વિસનગરમાં હિન્દુ સંગઠનોએ આક્રોશ રેલી કાઢી- આવેદન આપ્યુ
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલાઓના વિરોધમાં
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલા, અત્યાચારો તથા ઈસ્કોનના ભારતીય પુજારીની ધરપકડના વિરોધમાં વિસનગર હિન્દુ હિત રક્ષક સમિતિ સહિત હિન્દુ સંગઠનો દ્વારા બુધવારના રોજ સંતો-મહંતોની હાજરીમાં ધર્મસભા યોજી આક્રોશ રેલી કાઢી પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં હિન્દુ ભાઈ-બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં હાજર રહી બાંગ્લાદેશમાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા બાદ ત્યાના વિધર્મીઓ દ્વારા હિન્દુઓ ઉપર અવાર-નવાર હુમલાઓ અને અત્યાચારો થઈ રહ્યા છે. હિન્દુના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા હુમલા, અત્યાચારોએ અને ઈસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણદાસજીની ખોટીરીતે ધરપકડ કરતા ભારત દેશના હિન્દુઓમાં ભારે આક્રોશ ભભુક્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલાઓ અને અત્યાચારોના વિરોધમાં વિસનગર હિન્દુ હિત રક્ષા સમિતિ સહિત હિન્દુ સંગઠનો દ્વારા બુધવારના રોજ વિવેકાનંદ સોસાયટી પાસે ધર્મસભા યોજવામાં આવી હતી. જેમાં સંતો, મહંતો અને હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ ધર્મસભામાં સંતો, મહંતો અને હિન્દુ સંગઠનના આગેવાનોએ બાંગ્લાદેશ સરકાર અને વિધર્મીઓ ઉપર ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ધર્મસભા બાદ તાલુકા સેવા સદન સુધી આક્રોશ રેલી કાઢી પ્રાન્ત અધિકારી દેવાંગ રાઠોડને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં હિન્દુ સંગઠનના આગેવાનો અને સંતો, મહંતો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલા અને અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા તેમજ ઈસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવા, હિન્દુઓની ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા સહિતની સરકાર પાસે માગણી કરવામાં આવી હતી.