વિસનગર એ.પી.એમ.સી.ખાતે ભાજપના કાર્યકરોનો સ્નેહમિલન સમારોહ યોજાયો વડાપ્રધાનના ‘એક હૈ તો સેફ હૈૈ’ ના નારાથી કોંગ્રેસનો સફાયો-ઋષિભાઈ
વિસનગર એ.પી.એમ.સી.માં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતીમાં નૂતન વર્ષ નિમિત્તે તા.૨૪-૧૧ના રોજ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, વિસનગર એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન મુકેશભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપની બી ટીમના જુના જોગીઓ ગેરહાજર જોવા મળતા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહે દેશ માટે કરેલા ઐતિહાસિક કાર્યોના લીધે તેમનુ નામ સુવર્ણ અક્ષરે લખાશે- આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, આપણા જીલ્લાના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રે અભુતપુર્વ વિકાસ થયો છે. જેમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાતની આગવી ઓળખ ઉભી કરવા માટે દિવસમાં સતત ૧૮ કલાક કામ કર્યુ છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશની ૧૪૪ કરોડ જનતાની ચિતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ માટે કરેલા કાર્યો અને નિર્ણયોના કારણે આજે વિશ્વમાં ભારતનુ નામ ગુંજતુ થયુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ૩૭૦ની કલમ, ત્રિપલ તલાક, અયોધ્યામાં ભવ્ય રામમંદિરનુ નિર્માણ કાર્ય જેવા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. વડાપ્રધાનના દરેક ઐતિહાસિક કાર્યો અને સાહસિક નિર્ણયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો પણ સહયોગ મળી રહ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક વિજય થતા તેમને કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના નેતાઓ ચુંટણીમાં દેશમાં જનગણના કરવાની વાતો કરતા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “હમ એક હૈ તો સેફ હૌ”ના નારાએ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચુંટણીમાં કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. અત્યારે કોંગ્રેસમાં જે ગયુ તે બળીને ખાખ થઈ ગયુ છે. જ્યારે દેશ માટે કરેલા ઐતિહાસિક કાર્યોના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનુ નામ સુવર્ણ અક્ષરે લખાશે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના ધર્મપત્નિ મિનાબેન પટેલ તરફથી સગર્ભા બહેનોને રાગીના લાડુના બોક્સનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી વિસનગરમાં પ્રથમવાર ઉપસ્થિત રહ્યા હોવાથી તેમનુ સ્વાગત સન્માન કરવા ભાજપના હોદ્દેદારો અને વિવિધ પાંખના કાર્યકરોની લાંબી લાઈન લાગી હતી. કાર્યકરોની પડાપડી અને લાંબી લાઈનના લીધે રત્નાકરજીના સન્માનનો કાર્યક્રમ અધવચ્ચે અટકાવવો પડ્યો હતો. કાર્યક્રમનુ સુંદર એન્કરીંગ વિજાપુરના હાસ્ય કલાકાર અજયભાઈ બારોટે કર્યુ હતુ.