Select Page

વિસનગરમાં પાણી વગરની નેતાગીરીથી અઠવાડીયામાં ચાર દિવસ કાપ

વિસનગરમાં પાણી વગરની નેતાગીરીથી અઠવાડીયામાં ચાર દિવસ કાપ

વાલમ પ્લાન્ટથી મોટીદઉ અને મોટીદઉથી મોઢેરા વચ્ચે પાઈપ તુટી

  • ધરોઈ યોજનાની લાઈન ચાલુ રાખવાની મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાને પણ સિંચાઈના અધિકારીઓએ ગણકારી નહી

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સરકારના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. જ્યારે તેમને ચુંટીને જેમણે મોકલ્યા તે શહેરની જનતાની મુશ્કેલી પ્રત્યે ધ્યાન નહી આપતા નગરજનો પાણીની કટોકટીથી ત્રસ્ત છે. ગત અઠવાડીયામા ચાર દિવસ પાણી કાપથી શહેરમાં અભૂતપૂર્વ પાણીની તંગીથી હાહાકાર મચી ગયો હતો. મંત્રી ઋષિભાઈ પટેલની સૂચનાને સિંચાઈ વિભાગના અધિકારીઓ નહી ગણકારતા ધરોઈ યોજનાનો પણ હવે વિકલ્પ રહ્યો નથી. પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને વોટર વર્કસ ચેરમેન કીરીટભાઈ પરમારનુ અધિકારીઓ સાંભળતા નહી હોવાથી પાણી વગરની નેતાગીરીના કારણે શહેરીજનો પાણી વગર રહ્યા હતા. બીજો વિકલ્પ રાખવામાં નહી આવે તો વારંવાર ખોટવાતી નર્મદા જુથ યોજનાના કારણે ભવિષ્યમાં પાણીની મોટી મુશ્કેલી સર્જાય તેવી પુરેપુરી શક્યતા છે.
નર્મદા આધારીત વિસનગર જુથ યોજના શરૂ થયા બાદ લાઈટ કાપ, મેઈન્ટેનન્સ અને લાઈન લીકેજના કારણે અનેક વખત શહેર અને તાલુકાના માથે પાણી કાપ મુકાયો છે તેમ છતા બીજા વિકલ્પ માટે મંત્રી ઋષિભાઈ પટેલ વિચારતા નથી. ગત અઠવાડીયે તા.૧૫-૧૨ થી ૨૧-૧૨ વચ્ચે ચાર દિવસ પાણી કાપ રહેતા શહેરમાં ટેન્કર રાજ જોવા મળ્યુ. વાલમ પ્લાન્ટથી મોટીદઉ વચ્ચે પાઈપ લાઈન તૂટતા પાણીનો કાપ રાખવામાં આવ્યો હતો. જે રીપેરીંગ થઈ ગયા બાદ મોટીદઉમાં લાઈટ બંધ રહેતા બીજા દિવસે પણ વાલમ પ્લાન્ટમા પાણી પહોચ્યુ નહોતુ. વિજળી સપ્લાય ચાલુ થતા મંગળવારના દિવસે રાત્રે વાલમ પ્લાન્ટમાં પાણી પહોચતુ થયુ હતુ. એવામાં મોટીદઉથી મોઢેરા વચ્ચે કમાલપુર મોટપમા પાઈપલાઈન તૂટતા ફરી પાણી સપ્લાય બંધ થઈ ગયો હતો. કમાલપુરમાં લાઈન લીકેજ થવાથી ખેતરોમા પાણી ફરી વળતા ઉભા પાકને નુકશાન થતા ખેડૂતો રોષે ભરાયા હતા. જાણવા મળ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ રીપેરીંગ માટે સ્થળ ઉપર પહોચ્યા હતા. પરંતુ ખેડૂતોએ પ્રથમ વળતર આપો પછી રીપેરીંગ કરો તેવો રોષ વ્યક્ત કરી રીપેરીંગ નહી થવા દેતા અડધો દિવસ બગડ્યો હતો. આમ રવિવારથી શુક્રવાર સુધીમાં ચાર દિવસ પાણી કાપ રહેતા વિસનગરમાં પાણીની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હતી.
