તાલુકા અને જીલ્લાના અધિકારીઓની દેખરેખ હેઠળ વિસનગર તાલુકાના ગામોમાં મીયાવાકી પધ્ધતિથી જંગલ ઉભા કરાશે
વિસનગર તાલુકામાં સરકારની મનરેગા યોજનામાં ગામની ગૌચર તથા ખરાબાની જમીનમાં જાપાનની મીયાવાકી પધ્ધતિથી વિવિધ જાતિના હજ્જારો વૃક્ષોનુ વાવેતર કરી દરેક ગામમાં હરિયાળુ વાતાવરણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યારે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી ડા.હસરત જૈસ્મીનના માર્ગદર્શન તેમજ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને લોકપાલની સીધી દેખરેખ હેઠળ તાલુકાના૧૨ ગામોમાં મીયાવાકી પધ્ધતિથી ૧૦૦૦ પ્રમાણે કુલ ૧૨૦૦૦ જેટલા વિવિધ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે. જ્યારે બાકીના ગામોમાં વૃક્ષારોપણની કામગીરી ચાલી રહી છે. આમ મીયાવાકી પધ્ધતિથી તાલુકાના ગામેગામ હજ્જારો વૃક્ષોનુ વાવેતર કરી મોટુ જંગલ ઉભુ કરી ગામડાઓમા હરિયાળુ વાતાવરણ બનાવવામાં આવશે.
દેશના વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાકી જર્મન ગયા હતા. જ્યાંથી આવીને તેમને ઓછા સમયમાં ઝડપથી વૃક્ષો કેવીરીતે ઉગી જાય તેની પધ્ધતિ શોધી હતી અને આ પધ્ધતિને “મીયાવાકી” નામ આપ્યુ હતુ. ત્યારબાદ પ્રો.અકીરા મીયાવાકીએ જાપાનની સ્ટીલ કંપનીનો મોટો પ્રોજેક્ટ લીધો હતો. આ પ્રોજેક્ટમાં તેમને મીયાવાકી પધ્ધતિથી વિવિધ જાતિના વૃક્ષોનું વાવેતર કરતા ઝડપી વૃક્ષો ઉગાડવામાં મોટી સફળતા મળી હતી. વનસ્પતિ શાસ્ત્રી પ્રો. અકીરાએ ‘મીયાવાકી’ પધ્ધતિથી આજસુધીમાં દેશ-વિદેશની ૧૫૦૦ જેટલી વિશાળ જગ્યામાં વિવિધ જાતિના વૃક્ષો ઝડપથી ઉગાડવામાં સફળતા મેળવી છે. આ અંગે મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા શાખાના વહીવટી કુશળ લોકપાલ ગીરીશભાઈ શર્માએ વિસનગર તાલુકાના ગામોની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે આપણે કોઈપણ વૃક્ષના વાવેતર માટે બે ફુટનો ઉંડો ખાડો ખોદીએ છીએ. જ્યારે મીયાવાકી પધ્ધતિમાં પાંચ થી છ ફુટ ઉંડો ખાડો ખોદીને છાણીયુ ખાતર નાખવામાં આવે છે. મિયાવાકી પધ્ધતિથી વૃક્ષનો ત્રણ થી ચાર વર્ષમાં એટલે કે ઝડપીથી વિકાસ થાય છે. અને આ વૃક્ષ લાંબો સમય સુધી ટકી રહે છે. મીયાવાકી પધ્ધતિથી વાવેલા વૃક્ષો સામાન્ય પધ્ધતિથી વાવેલા વૃક્ષો કરતા દશ ગણો ઝડપથી વિકાસ કરે છે. સામાન્ય પધ્ધતિથી ઉગાડેલા વૃક્ષોમાં ૧૦૦ માથી ૫૦થી ૭૦ ટકા જ ટકે છે. જ્યારેે મીયાવાકી પધ્ધતિ પ્રમાણે ઉગાડેલા વૃક્ષોમાં ૯૫ ટકા વૃક્ષો ટકે છે. જેના કારણે સરકારે મીયાવાકી પધ્ધતિથી મનરેગા યોજનામાં ગામેગામ હજ્જારો વૃક્ષોનું વાવેતર કરી વાતાવરણમાં ફેલાતુ પ્રદુષણ અટકાવી હરીયાળુ વાતાવરણ બનાવવાનું અભિયાન ઉપાડ્યુ છે. સરકારના આ અભિયાનમાં ગામડાઓમાંથી લોકોનો સહયોગ મળતા અત્યારે મીયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરી ગામડાની ગૌચર અને ખરાબાની જમીનમાં મોટુ જંગલ ઉભુ કરવામાં આવી રહ્યુ છે. જેમાં મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી ડા. હસરત જૈસ્મીનના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડા અને મનરેગા શાખાના લોકપાલ ગીરીશભાઈ શર્માની સીધી દેખરેખમાં વિસનગર તાલુકાની મનરેગા શાખા દ્વારા અત્યારે તાલુકાના ભાન્ડુ, બોકરવાડા, ધામણવા, ગુંજાળા, જેતલવાસણા, ખદલપુર, રામપુરા (કાંસા), રંગપુર, રાવળાપુરા, સદુથલા, થલોટા તથા ઉદલપુર ગામની ગૌચર તેમજ ખરાબાની જમીનમાં મીયાવાકી પધ્ધતિથી ગામ દીઠ ૧૦૦૦ પ્રમાણે કુલ ૧૨૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. જ્યારે બાકીના ગામોમાં વૃક્ષારોપણની કામગીરી ચાલી રહી છે. મીયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ થતા ગ્રામ્ય વિસ્તારમા મનરેગા યોજનાનું જોબકાર્ડ ધરાવતા બેરોજગારોને રોજગારી પણ મળી રહી છે. ટી.ડી.ઓ. સુચીબેન પટેલ, મદદનીશ ટી.ડી.ઓ. રોહીતભાઈ રાવલ, મનરેગા શાખાના એ.પી.ઓ.નેહલબેન તથા ટી.એ.નૈતિકભાઈ પટેલના પ્રયત્નોથી અત્યારે કાંસા ગામમાં ચાર જગ્યાએ મીયાવાકી પધ્ધતિથી હજ્જારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. તેમજ બાકીના ગામોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે ગામના સરપંચ, તલાટી તથા આગેવાનોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યુ છે. આમ મીયાવાકી પધ્ધતિથી વિસનગર તાલુકાના ગામેગામ હજ્જારો વૃક્ષોનું વાવેતર કરી ત્રણ થી ચાર વર્ષમા મોટુ જંગલ ઉભુ કરી હરિયાળુ વાતાવરણ બનાવવામાં આવશે.