મંદિરના અનુદાનથી ગામમાં ટ્યુબવેલ બનાવ્યો કડા સિધ્ધેશ્વરી મંદિરની આવકનો લોકહિતમાં ઉપયોગ
વિસનગર તાલુકાના કડા ગામનુ સિધ્ધેશ્વરી માતાજીનુ મંદિર પંથકમાં આસ્થાનુ કેન્દ્ર હોવાથી દર્શનાર્થીઓનો ભારે ઘસારો રહે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરની આવકનો લોકહિતમાં ઉપયોગ કરવામાં આવતા આ સેવા કાર્ય ગુજરાતમાં માતબર આવક ધરાવતા અન્ય મંદિરો માટે પ્રેરણારૂપ બની ગયુ છે. પ્રસિધ્ધિના મોહ વગર મંદિરનો વિકાસ કરવો અને આવકમાંથી વધુમાં વધુ સમાજ ઉપયોગી કાર્ય કરવા તે ટ્રસ્ટીઓનો ધ્યેય રહ્યો છે. મંદિરના અનુદાનથી કડા ગામમાં ટ્યુબવેલ બનાવવામાં આવતા ગ્રામજનો દ્વારા મંદિર થકી થતા સેવા કાર્યોની સરાહના કરી હતી.
કડા સિધ્ધેશ્વરી માતાના મંદિરમાં ફક્ત વિસનગર પંથકનાજ નહી પરંતુ દૂરના શહેરના દર્શનાર્થીઓનો પણ ભાર ઘસારો રહે છે. દર રવિવાર, પૂનમ, નવરાત્રી અને દિવાળીના તહેવારમાં દર્શનાર્થીઓના ઘસારાને પહોચી વળવા મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યા દર્શનાર્થીઓની અવર જવર હોય અને માતાજી પ્રત્યે આસ્થા હોય તે મંદિરમાં આવક પણ વધુ હોય છે. ગુજરાતના માતબર આવક ધરાવતા કેટલાક ધાર્મિક સ્થળોમાં આવકમાંથી એફડીઓ કરવામાં આવે છે. ત્યારે સિધ્ધેશ્વરી માતાજી ટ્રસ્ટ દ્વારા મંદિરની આવકનો લોકહિતમાં ઉપયોગ કરવામાં આવે છે. દિવાળી પહેલા કડા ગામનો ટ્યુબવેલ ફેલ થતા પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી. ત્યારે ગ્રામ પંચાયતના વહિવટદાર, તલાટી તથા આગેવાનો શ્રી સિધ્ધેશ્વરી મંદિર ટ્રસ્ટની રજુઆત કરતા મંદિરના અનુદાનથી તાત્કાલીક ધોરણે નવો ટ્યુવબેલ બનાવી ગ્રામજનોની સેવામાં અર્પણ કર્યો હતો. દિવાળીના તહેવારમાં પાણીની સમસ્યામાંથી મુક્ત થતા ગ્રામજનોએ માતાજીનો અને ટ્રસ્ટનો આભાર માન્યો હતો.
ગામમાં ટ્યુબવેલ બનાવી આપવા સીવાય પણ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની આવકમાંથી અગાઉ સામાજીક, શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રોટરી ક્લબ ઓફ વિસનગર, નૂતન હોસ્પિટલ તથા વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાન આપવામાં આવી છે. પુલવામા એટેકમા શહિદ થયેલા સૈનિકોના પરિવારને કલેક્ટરના હસ્તે ફંડ આપવામાં આવ્યુ હતુ. ભુકંપ, વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તીમાં ટ્રસ્ટ દ્વારા સુખડી બનાવી ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં પણ સારવાર તથા દવાની કીટ માટે ફંડ આપવામાં આવ્યુ હતુ. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રૂા.૧૦ ના ટોકને રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવે છે. જેમાં રૂા.૨૦ થી ૨૫ લાખનો ખર્ચ થાય છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા કડા ગામમાં પણ લોકહિતના કાર્યો કરવામાં આવ્યા છે. ગામમાં સાર્વજનિક સ્મશાન બનાવવામાં આવ્યુ. ગામના સાર્વજનિક કોમ્યુનીટી હૉલમાં પણ માતબર રકમનુ દાન આપવામાં આવ્યુ હતુ. ગામમાં પી.એચ.સી સેન્ટર મંજુર થતા ટ્રસ્ટ દ્વારા તાત્કાલીક ધોરણે જરૂરીયાત પ્રમાણેની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. મહત્વની બાબત તો એ છેકે સંસ્થા દ્વારા વૃધ્ધાશ્રમ પણ ચલાવવામાં આવે છે. આવા અનેક સેવા કાર્ય શ્રી સિધ્ધેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટ ગુજરાતના અન્ય ધાર્મિક ટ્રસ્ટ માટે પ્રેરણારૂપ છે. માતબર આવક ધરાવતા ધાર્મિક મંદિરો અને સંસ્થાઓ જો કડા સિધ્ધેશ્વરી મંદિર ટ્રસ્ટનુ અનુકરણ કરી આવકનો ઉપયોગ લોકહિતમાં કરે તો સમાજની ઘણી જરૂરીયાતો પુરી કરી શકાય તેમ છે.