Select Page

વિસનગર પાલિકામાં કોન્ટ્રાક્ટરોને ટકાવારીનો ત્રાસ વોટર વર્કસ કોન્ટ્રાક્ટરે મજુરો પાછા ખેંચી લેતા પાણીનો બગાડ

વિસનગર પાલિકામાં કોન્ટ્રાક્ટરોને ટકાવારીનો ત્રાસ વોટર વર્કસ કોન્ટ્રાક્ટરે મજુરો પાછા ખેંચી લેતા પાણીનો બગાડ

વિસનગર શહેરમાં અત્યારે કેટલાક વિસ્તારમાં પાણી લીકેજની સમસ્યા વકરી છે. વિજ કંપનીના અંડર ગ્રાઉન્ડ કેબલીંગથી પાણીની પાઈપો તુટી જતા પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે. પાલિકાનો કોન્ટ્રાક્ટર તાત્કાલીક રીપેરીંગ કેમ કરતો નથી તેની તપાસ કરતા ચોકાવનારી માહિતી મળી છે. પાલિકામાં ટકાવારીનો ત્રાસ વધતા વોટર વર્કસના કોન્ટ્રાક્ટરે મજુરો પાછા ખેચી લેતા પરિસ્થિતિ વણસી છે. અત્યારે એક ટાવર પાસે પાઈપલાઈન લીકેજથી સવાલા દરવાજા ચાર રસ્તા સુધી પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો છે.
વિસનગર પાલિકામાં લગભગ ચાર પાંચ વર્ષથી ધોરમનાથ કોન્ટ્રાક્ટર દ્વારા વોટર વર્કસનો સ્ટાફ પુરો પાડવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટર દ્વરા ૨૦ જેટલા ખોદકામ માટે મજુર તથા ચારથી પાંચ પ્લમ્બર પાલિકાને પુરા પાડવામાં આવતા હતા. દિવાળી બાદ અચાનક કોન્ટ્રાક્ટર તથા તેના મજુરો પાલિકામાંથી અદ્રશ્ય થઈ ગયા છે. શહેરમાં પાણી લીકેજ અને પુરતા પ્રમાણમાં પાણી મળતુ નહી હોવાની એક નહી પરંતુ અનેક ફરિયાદો છે. પરંતુ લીકેજ રીપેરીંગ માટે કે પાઈપલાઈનો સાફ કરવા માટે પાલિકામાં સ્ટાફજ નથી. ધોરમનાથ કોન્ટ્રાક્ટર ચાલુ ટેન્ડરમાં કામ છોડી જતો રહ્યો તેની પાછળ પાલિકામાં ટકાવારીનો ત્રાસ હોવાનુ જાણવા મળ્યુ છે. ચર્ચાતી માહિતી પ્રમાણે અત્યારે બીલ મંજુર કરવામાં ૮ થી ૧૦ ટકા આપવા પડે છે. એવામાં એકાઉન્ટ શાખામાં આવેલ એક ક્લાર્ક બીજી પાંચ થી સાત ટકા માગતા કોન્ટ્રાક્ટર અધવચ્ચે કામ મુકીને નાસી ગયો હોવાનુ જાણવા મળ્યુ છે. વિસનગર ભલે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ હોમટાઈનનુ શહેર હોય, પરંતુ તંત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર અટકતો નથી અને તેના કારણે શહેરની પ્રજા હેરાન થઈ રહી છે.
વિસનગરમાં વિજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલીંગનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વરા જોયા વગર કેબલીંગ કરતા પાલિકાની પાણીની લાઈનો લીકેજ થઈ રહી છે. ગત અઠવાડીયે મેઈન બજારમાં ગુલઝાર પાન હાઉસ આગળ અંડર ગ્રાઉન્ડ કેબલીંગથી પાણીની લાઈન તૂટતા પાણીનો પુષ્કળ બગાડ થયો હતો. વોટર વર્કસ ચેરમેન, કીરીટભાઈ પરમારની ત્વરીત કામગીરીથી રીપેરીંગ કરાયુ હતુ. ત્યારબાદ મેઈન બજારમાં એક ટાવર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલીંગથી પાલિકાની પાઈપલાઈન બે થી ત્રણ જગ્યાએ તુટી છે. જેના કારણે ગણપતિ મંદિર, ભેંસીયાપોળ, દરબાર રોડ કન્યાશાળા પાસે, ગંજી થી સવાલા દરવાજા ચાર રસ્તા સુધી વહેળો જતો હોય તેમ પાણીનો વ્યય થયો હતો. પાઈપલાઈનમાં એક લીકેજ રીપેરીંગ કરાયા બાદ બીજી જગ્યાએ પણ લીકેજ થવુ હોવાનુ જાણવા મળતા રીપેરીંગ માટે તજવીજ હાથ ધરાઈ છે. લાલ દરવાજા ગટીયાવાસના નાકે મેઈન લાઈનના વાલનની રીંગ નિકળી જતા પટણી દરવાજા સુધી પાણીનો વ્યય થયો હતો.
અત્યારે શહેરમાં અંડર ગ્રાઉન્ડ કેબલીંગનુ કામ ચાલુ છે ત્યારે આવી તો અનેક જગ્યાએ પાલિકાની પાણીની લાઈનો તુટશે અને પાણીનો વ્યય થશે. આવા સમયે વોટર વર્કસમા પુરતો સ્ટાફ હોવો ખુબજ જરૂરી છે. ત્યારે પાલિકામાં ટકાવારીના ત્રાસથી કોન્ટ્રાક્ટર ટેન્ડરની મુદતમાં કામ છોડીને જતો રહેતા પરિસ્થિતિ ખુબજ વણસી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts