.પટેલને ‘સમાજરત્ન’ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યુ હતુ. ડી.એમ.પટેલનુ આ સન્માન કરવામાં આવતા કાર્યક્રમોમાં ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી સન્માન કરવામાં આવ્યુ હતુ.
એક નિવૃત્ત શિક્ષક શુ નથી કરી શકતો તે ડી.એમ.પટેલે બતાવ્યુ છે. આવા નિવૃત્ત શિક્ષકજ સમાજને સાચો રાહ બતાવી શકે છે. આતો બાવીસી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યુ. પરંતુ સરકાર દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સન્માન કરી નિવૃત્ત શિક્ષકની નિઃસ્વાર્થ પણે સેવાઓની કદર કરવી જોઈએ.