આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે સિવિક સેન્ટરનુ લોકાર્પણ
વિસનગરના લોકોને નજીકના વિસ્તારમાં પાલિકાને લગતી સેવાઓ મળી રહે તેવા આશયથી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીના પ્રયત્નોથી ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હૉલમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સિવિક સેન્ટરનુ ઉદ્ઘાટન થયુ. આરોગ્ય મંત્રીએ રીબીન કાપી સેન્ટરનો શુભારંભ કર્યા બાદ સ્થાપિત સવલતો અને સેવાઓની જાણકારી મેળવી હતી.
સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસનગર ખાતે નવનિર્મિત સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ સ્થાનિક કર્મયોગીઓને સિવિક સેન્ટરમાં અપાતી સેવાઓ જેમ કે મિલકત વેરો, વ્યવસાયિક વેરો, જન્મ મૃત્યુનું પ્રમાણપત્ર ,વિવિધ વિભાગની અરજી સ્વીકૃતિ, આધાર કાર્ડ તેમજ નાગરિકો માટે વન સ્ટોપ તરીકે કામ સુનિશ્ચિત કરવાનું રહેશે તેમજ નાગરિકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ઓછામાં ઓછા સમયગાળામાં થાય એમ જણાવ્યું હતું.
ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા ફર્નિચર, ઇલેક્ટ્રિકલ કામ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મેન પાવર વગેરે સુવિધા પુરી પાડવામં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાસન દિવસ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી દ્વારા ૩૪ નગરપાલિકાના રૂા.૪૮.૩૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ. જેમાં વિસનગર ખાતે સિવિક સેન્ટરનું પણ લોકાર્પણ હતુ. આ પ્રસંગે મંત્રી શ્રી સાથે નગરપાલિકા પ્રમુખશ્રી ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, કારોબારી ચેરમેન પીનાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, મનીષભાઈ ગળીયા, આર.ડી.દેસાઈ, સ્વચ્છતા સમિતિ ચેરમેન જગદીશભાઈ પટેલ, પાણી સમિતિ ચેરમેન કિરીટભાઈ પરમાર, ટી.પી.ચેરમેન મેહુલભાઈ પટેલ, ઋતુલભાઈ પટેલ, ભાવેશભાઈ મોદી, પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રતિનિધિ ધવલભાઇ ચૌહાણ, સખી મંડળની બહેનો, નગરપાલિકાનો સ્ટાફ તથા આસપાસના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
નોધપાત્ર બાબત તો એ છેકે, પાલિકા કાર્યાલય તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં બનતા નવા ભવનમાં ખસેડવામાં આવશે ત્યારે ફતેહ દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલ આ સિવિક સેન્ટરની સેવાઓ નજીકમાં રહેતા લોકો માટે ખુબજ ઉપયોગી બનશે. પાલિકાને લગતી મોટાભાગની સેવાઓ આ સિવિક સેન્ટરમાંથી મળી રહેશે.