મંત્રી ઋષિભાઈ પટેલની કડક સુચનાથી શહેર ટ્રાફીક મુક્ત
વિસનગરના લોકોએ જોયુ કે અનુભવ્યુ ન હોય તેવુ ચક્કાજામ થયુ હતુ
- પ્રાંત ઓફીસર દેવાંગ રાઠોડ અને ડીવાયએસપી ડી.એમ.ચૌહાણની સતત દેખરેખમાં ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી તથા પી.આઈ. એ.એન.ગઢવીની દબાણ હટાવો ઝુંબેશ
ઓવરબ્રીજના કારણે આઈ.ટી.આઈ. ફાટકનો હાઈવેનો માર્ગ બંધ કરવામાં આવતાજ શહેરમાં બે દિવસ એટલો ટ્રાફીક જામ થયો કે વાહનચાલકોના મોઢે એકજ વાત હતી કે બે વર્ષ આવા જશે. ટ્રાફીકની કથળેલી પરિસ્થિતિ જાણી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે ધારાસભ્ય કાર્યાલયમાં અધિકારીઓ સાથે બેઠક કરી કડક સુચનો કરતા બીજાજ દિવસથી અમલ થયો અને શહેર ટ્રાફીક મુક્ત થયુ હતુ. શહેરમાંથી નાના વાહનોનુ ડાયવર્ઝન હોવા છતા નહિવત ટ્રાફીક જોઈ શહેરીજનો તંત્રની કડક કાર્યવાહીની સરાહના કરી રહ્યા છે.
વિસનગરમાં દિવાળી બાદ આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજનુ કામ શરૂ થતા તા.૨૮-૧૧ ની રાત્રે જાહેરનામાના અમલ પ્રમાણે હાઈવેનો રોડ બંધ કરવાની સાથેજ તા.૨૯ અને ૩૦ બન્ને દિવસ નાના વાહનોના ડાયવર્ઝનથી શહેરમાં ટ્રાફીક ચક્કાજામ થયો હતો. શહેરના તમામ માર્ગ ઉપર અભૂતપૂર્વ ટ્રાફીક થતા કયા રોડ ઉપરથી પસાર થવુ તેની વાહન ચાલકોમાં મુંજવણ હતી. ડાયવર્ઝનથી હાઈવે ઉપરના વાહનોનુ ભારણ વધતા તેમજ સી.સી. કામ ચાલતુ હોવાથી જી.ડી. રોડ બંધ હોવાના કારણે દિવસમાં અનેકવાર ટ્રાફીક જામ થતા વાહનચાલકો ફસાયા હતા. ટ્રાફીક બાબતે શહેરની કથળેલી પરિસ્થિતિ જોઈ રવિવારના કાર્યક્રમો અટકાવી આરોગ્ય મંત્રી વિસનગર દોડી આવ્યા હતા. રવિવાર રજાનો દિવસ હોવા છતા પ્રાન્ત ઓફીસર દેવાંગ રાઠોડ, ડી.વાય.એસ.પી. ડી.એમ.ચૌહાણ, ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદી, પી.આઈ. એ.એન.ગઢવી સહિતના અધિકારીઓ તથા ઉત્તમભાઈ પટેલ, શહેર પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલની હાજરીમાં ધારાસભ્ય કાર્યાલયમાં આરોગ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને મીટીંગ બોલાવી હતી. સોમવારથીજ શહેરમાં ટ્રાફીક નિવારણ માટે શું કરવુ તેની ચર્ચા કરી કડક સુચનાઓ આપી પાલિકા અને પોલીસ ટીમ સોમવારની સવારથીજ પ્રથમ ગૌરવપથ રોડ અને ડી.ડી. રોડ ઉપર ટ્રાફીક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ગૌરવપથ રોડ ઉપર શાકભાજીની લારીઓવાળાને બાગના વરંડાને અડીને ઉભા રહેવા કડક કાર્યવાહી કરી હતી. આદેશની અવગણના કરનાર લારીઓવાળાનો માલ સામાન પાલિકાએ જપ્ત કર્યો હતો. ગૌરવપથ રોડમાં કેટલાક વેપારીઓ ફૂટપાથ ઉપર માલસામાન અને સાઈન બોર્ડ મુકતા હોવાથી ગ્રાહકો રોડ ઉપર વાહનો પાર્ક કરવાના કારણે ટ્રાફીકમાં અડચણ ઉભી થતી હતી. જેથી વેપારીઓના સાઈન બોર્ડ તેમજ માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડી.ડી. રોડની બન્ને બાજુ ફોર વ્હીલ વાહનોના પાર્કિંગથી ટ્રાફીક થતો હતો. આ રોડ ઉપરથી વાહન હટાવતા રોડ ખુલ્લો થઈ ગયો હતો. આ ઉપરાંત્ત રેલ્વે સર્કલથી એમ.એન.કોલેજ સુધીના એસ.ટી. રોડ ઉપર પણ વેપારીઓએ કરેલા દબાણો હટાવી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. બે ત્રણ દિવસની ટ્રાફીક ઝુંબેશથીજ રોડ ખુલ્લા થતા શહેરીજનોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી.
નૂતન વિદ્યાલયથી ગંજબજાર ફાટક, પટણી દરવાજાથી વડનગરી દરવાજા, બામણ ચાયડા નાળાથી એમ.એન.કોલેજ રોડ ઉપર પણ દબાણો હટાવવામાં આવશે તેમ ચીફ ઓફીસરે જણાવ્યુ છે. ટ્રાફીક ઝુંબેશ બાદ કાયમ માટે જાહેર માર્ગો ખુલ્લા રહે તે માટે પોલીસે પણ કડક કાર્યવાહી આરંભી છે. ગૌરવપથ રોડ ઉપર અડચણરૂપ પાર્ક કરેલા વાહનોને લૉક મારી દંડ કરવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સમાં રોડ ઉપર પાર્ક કરેલ વાહનોના ફોટા પાડી ઈ-ચલણ પણ આપવામાં આવી રહ્યા છે. જેના દંડનો મેમો સીધોજ વાહન ચાલકના સરનામે આવશે. દર વખતે બે-ચાર દિવસ ટ્રાફીક ઝુંબેશ થાય અને યથાવત સ્થિતિ સર્જાય છે. ત્યારે આ વખતે આઈ.ટી.આઈ. બ્રીજ શરૂ નહી થાય ત્યા સુધી તંત્રની ટ્રાફીક કામગીરી રહેશે. શહેરીજનોની સુવિધા માટેજ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે સહકાર આપવા પાલિકા પ્રમુખે નગરજનોને અપીલ કરી છે.
મંત્રી ઋષિભાઈ પટેલે મીટીંગમાં કઈ સુચનાઓ આપી અને શુ થશે
(૧) સુંશી રોડ, દિપરા દરવાજા ઢાળ, કમાણા ચાર રસ્તા હાઈવે બેરીયર લગાવાશે. આ તરફની બસ કડા ત્રણ રસ્તા, કમાણા ચાર રસ્તા થઈ મહેસાણા ચાર રસ્તાથી શહેરમાં પ્રવેશ કરશે. (૨) રાત્રે ૧૦-૦૦ વાગ્યાથી સવારે ૬-૦૦ સુધીજ ભારે વાહનો અવરજવર કરી શકશે. (૩) વિસનગર તરફ આવતા ભારે વાહનોને વિજાપુર, કુકરવાડા, ડાભલા, મહેસાણા માનવઆશ્રમ, ઐઠોર, ભાન્ડુ, કહોડા, વડનગર અને ખેરાલુથીજ રોકવામાં આવશે. (૪) જી.ડી.રોડ શરૂ થઈ ગયા બાદ જી.ડી.રોડ, ડી.ડી. રોડ, ધરોઈ કોલોની રોડ ઉપર વન-વે નો અમલ કરવામાં આવશે. (૫) કાંસા ગામથી મહેસાણા તરફ જતા બન્ને રોડ ઉપર, વડનગર રોડથી જોગણીયો માતાના મંદિરથી પીંડારીયા તથા આશાપુરી માતાના મંદિરવાળા રોડની દિશા નિર્દેશ કરતા સાઈન બોર્ડ મુકવામાં આવશે. (૬) ખેરાલુ રોડ હોન્ડા શો-રૂમની બાજુમાં આવેલ રોડની વાહન વ્યવહાર થઈ શકે તેવી મરમ્મત કરવામાં આવશે. (૭) વિજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલીંગના કારણે ખરાબ થયેલા પીંડારીયા રોડથી વડનગર હાઈવેને જોડતા બન્ને રોડ માર્ગ મકાન પંચાયત દ્વારા મરમ્મત કરવામાં આવશે. (૮) જાહેરનામાનો કડક અમલ થાય અને ભુલથી પણ દિવસે કોઈ ટ્રક આવી જાય તો રીટર્ન કરવામાં આવશે. (૯) માર્કેટયાર્ડમાં માલ વેચવા આવતી કે ભરીને જતી ટ્રકોને માર્કેટયાર્ડની ટેલીફોનીક સુચના બાદ પ્રવેશ આપવામાં આવશે. (૧૦) શહેરમાં અંડર ગ્રાઉન્ડ કેબલીંગના કારણે જે ખાડા કરવામાં આવ્યા છે તે તાત્કાલીક પુરવા માટે વિજ કંપનીને સુચના આપવામાં આવી. (૧૧) આદર્શ વિદ્યાલય આગળ સાંકળચંદ કાકાનુ જે બાવલુ આવેલ છે તે બાવલાના ભાગ પૂરતુ નાનુ સર્કલ બનાવી વધારાની જગ્યા ખુલ્લી કરવામાં આવશે. (૧૨) શહેરના જાહેર રોડ ઉપર ટ્રાફીકમાં નડતરરૂપ દબાણો અને ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનોને દંડ કરવાની કડક સુચના હોવાથી બ્રીજ શરૂ નહી થાય ત્યા સુધી પાલિકા અને પોલીસની કડક કાર્યવાહી રહેશે. (૧૩) આદર્શ વિદ્યાલયથી દિપરા દરવાજા ઢાળ સુધી બન્ને બાજુના દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવશે.