
આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારની સિવિલમાં તબીબોના અભાવે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબુર

વિસનગર સિવિલ હોસ્પિટલમાં ફીજીશીયન, ઓર્થોપેડીક અને સર્જન ડાક્ટરોના અભાવે અત્યારે સારવાર માટે આવતા દર્દીઓને ન છુટકે પૈસા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં જવા મજબુર થવુ પડે છે. ત્યારે વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ ગરીબ દર્દીઓના હિતમાં ત્રણેય વિભાગના ડાક્ટરોની તાત્કાલિક નિમણુક કરે તેવી લોકમાગણી છે.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બનતા શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને સુવિધાઓમાં વધારો થયો હતો. મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી આ સિવિલ હોસ્પિટલની બાજુમાં રૂા.૨૫ થી ૩૦ કરોડની ખર્ચે અદ્યતન નવુ બિલ્ડીંગ બની રહ્યુ છે. જે હવે પુર્ણતાના આરે છે. વધુમાં આ સિવિલ હોસ્પિટલને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ હોસ્પિટલમાં ઓર્થોપેડીક, ફીઝીશીયન તથા સર્જન ડાક્ટરો નથી. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને ન છુટકે રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં જવા મજબુર થવુ પડે છે. જે આરોગ્યમંત્રીના શહેરમાં શરમજનક બાબત કહેવાય. અત્યારે સિવિલ હોસ્પિટલમાં દર મહિને ઓ.પી.ડી.ના મોટા આંકડા દેખાય છે. પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ જ છે. અહીં મોટા ભાગના દર્દીઓ તાવ, શરદી, ઉધરસ તેમજ ઈમરજન્સી સારવાર માટે આવેલા હોય છે. જેમાં ઈમરજન્સી સારવાર માટે આવેલા દર્દીઓને બીજી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં ઘણા સમયથી કોઈ દર્દીનું જોખમી ઓપરેશન કરી તેને મોતના મુખમાંથી બચાવ્યો હોય તેવું જાણવા મળ્યુ નથી. પણ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ આ હોસ્પિટલની મુલાકાત લેવા જાય ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડા.પારૂલબેન પટેલ સિવિલમાં દર્દીઓને અપાતી સારવાર અને સુવિધાની મોટી વાતો કરે છે. સિવિલમાં દરેક રોગોના નિષ્ણાંત તબીબોની પાર્ટ ટાઈમ કે ફુલ ટાઈમ માટે નિમણુક કરી દર્દીઓને સારી સારવાર આપવાની વાતો કરે છે. પરંતુ ગમે તે કારણે તેઓ બહારથી તબીબોને લાવી શક્તા નથી. અત્યારે સિવિલ હોસ્પિટલમાં એવી પરિસ્થિતિ છે કે, બી.પી., ડાયાબિટીસ, પેટનો દુઃખાવો જેવી અન્ય બિમારીના દર્દીઓ રાત્રીના સમયે ઈમરજન્સી સારવાર લેવા જાય ત્યારે હાજર સ્ટાફ નર્સ કોઈ ડાક્ટરને ફોન કરી દર્દીની બિમારીના લક્ષણો જણાવી પ્રાથમિક સારવાર આપે છે. ત્યારે દર્દીને ટેલીફોનિક સારવાર ઉપર સંતોષ નહી થતા છેવટે સારવાર માટે બીજી હોસ્પિટલમાં જાય છે. જો આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ આ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દરેક વિભાગમાં દર્દીઓને આપવામાં આવતી સારવારની તપાસ કરે તો સાચી હકીકત જાણવા મળશે. કદાચ માથું ખંજવાળતા પણ થઈ જશે.