વિસનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોરની કેન્દ્રીય નેતાગીરીને અપીલ ‘એક હે તો સેફ હે’નો એન.એ. મંજુરીમાં નિયમ બનાવો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બટેંગે તો કટેંગેના ચુંટણી પ્રચાર બાદ મહારાષ્ટ્રની ચુંટણીમાં વડાપ્રધાન મોદીએ એક હે તો સેફ હે નુ સુત્ર રમતુ મુક્યુ હતુ. આ સુત્ર પાછળ સમાજની એકતાનો હેતુ છે. ત્યારે વિસનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોરે કેન્દ્રીય નેતાગીરીને અપીલ કરી છેકે, સમાજમાં એકતા રાખવી હોય તો રહેણાંક સ્કીમોમાં પણ એન.એ. મંજુરી વખતે એક હે તો સેફ હે નો નિયમ બનાવો.
હિન્દુ સમાજને વિધાનસભાની ચુંટણીમાં એકતા રાખવા માટે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બટેંગે તો કટેંગેનુ સુત્ર આપ્યુ હતુ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં એક હે તો સેફ હે ના સુત્ર સાથે પ્રચાર કરતા અૂભતૂપર્વ સફળતા મળી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ વિવિધ કાર્યક્રમના ભાષણોમાં એક હે તો સેફ હે ના સુત્રનો ઉપયોગ કર્યો હતો. એક હે તો સેફ હે ના રાજકીય સુત્રમાં વિવિધ સમાજો અને જ્ઞાતિમાં વહેચાયેલા હિન્દુ સમાજને એકતા રાખવા માટેની ટકોર છે.
આ સુત્ર અંતર્ગત વિસનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ છેકે સામાજીક એકતાના આ સુત્રનો ફક્ત ચુંટણીઓ પુરતો નહી પરંતુ સરકારી વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ મંજુરીઓમાં પણ અમલ કરવો જોઈએ. વડાપ્રધાન દ્વારા એક હે તો સેફ હે ના ભાષણો કરવામાં આવે છે પણ તંત્ર દ્વારા તેનો કોઈ અમલ થતો નથી. શહેરોમાં રહેણાંક સ્કીમોમાં ઠાકોર, રબારી, રાવળ, દલિત સમાજના લોકોનુ બુકીંગ કરવામાં આવતુ નથી. આ સમાજમાં પણ સારા અધિકારીઓ, વેપારીઓ છે. જે ફ્લેટ કે ટેનામેન્ટનો ખર્ચ કરવા સક્ષમ છે. બુકીંગ કરવા જાય ત્યારે વ્યવસ્થિત વાતચીત કરવામાં આવે છે. પણ જેવી અટક જાણે છેકે ટોન બદલાઈ જાય છે અને બુકીંગ કરવામાં આવતુ નથી. આવી વર્ણપ્રથાના કારણે હિન્દુ સમાજમાં નિચલા વર્ગના લોકો સહન કરી રહ્યા છે. એક હે તો સેફ હે ના સુત્રને સાચા અર્થમાં અપનાવવુ હોય તો, રહેણાંક સ્કીમ માટેની જગ્યા એન.એ. કરતા કે બાંધકામ મંજુરી આપતી વખતે તમામ સમાજના લોકોનુ બુકીંગ કરવુ તેવી શર્ત મુકવી જોઈએ. બુકીંગ નહી કરનારની સ્કીમ અટકાવી એક્શન લેવી જોઈએ. એક હે તો સેફ હે ફક્ત ચુંટણી પુરતો મુદ્દો નહી બનાવી એન.એ. તથા બાંધકામ મંજુરીમાં પણ અમલ કરવા કેન્દ્રીય નેતાગીરીને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. એન.એ. અને બાંધકામ મંજુરીમાં આ નિયમ ન લાવી શકતા હોય તો ભાજપના નેતાઓએ એક હે તો સેફ હે ના સુત્રનો ઉપયોગ બંધ કરવો જોઈએ.