શહેરમાં પાણી નહી મળતા ભારે હોબાળો થતા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, વોટર વર્કસ ચેરમેન કીરીટભાઈ પરમાર તથા કેટલાક સભ્યોએ પાલિકામાં તાત્કાલીક મીટીંગ કરી પાણીની વ્યવસ્થા માટે ચર્ચા કરી હતી. પ્રમુખ, વોટર વર્કસ ચેરમેન, ચીફ ઓફીસર તથા પાલિકાની ટીમ સતત બે દિવસ પાઈપ જ્યા લીકેજ થઈ હતી તે કમાલપુર મોટપ દોડી ગયા હતા. પરંતુ પાલિકાના અધિકારી તથા પદાધિકારીઓ પાસે થતી રીપેરીંગ કામગીરી જોયા સીવાય શહેરમાં પાણી પહોચતો કરવાનો બીજો કોઈ વિકલ્પ નહોતો. પાલિકા તંત્રએ સિંચાઈ વિભાગના એક્ઝીક્યુટીવ એન્જિનિયરનો સંપર્ક કરીને ધરોઈની વડનગરથી આવતી લાઈનનો વાલ્વ ખોલવા રજુઆત કરી હતી. પરંતુ ચાર દિવસથી તરસે મરતા શહેર અને તાલુકાના લોકોનો વિચાર કરવાની જગ્યાએ એન્જિનિયરે એર વાલ્વ લીકેજ થતો હોવાનુ બહાનુ બતાવ્યુ હતુ. પાણી વગરના આ કટોકટીના દિવસોમાં શહેરીજનોને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની જરૂરીયાત હતી પરંતુ મંત્રીશ્રી સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. લોકો પાણી વગર મુશ્કેલીમાં હતા ત્યારે પાલિકાના જવાબદાર હોદ્દેદારોએ મંત્રીશ્રીનો સંપર્ક કર્યો કે નહી, પછી જાણ થયા છતા મંત્રીશ્રીએ પરવા કરી નહી તે પ્રશ્ન ઉભો થાય છે.
સોસાયટીઓમાં બંગલાઓમાં રહેતા અંડરગ્રાઉન્ડ સ્ટોરેજની વ્યવસ્થા ધરાવતા લોકોએ કરકસર કરીને કે ભાડે ટેન્કર મંગાવીને પાણીની જરૂરીયાત પુરી કરી હતી. પરંતુ મહોલ્લા અને શેરીઓમાં રહેતા તેમજ વસાહતોમાં રહેતા લોકો કે જેમની પાસે અંડર ગ્રાઉન્ડ ટાંકીની વ્યવસ્થા નથી તેમને ચાર દિવસ પાણી માટે રજળપાટ કરવી પડી હતી. પાણી વગર ટળવળતા લોકોએ ભાજપ શાસીત પાલિકા અને મંત્રી ઋષિભાઈ પટેલની સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
નર્મદા યોજના સીવાય વિસનગરમાં પાણી પુરવઠાનો બીજો વિકલ્પ વિચારવોજ પડશે. એક વર્ષ પહેલા દેણપ ત્રણ રસ્તા નર્મદાની મેઈન લાઈન સર્વે નં.૩૦૫ માં જોઈન્ટ કરી તે વખતે આઠ દિવસ પાણી બંધ રહેતા શહેરમાં ધરોઈ યોજનાનો પાણી પુરવઠો પુરો પડાયો હતો. ધરોઈ જુથ યોજનાની લાઈન ચાલુ રાખવા મંત્રી ઋષિભાઈ પટેલે અગાઉ સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ મંત્રીશ્રીની સૂચનાને પણ નહી ગણકારતા ધરોઈનુ પાણી મળી શક્યુ નહોતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts