ઉમેદપુરી ધૂન મંડળ રજત જયંતિ મહોત્સવનો અનેરો થનગનાટ
શોભાયાત્રા, લોકડાયરો, સંત ભંડારો, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસગરબાના ભવ્ય કાર્યક્રમ યોજાશે
- કોઈ સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા નહી પણ ધૂન મંડળ દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે કાર્યક્રમ થતો હોય તેવો પ્રથમ બનાવ
વિસનગર ગુંદીખાડ બાપુના ચોરાના સંતશ્રી ઉમેદપુરી બાપુના આશીર્વાદ તથા બાપુના પરમ શિષ્ય વિજુદાદાની પ્રેરણાથી શરૂ થયેલ ગુરૂશ્રી ઉમેદપુરી ધૂન મંડળને ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ માટે ભક્તજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના રજત જયંતિ મંત્ર મહોત્સવમાં ભવ્ય કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં ભાગ લેવા ધૂન મંડળના ભક્તજનો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
સંતો અને મહંતોની ભૂમિ ધર્મનગરી વિસનગરમાં ગુરૂશ્રી ઉમેદપુરી બાપુ ધૂન મંડળ દ્વારા ભવ્ય રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં તા.૨૦-૧૨-૨૪ ને શુક્રવારના રોજ સદુથલા કૈલાસ ટેકરીથી સવારે ૧૧-૩૦ કલાકે શોભાયાત્રાનુ પ્રયાણ થશે. બપોરે ૧-૩૦ કલાકે વિસનગર બાપુના ચોરે સંતશ્રી પ્રયાગપુરી બાપુ તથા સદુથલા ગ્રામજનોનુ સામૈયુ કરવામાં આવ્યા બાદ શહેરના માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળશે. રાત્રે ૯-૩૦ કલાકે ગુંદીખાડ પરામા માયાભાઈ આહીર તથા જીજ્ઞેશ કવીરાજ બારોટનો લોકડાયરો યોજાશે. તા.૨૧-૧૨-૨૪ ને શનિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે પ્રયાગપુરી મહારાજ સદુથલા, રામપુરી મહારાજ સદુથલા તથા બાપુના ચોરાના પ્રેમપુરી બાપુના સાનિધ્યમાં ૭૦૦ ઉપરાંત્ત સંતો મહંતોનો ભંડારો થશે. બપોરે ૩-૦૦ કલાકે અન્નકુટ દર્શન અને સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે. જ્યારે રાત્રે ૯-૦૦ કલાકે ગુજરાતના જાણીતા ગાયક કલકાર કાજલ મહેરીયા ગરબાની રમઝટ બોલાવશે. તા.૨૨-૧૨-૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકથી મંત્ર મહાધૂનનો પ્રારંભ થશે અને સાંજે ૫-૩૦ કલાકે પૂર્ણાહુતિ થશે. તમામ જાહેર કાર્યક્રમો ગુંદીખાડ પરામા થશે. નોધપાત્ર બાબત છેકે, માતબર સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા આવા કાર્યક્રમો થતા હોય છે, પરંતુ દાતાઓના સહકારથી લાખ્ખો રૂપિયાના ખર્ચે એક ધૂન મંડળ દ્વારા પ્રથમ વખત ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. પૂજ્ય ઉમેદપુરી બાપુના બાપુનો ચોરો તથા કૈલાસ ટેકરી સદુથલા સીવાય સુજાણપુર, પાલડી, મક્તુપુર અને રણછોડપુરા ગામમાં મંદિર આવેલા છે. બાપુના ભક્તો ફક્ત વિસનગરમાંજ નહી પણ વિશ્વમાં ફેલાયેલ છે. રજત જયંતિ મહોત્સવની ઉજવણી માટે ધૂન મંડળના ભક્તજનો દ્વારા અત્યારે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જે ધૂન મંડળ દ્વારા રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેનો મહિમા શુ છે અને ક્યારથી પ્રારંભ થયો તે જોઈએ તો, ગુરૂશ્રી ઉમેદપુરી બાપુના પરમ શિષ્ય પ.પૂ. વિજુદાદાની પ્રેરણાથી ઉંઝાના સેવકોએ ઉંઝામાં દર ગુરૂવારે બાપુની ધૂન શરૂ કરી હતી. જેમાં પાંચ ગુરૂવાર સુધી વિસનગરના પાંચ થી છ સેવકો ઉંઝામાં યોજાતી ધૂનમાં જોડાયા બાદ, પૂજ્ય બાપુની ધૂન જો ઉંઝામાં થતી હોય તો જ્યા તેમની ગુરૂગાદી આવેલી છે તે વિસનગરમાં પણ ઉમેદપુરી બાપુની ધૂન શરૂ કરવાની પ્રેરણા મળી. પ્રારંભમાં ૧૫ જેટલા સેવકોએ સવંત ૨૦૫૫ માં જેઠ સુદ ભીમ અગીયારસ, તા.૨૪-૬-૧૯૯૯ ને ગુરૂવારના દિવસે મણીભાઈ એ.પટેલ (રોનક સ્ટુડીઓ)ના નિવાસ્થાનેથી સૌપ્રથમ ધૂનની શરૂઆત કરી. પૂજ્ય શ્રી ઉમેદપુરી બાપુમાં આસ્થા ધરાવતા અન્ય ભક્તો પણ ધૂન મંડળમાં જોડાતા હાલ વિસનગર શહેરના વિવિધ વિસ્તારના વિવિધ સમાજના ૨૨૫ ઉપરાંત્ત ભક્તો દર ગુરૂવારે ધૂન મંડળમાં ભાગ લઈ રહ્યા છે. શરૂઆતમાં એક ઢોલથી ધૂન શરૂ કરી હતી. અત્યારે પુરી સંગીત સીસ્ટમ અને સાઉન્ડ સીસ્ટમ સાથે પુરા તાલમેલથી ભક્તો તથા સેવકો ધૂનમાં તલ્લીન બને છે. બાપુની ધૂનનો વ્યાપ વધતા અને આમંત્રણ મળતા વિસનગર ઉપરાંત્ત અમદાવાદ, અડવાલ(સૌરાષ્ટ્ર), સુજાનપુર, મહેસાણા, ઉંઝા, વડનગર, પાટણ સહિતના શહેરો તથા ગામડામાં ધૂન કરવામાં આવી. નાના બાળકોથી માંડી યુવાનો અને વડીલો એકજ ડ્રેસકોડ સાથે જોડાતા જ્યા પણ ધૂન થાય છે ત્યાં અનોખુ ધાર્મિક અને અલૌકીક વાતાવરણ ઉભુ થાય છે. બાપુની ધૂન સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે છે, સાઉન્ડ લાવવા અને લઈ જવાનુ ફક્ત ભાડુ લેવામાં આવે છે. પણ સાઉન્ડ સીસ્ટમનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ધૂન કરવાથી જે પણ ભેટ દાન મળે તેમાંથી સાધુ સંતોની સેવા, કોરોના કાળમાં રાશન કીટ વિતરણ, કુદરતી આપત્તીના સમયે યથાયોગ્ય મદદ જેવી ધાર્મિક અને સામાજીક સેવાઓ કરવામાં આવે છે. પૂજ્ય ગુરૂ મહારાજની કૃપા અને આશીર્વાદથી ૨૫ વર્ષમાં કુદરતી આપત્તીઓમાં કે અન્ય કોઈપણ સંજોગોમાં ગુરૂવારની ધૂન બંધ રહી નથી. બાપુના ચોરામાં દર પૂનમે ધૂન કરવામાં આવે છે. બાપુની ધૂનનો અવાજ સાંભળ્યો ન હોય તેવો શહેરનો કોઈ વિસ્તાર બાકાત નથી. ધૂન મંડળ આમંત્રણને માન આપીને કોઈપણ જ્ઞાતિના ભક્તના ઘરે ધૂન કરે છે. દૂરના શહેર અને દેશમાં રહેતા ભક્તોને પણ પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે હવે ટેકનોલોજીના યુગમાં ધૂનનુ ઈન્ટરનેટ – સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન લાઈવ પ્રસારણ કરવામાં આવે છે.