Select Page

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ચાર માર્ગીય હાઈવેની સુવિધા મળશે વિજાપુર ફોરલેન-રૂપેણ પુલની રૂા.૧૫૭ કરોડના એસ્ટીમેટ મંજુરીની દરખાસ્ત

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ચાર માર્ગીય હાઈવેની સુવિધા મળશે વિજાપુર ફોરલેન-રૂપેણ પુલની રૂા.૧૫૭ કરોડના એસ્ટીમેટ મંજુરીની દરખાસ્ત

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રયત્નોથી વિસનગરના લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો લાભ મળી રહ્યો છે. વિસનગર વિજાપુર રોડ ઉપરના ટ્રાફીકના કારણે વારંવાર અકસ્માત થતા હોવાથી આ સ્ટેટ હાઈવે ચાર માર્ગીય કરવા તેમજ ઉંઝા રોડ ઉપર રૂપેણ નદીનો પુલ પહોળો કરી નવીન બનાવવા માટે રૂા.૧૫૭ કરોડનો એસ્ટીમેટ તૈયાર કરી મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેની ટુંક સમયમાં વહિવટી મંજુરી મળશે અને શહેર તેમજ તાલુકાના લોકોને વાહન વ્યવહારમા વધુ સુવિધા ઉપલબ્ધ થશે.
સરકારમા બીજા નંબરનુ સ્થાન ધરાવતા વિસનગરના ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના હોદ્દાનો શહેર અને તાલુકાના લોકોને ભરપુર લાભ મળી રહ્યો છે. અગાઉ કરોડ બે કરોડ રૂપિયાના કામની મંજુરી માટે મહેનત કરવી પડતી હતી. અત્યારે માગ્યા વગર સુવિધાઓની જરૂરીયાત પ્રમાણે કરોડો ફળવાઈ રહ્યા છે. વિસનગરથી વડનગર નેશનલ હાઈવે બનશે ત્યારે ચાર માર્ગીય બનશે. વિસનગરથી ગોઝારીયા, વિસનગરથી મહેસાણા તથા વિસનગરથી ઉંઝા રોડ ચાર માર્ગીય છે. જ્યારે વિસનગરથી વિજાપુરનો રસ્તો ૭ મીટરનો છે. ઉંઝાથી હિંમતનગર તરફના મોટા વાહનોની વિસનગર વિજાપુર રોડ ઉપર ભારે અવર જવર વધી છે. આ રોડ ઉપર નાના મોટા વાહનોનો પુષ્કળ પ્રમાણમાં ટ્રાફીક રહે છે. વિજાપુર તરફના તાલુકાના ગામડાના લોકોને વિસનગર શહેરમાં આવવા જવા માટે આ એકજ રસ્તો હોવાથી ભારે ટ્રાફીકના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. વાહનોની ટક્કરના કારણે જીવ પણ ગુમાવ્યા છે. વિસનગર વિજાપુર રોડ ઉપર ટ્રાફીકનું ભારણ વધતા અકસ્માતના બનાવો ઘટે તેમજ તાલુકાના ગ્રામજનોને મોટા રોડની સુવિધા મળે તેવા હેતુથી મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગરથી વિજાપુર સુધીના ૨૪.૫૦ કિ.મી.રોડની ૭ મીટરની પહોળાઈથી ફોર લેન બનાવવા રૂા.૧૩૬૧૬ લાખ (૧૩૬.૧૬ કરોડ)ના એસ્ટીમેટની વહિવટી મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેની મંજુરી પણ ટુંક સમયમાંજ મળી જશે.
વિસનગરથી ઉંઝા સુધીનો સ્ટેટ હાઈવે ચાર માર્ગીય છે. પરંતુ તિરૂપતી નેચરલ પાર્કની પાસે આવેલો રૂપેણ નદી ઉપરનો પુલ ૭ મીટર પહોળાઈનો હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે. આ રોડ ઉપર વિસનગરથી ઉંઝા, પાટણ, શિહોરી, પાલનપુરનો ખુબજ ટ્રાફીક રહે છે. મોટી ટ્રકોની પણ અવર જવર વધુ હોવાથી ચાર માર્ગના હાઈવેમાં વચ્ચે આવતા ૭ મીટરની પહોળાઈના પુલના કારણે ટ્રાફીકમા ભારે મુશ્કેલી રહેતી હોવાથી નવીન પુલ બનાવવાનું ખુબજ જરૂરી હતુ. રૂપેણ નદી ઉપરનો પુલ ૧૯૭૯માં બન્યો હોવાથી જર્જરીત હાલતમાં હોવાના કારણે પણ નવો પુલ બનાવવા માટેની માગણી હતી. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ૧૧.૫૦ મીટરની પહોળાઈનો નવીન બ્રીજ બનાવવા માટે રૂા.૨૧૩૦ લાખ (૨૧.૩૦ કરોડ)નો એસ્ટીમેટ બનાવી વહિવટી મંજુરી માટેની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં પુલની કામગીરીની સૈધ્ધાંતિક મંજુરી પણ મળી ગઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us