ભાજપ શાસિત પાલિકાનો ફક્ત મત લક્ષી વિકાસ
એમ.એન.કોલેજના વિદ્યાર્થીઓના હિતની કોઈને દરકાર નહી
વિસનગરની એમ.એન.કોલેજમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજનો મુખ્ય પ્રવેશદ્વાર ટ્રાફીકથી વ્યસ્ત રોડ ઉપર હોવાથી કોલેજ આગળ બંપ બનાવવાની ઘણા સમયથી માગણી છે. પરંતુ વિસનગર પાલિકાને વિદ્યાર્થીઓના હિતની કોઈ દરકાર નથી. ધરોઈ કોલોની રોડ ઉપર ટ્રાફીક વધતા પાલિકા દ્વારા તાત્કાલીક ત્રણ થી ચાર બંપ બનાવ્યા. ત્યારે શિક્ષણ પ્રેમીઓમાં ભાજપ શાસીત વિસનગર પાલિકાની ફક્ત મત લક્ષીજ વિકાસ થતો હોવાની નારાજગી જોવા મળી રહી છે. કોલેજના વિકાસમાં દેખરેખ રાખતુ વિદ્યાર્થી મંડળ કોલેજ આગળ બંપ બનાવવા કેમ રજુઆત કરતુ નથી તે પણ પ્રશ્ન થઈ રહ્યા છે.
વિસનગરની ઐતિહાસિક એમ.એન.કોલેજમાં લગભગ ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ટ્રાફીકની વ્યસ્તતા ધરાવતા જાહેર રોડ ઉપર કોલેજનો મુખ્ય પ્રવેશદ્વાર છે. વિદ્યાર્થી ગેટથી દશ ફૂટ બહાર ન આવે ત્યા સુધી બન્ને બાજુથી આવતા વાહનો જોઈ શકાતા નથી. મુખ્ય રોડ ઉપર પુર ઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે કોલેજના ગેટ આગળ અકસ્માતનો ભય રહેલો છે. હમણા ગત સપ્તાહમાંજ કોલેજમાંથી બહાર નિકળતા એક વિદ્યાર્થીને વાહન ચાલકે અડફેટે લીધો હતો. આ પરિસ્થિતિ અત્યારની નહી પરંતુ વર્ષોની છે. બ્રીજ બનતો હોવાના કારણે આઈ.ટી.આઈ. ફાટક બંધ હોવાથી કોલેજના ગેટ આગળ ટ્રાફીક વધ્યો છે. કોલેજના ગેટ આગળ બંપ બનાવવા માટે કોલેજ દ્વારા પાલિકામાં અનેક વખત લેખીત તથા મૌખીક રજુઆત કરવામાં આવી છે. આ સીવાય સામાજીક કાર્યકર જીવણભાઈ દેસાઈ પણ બંપ બનાવવા માટે પાલિકા પ્રમુખો અને સભ્યોને રજુઆત કરી ચુક્યા છે. શૈક્ષણિક સંસ્થાના મુખ્ય ગેટ આગળથી જાહેર રસ્તો પસાર થતો હોય તો વિદ્યાર્થીઓના હિતમાં બંપ બનાવવા માટે સરકાર દ્વારા પણ પરિપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ નવાઈની બાબત તો એ છેકે અનેક રજુઆતો છતા પાલિકા દ્વારા કોલેજ ગેટ આગળ બંપ બનાવવામાં આવતો નથી.
આઈ.ટી.આઈ. ફાટક બંધ હોવાથી દિવાળી પછી ધરોઈ કોલોની રોડ ઉપર નાના મોટા વાહનોનો ટ્રાફીક ખુબજ વધ્યો છે. આ રોડ ઉપર ઘણી સોસાયટીઓના રસ્તા નિકળતા હોવાથી ભારે ટ્રાફીકના કારણે અકસ્માત ન થાય તે માટે બંપ બનાવવાની સોસાયટીઓના રહીસોની રજુઆતથી પાલિકા દ્વારા તાત્કાલીક ત્રણ થી ચાર બંપ બનાવવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણપ્રેમીઓની રોષ સાથે નારાજગી છેકે જ્યા ભાજપને મત લેવાતા હોય ત્યાજ સુવિધા અને વિકાસની ચિંતા છે. એમ.એન. કોલેજના વિદ્યાર્થીઓ ગામડામાંથી આવતા હોવાથી વિસનગર પાલિકાની ચુંટણીમાં તેમના મતની કોઈ કિંમત નહી હોવાથી બંપ માટે વિચાર કરવામાં આવતો નથી. ભાજપ શાસીત પાલિકા જ્યા મત લેવાતા હોય કે મતનો સ્વાર્થ હોય ત્યાજ સુવિધા માટે વિચાર કરે છે અને ખર્ચ કરે છે. જેમના મત મળવાના નથી તેવા એન.એન.કોલેજના વિદ્યાર્થીઓના હિતની કોઈને દરકાર નથી.