એન.એમ.કોલેજના સાંકડા રોડ ઉપર પણ રેલીંગનો પ્રયોગ
સવાલા દરવાજા બસ સ્ટેન્ડ વિસ્તારની જેમ
ઓવર બ્રીજના કારણે આઈ.ટી.આઈ. ફાટક બંધ કરવાથી વિસનગરમાં વધેલી ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા સાંકડા રોડ ઉપર રેલીંગનો પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં સવાલા દરવાજા વિસ્તારમાં રેલીંગની સફળતા બાદ હવે એમ.એન.કોલેજ રોડ ઉપર પણ લોખંડની રેલીંગ લગાવવામાં આવી છે. રોડ સાંકડા છે અને રેલીંગ લગાવી છે ત્યારે આસપાસ વાહનોનુ પાર્કિંગ ન થાય તે જોવાની પણ પોલીસ જવાબદારી વધી છે. રેલીંગ આસપાસ વાહનોના પાર્કિંગથી કેટલીક વખત ટ્રાફીક સમસ્યા ઉભી થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
આઈ.ટી.આઈ. ઓવરબ્રીજનુ બે થી અઢી વર્ષ સુધી કામ ચાલવાનુ હોઈ જાહેરનામાના કારણે વિસનગરમાં ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે માટે મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સૌપ્રથમ ટ્રાફીકથી સતત વ્યસ્ત એવા સવાલા દરવાજા કાળકા માતાના મંદિરથી બસ સ્ટેન્ડ સુધી લોખંડની રેલીંગ લગાવવામાં આવી હતી. લોખંડની રેલીંગના કારણે રોડની સાઈડમાં હવે વાહનો પાર્ક નહી થતા તેમજ નડતરરૂપ દુકાનોના શેડ દુર કરવામાં આવતા વાહનોની અવર જવર સરળ બની ગઈ છે. તેમ છતા ક્યાંક રીક્ષા કે ટુ વ્હીલર પાર્ક કર્યુ હોવાના કારણે ક્યારેક ટ્રાફીકમાં અડચણ ઉભી થાય છે. રેલીંગની આજુબાજુ વાહન પાર્ક ન થાય તેની સતત દેખરેખ રાખવા માટે જેમ હરિહર સેવા મંડળ આગળ જી.આર.ડી. જવાન ઉભા રહે છે તેમ પંચાલ માર્કેટ આગળ વળાંકમાં તથા બસ સ્ટેન્ડ પાસે પણ જી.આર.ડી.ની સતત હાજરીની જરૂર છે. જોકે સવાલા દરવાજાનો રસ્તો પહોળો હોવાથી આ વિસ્તારમાં રેલીંગનો પ્રયોગ સફળ રહ્યો છે.
સવાલા દરવાજા બસ સ્ટેન્ડ વિસ્તારની જેમ એમ.એન.કોલેજ રોડ ઉપર આકાશ આંખની હોસ્પિટલથી ચંદન પાર્ક સુધી પણ રોડ વચ્ચે લોખંડની રેલીંગ લગાવવામાં આવી છે. આ રસ્તો સવાલા દરવાજા બસ સ્ટેન્ડ વિસ્તાર જેટલો પહોળો નથી. છતા રેલીંગનો પ્રયોગ કેટલો સફળ રહેશે તે સમય બતાવશે. અગાઉ રોડ ઉપર વાહનો પાર્ક થતા હતા તે રેલીંગના કારણે બંધ થઈ ગયા છે. પરંતુ કોઈ બસ જેવુ મોટુ વાહન પસાર થાય ત્યારે સાઈડમાં એક ટુ વ્હીલર પસાર થાય તેટલી પણ જગ્યા રહેતી નથી. કોલેજ રોડ ઉપર જ્યા રેલીંગ લગાવી છે તે રોડ ખુબજ સાંકડો છે, ત્યારે રોડની બન્ને બાજુ આવેલ માર્કેટમાં હજુ પણ ફોર વ્હીલ વાહનો પાર્ક કરેલા જોવા મળે છે. જેના કારણે ટ્રાફીકમાં મુશ્કેલી ઉભી થાય છે. રેલીંગ લગાવવાની સાથેજ લોકો ટેવાય નહી ત્યા સુધી પોલીસનુ સતત પેટ્રોલીંગ રહે તેમજ રેલીંગની બન્ને બાજુ જી.આર.ડી. જવાનને ટ્રાફીક વ્યવસ્થાપન માટે મુકવામાં આવે તેવી વાહન ચાલકોની માગણી છે. પોલીસ તંત્ર જો ધ્યાન નહી રાખે તો રેલીંગ ટ્રાફીકમાં નડતરરૂપ બનશે તેવી પુરેપુરી શક્યતા છે.