વિસનગરમાંથી રૂા.૨.૬૮ લાખનો રેશનીંગનો જથ્થો ઝડપાયો
વિસનગર પુરવઠા વિભાગે બાતમી આધારે શહેરના મહેસાણા રોડ ઉપર રાજેન્દ્ર કોલોની પાસે આવેલ ફુલેશ્વરી કિરાણા સ્ટોર્સ અને જય જલારામ ફ્લોર ફેક્ટરીમાં ઓચિંતી રેડ કરી સ્થળ ઉપરથી રેશનીંગના ઘઉ, ચોખાનો રૂા.૨.૬૮ લાખનો જથ્થો ઝડપ્યો હતો. આ અંગે પુરવઠા નાયબ મામલતદારે સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતા રેશનીંગના અનાજનું બારોબારીયુ કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ NSFAની યાદીમાં સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ રૂા.૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા મળી કુલ ૫ કિલો અનાજ મફત વિતરણ કરવામાં આવે છે. જેમાં કેટલાક રેશનકાર્ડ ધારકો મફતમાં કે રાહતદરે મળેલો અનાજનો જથ્થો બારોબાર અનાજના વેપારીઓને વેચી મારતા હોય છે. વિસનગર પુરવઠા શાખાના નાયબ મામલતદાર યોગેશભાઈ શર્માને રવિવારના રોજ સાંજે બાતમી મળી હતી કે, શહેરના મહેસાણા રોડ ઉપર રાજેન્દ્ર કોલોની પાસે આવેલ ફુલેશ્વરી કિરાણા સ્ટોર્સ અને જય જલારામ ફ્લોર ફેક્ટરી (અનાજ દળવાની ઘંટી)ના વેપારી પટેલ બિપીનભાઈ ફુલચંદદાસ રેશનકાર્ડ ધારકો પાસેથી રેશનીંગના ઘઉ, ચોખાનો જથ્થો રૂા.૩૦માં લઈ માર્કેટયાર્ડમાં રૂા.૩૨ના ભાવે વેચે છે. બાતમી આધારે પુરવઠા નાયબ મામલતદારે ટીમ સાથે તાત્કાલિક રેડ કરી બંન્ને દુકાનમાં મોડીરાત સુધી તપાસ કરતા ફુલેશ્વરી કિરાણા સ્ટોર્સ અને જય જલારામ અનાજ દળવાની ઘંટીમાંથી રેશનીંગના ઘઉં ૭૩૨૯ કિલો (૧૫૪ કટ્ટા) કિં રૂા.૧,૯૭,૮૮૩ તેમજ ચોખા ૧૮૧૧ કિલો (૩૫ કટ્ટા) કિં.રૂા.૭૦,૬૨૯ મળી કુલ રૂા.૨,૬૮,૫૫૨નો જથ્થો સીઝ કરીને સરકારી અન્ન પુરવઠા ગોડાઉનમાં મોકલ્યો હતો. ત્યારબાદ પુરવઠા નાયબ મામલતદાર યોગેશભાઈ શર્માએ વેપારીનું નિવેદનો લઈ તેનો રિપોર્ટ મહેસાણા જીલ્લા પુરવઠા અધિકારીને મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંન્ને દુકાનમાથી રેશનીંગના ઘઉં, ચોખાનો મોટો જથ્થો પકડાતા સરકારી અનાજનું બારોબારીયું કરતા રેશનીંગના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.