Select Page

વિસનગર ટીડીઓ સામે તાલુકાના પૂર્વ સરપંચો-આગેવાનોમાં રોષ

વિસનગર ટીડીઓ સામે તાલુકાના પૂર્વ સરપંચો-આગેવાનોમાં રોષ

ગામડાઓમાં ટેન્ડરીંગથી વિકાસકામો કરવાના નિર્ણયથી

  • ટેન્ડરીંગ પ્રક્રિયાનો વિરોધ કરે તેવા ગામોના સરપંચોના ગામોમાં વિકાસકામો કરવા સાંસદસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી

વિસનગર ધારાસભ્યની રૂા.૧.૨૨ કરોડ ગ્રાન્ટમાથી તાલુકાના ગામોમાં થનાર વિકાસકામોમાં ટી.ડી.ઓ.દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા થવાની હોવાની ચર્ચાઓ થતા સરપંચો, પુર્વ સરપંચો અને આગેવાનોમાં છુપો રોષ ઉભો થયો છે. પુર્વ સરપંચોમાં એવી ચર્ચા છે કે, જો ટી.ડી.ઓ.ટેન્ડરીંગ પ્રક્રિયાથી ગામડામાં વિકાસકામો કરાવવા ઈચ્છતા હોય તો તેમને ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ તમામ સરપંચોની સેન્સ લેવી જોઈએ. આ તો હાલમાં મોટાભાગની પંચાયતોમાં વહીવટદાર તરીકે તલાટીઓ હોવાથી તેઓ ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કરતા નથી. ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કરે તેવા સરપંચોના ગામોમાં વિકાસકામો કરવા સાંસદસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ટી.ડી.ઓ. સુચીબેન પટેલ ટેન્ડરીંગ કરી ગામડાઓમાં વિકાસકામો કરાવશે તો વિવાદના બીજ રોપાશે.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી બન્યા બાદ સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી તાલુકાના દરેક ગામમાં લાખો રૂપિયાના ખર્ચે વિકાસકામો થયા છે. પરંતુ મંત્રી ઋષિભાઈ પટેલના માથે અત્યારે સરકારના ત્રણ મહત્વના ખાતાની જવાબદારી હોવાથી તેઓ તાલુકાના વિકાસકામો બાબતે પુરતુ ધ્યાન આપી શક્તા નથી. જેના કારણે ધારાસભ્યની રૂા.૧.૨૨ કરોડની ગ્રાન્ટમાંથી તાલુકાના ગામોમાં થનાર વિકાસકામોમાં વિવાદ થવાની શક્યતા છે. ટી.ડી.ઓ.સુચીબેન પટેલ ધારાસભ્યની રૂા.૧.૨૨ કરોડની ગ્રાન્ટમાં ટેન્ડરીંગ પ્રક્રિયાથી ગામોમાં વિકાસકામો કરાવવાના હોવાની ચર્ચાઓ થતા સરપંચો, પુર્વ સરપંચો અને આગેવાનોમાં છુપો રોષ ઉભો થયો છે. પુર્વ સરપંચોમાં એવી ચર્ચા છે કે, જો ટી.ડી.ઓ. સુચીબેન પટેલ ટેન્ડરીંગ પ્રક્રિયાથી વિકાસકામો કરાવવા ઈચ્છતા હોય તો તેઓ ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ તમામ ગામના સરપંચોની સેન્સ લઈને કામો કરાવે. અત્યારે તાલુકાના ૧૦ગામોમાં જ સરપંચો છે. જ્યારે બાકીની તમામ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે તલાટીઓને મુકવામાં આવ્યા છે. તલાટીઓ ટેન્ડરીંગ બાબતે નારાજ હશે તો પણ તેઓ વિરોધ કરવાના નથી અને હાલના ચાલુ સરપંચોમાં જે સરપંચ ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કરે તેવા છે તેઓના ગામમાં વિકાસકામો કરવા સાંસદસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સેવાલીયા ગામમાં વિકાસકામ માટે રૂા.૫ લાખ સીધા ફાળવવામાં આવ્યા છે. જોકે ટી.ડી.ઓ. સુચીબેન પટેલના ટેન્ડર પ્રક્રિયાથી વિકાસકામો કરવાના નિર્ણયથી તાલુકા પંચાયત પ્રમુખ સહિત કેટલાક સદસ્યો પણ નારાજ છે. જેમાં પ્રમુખ પુષ્પાબેન વણકરે અગાઉ તાલુકામાં થતા વિકાસકામો બાબતે ટી.ડી.ઓ. કોઈ માહિતી નહી આપતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો. જ્યારે ભાજપના ત્રણ-ચાર નારાજ સદસ્યો સત્તા આગળ શાણપણ નકામુ તેવુ વિચારીને તાલુકામાં ચાલતા વિવાદનો તમાશો જોઈ રહ્યા છે. આમ તાલુકા પંચાયતમાં ટેન્ડરીંગથી થતા વિકાસકામોથી વિવાદ થશે તેવુ તાલુકા સદસ્યો માની રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts