Select Page

રોડ ઉપર પાર્ક કરેલ વાહનોને દંડની કડક કાર્યવાહી

રોડ ઉપર પાર્ક કરેલ વાહનોને દંડની કડક કાર્યવાહી

શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની સહકાર આપવા અપીલ

  • ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોને લોક મારવા હેડ ક્વાર્ટરમાથી બીજા ૨૦-લોક મંગાવ્યા

વિસનગરમાં ક્યારેય જોઈ ન હોય તેવી ટ્રાફીક સમસ્યા સર્જાતા આરોગ્યમંત્રીની સુચનાથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર માર્ગો ખુલ્લા થઈ જતા તેની સારી અસર થતા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ટ્રાફીક ઝુંબેશમાં સહકાર આપવા શહેરીજનો અને વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે. આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનો અડચણરૂપ થતા હતા. જેમાં શેહ શરમ રાખ્યા વગર પોલીસ લોક મારીને દંડનીય કાર્યવાહી કરી રહી છે.
વિસનગર કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલનુ શહેર હોવાથી પોલીસ ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનોને દંડ કરવામાં સંકોચ અનુભવતી હતી. જેના કારણે સીટી પોલીસ સ્ટેશન સામે ત્રણ દરવાજા ટાવર વિસ્તાર ગૌરવ પથ રોડ ઉપર ફોર વ્હીલ વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતા હતા. શહેરમાં ડાયવર્ઝનના કારણે ટ્રાફીક સમસ્યા વણસતા તેમા જાહેર રોડ ઉપર પાર્ક કરેલ વાહનો ખુબજ નડતરરૂપ થયા હતા. કેબિનેટમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મિટીંગમાં ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનો બાબતે રજુઆત થતા શહેરીજનોની સુવિધા માટે આવા વાહનોને દંડ કરવા સુચના આપવામાં આવી હતી. પોલીસને સુચના મળતાજ ગૌરવ પથ રોડ ઉપર પી.આઈ.એ.એન.ગઢવીની નિગરાનીમાં ટ્રાફીકમા નડતરરૂપ વાહનોને લોક મારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પી.એસ.આઈ.એન.એન.ગોહેલ સ્ટાફ સાથે ગૌરવ પથ રોડ ઉપર ચાલતા પેટ્રોલીંગ કરી દંડનીય કાર્યવાહી કરી હતી. પોલીસ સ્ટેશનમા પાંચ લોક હતા. ટ્રાફીક ઝુંબેશમાં વધારે લોકની જરૂરીયાત ઉભી થતા હેડ ક્વાર્ટરમાથી બીજા ૨૦ લોકની માગણી કરવામાં આવી છે. જે વાહનોને લોક મારવામા આવે છે તેમને રૂા.૫૦૦ દંડ કરવામાં આવે છે. લોક નહી હોવાથી ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોના ફોટા પાડી ઈ-મેમો આપતા તેઓ વાહન ચાલકોને રૂા.૨૦૦૦ દંડ ભરવો પડશે. આમ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોના પોલીસ ફોટા પાડી ઈમેમો આપતી હોવાથી વાહન ચાલકો આ કાર્યવાહીથી અજાણ હોય છે. પરંતુ દંડ ભરવા ઈ મેમો વાહન ચાલકના સરનામે પહોચશે ત્યારે ગેરકાયદેસર પાર્કિંગ કર્યુ હોવાનું ભાન થશે.
પોલીસની આ દંડનીય કાર્યવાહીથી ગૌરવ પથ રોડ ટ્રાફીક મુક્ત થતા શહેરીજનો સરાહના કરી રહ્યા છે. ટ્રાફીક ઝુંબેશ બાબતે શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા અને તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલે અપીલ કરી છે કે, બે દિવસની ટ્રાફીક સમસ્યાથી અસંખ્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેર અને તાલુકાના લોકોની સુખાકારી તથા સુવિધા માટે ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોને શેહશરમ વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અને પાલિકાની કડક કામગીરીથી રોડ ખુલ્લા થઈ ગયા છે અને ટ્રાફીક નહિવત જોવા મળી રહ્યો છે. પોલીસ અને પાલિકા લોકોના હિતમા કામ કરી રહી હોવાથી સહકાર આપવો એ સૌની ફરજ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts