
પૂર્ણ અંધ હોય તેમને ટાર્ગેટ કરીને લુંટવામા આવી રહ્યા છે વિસનગર દિવ્યાંગ અંધજન સાથે છેતરપીંડી કરતી રીક્ષા ચાલક ઠગ ટોળકી

વિસનગરમાં કડા રોડ ઉપર આવેલ અંધજન શાળામાં દ્રષ્ટિહીન લોકોની ખૂબજ અવર જવર રહે છે ત્યારે એક રીક્ષા ચાલક તથા તેનો સાથીદાર પૂર્ણ અંધ હોય તેવા અંધજનોને અંધશાળા સુધી બેસાડવાની લાલચ આપી સુમસાન રોડ ઉપર લઈ જઈ ધમકીઓ આપી મોબાઈલ તથા રોકડ રકમ લુંટતા હોવાના બનાવો બનતા વિસનગરના રીક્ષા ચાલકો બદનામ થઈ રહ્યા છે. આવા ત્રણ બનાવ બનતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ માટે અરજી આપવામા આવી છે. પણ ગુનો નોંધાયો નથી તે શરમની બાબત છે. વિસનગરમાં રીક્ષાચાલકો અંધજનોને લુંટતા રીક્ષા ચાલકની શોધખોળ કરી પોલીસને જાણ કરે અને અંધજનો પણ પરિચિત રીક્ષામા જ બેસે તે જરૂરી છે.
વિસનગર એક વિકસિત શહેર અને તાલુકાનુ મુખ્ય મથક હોઈ સામાન્ય વ્યક્તિઓની જેમ જ દિવ્યાંગ અંધજનો કામ અર્થે આવન જાવન કરે છે. તેમાંય જે અંધજનો સંપૂર્ણ અંધ છે, તેવા અંધજનોને વિસનગરના કેટલાક રીક્ષા ચાલકો છેતરીને પોતાની રીક્ષામા બેસાડી છેતરપીંડી કરી રહ્યાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં તા.ર૦-૧૦-ર૦ર૪ ના રોજ સાંજના ૪-૦૦ કલાકે ઠાકોર હાર્દિકજી અને કોળી બળદેવજી બંને અંધ ભાઈઓ બસસ્ટેશન ખાતે કડા રોડ અંધશાળા ખાતે જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા. તેવામા અજાણ્યા રીક્ષાચાલકે આવી તેઓને અંધશાળામાં મુકી જવા જણાવતા બંને અંધ ભાઈઓ કહેવામા આવી રીક્ષામા બેસી ગયા. રીક્ષાચાલક અને તેનો સાથીદાર રીક્ષા સદુથલા રોડ પર સુમસાન જગ્યાએ લઈ ગયો. જ્યાં મારી નાખવાની ધમકી આપી રૂા. ૮હજારની કિંમતનો મોબાઈલ અને રૂા.૪પ૦૦/- રોકડ પડાવીને ગઠીયાઓ નાસી છુટ્યા હતા. બંને અંધ ભાઈઓ પૂર્ણ અંધ હોવાથી પોતે કયાં છે. તેની ખબર પણ નહોતી. જે બાબતની ફરીયાદ પોલીસ સ્ટેશને કરવામા આવી છે. તેજ રીતે બીજો બનાવ તા.૬-૧-ર૦રપને સોમવારના રોજ બનવા પામેલ છે. સવારે ૧૦ કલાકે ત્રણ સંપૂર્ણ અંધ ભાઈઓ અંધશાળા કડા રોડ પર ફોર્મ ભરવા જવા બસ સ્ટેશનમા બસની રાહ જોતા ઉભા હતા. તેવામા અજાણ્યો રીક્ષાચાલક તેના સાથીદાર સાથે આવી ત્રણે અંધજનોને મુકી જવા માટે આગ્રહ કરતા ત્રણે અંધજનો રીક્ષામાં બેઠા. રીક્ષાવાળાએ તેમના અંધત્વનો લાભ લઈ આમ તેમ ફેરવી વિસનગર- કડા વચ્ચે સુમસાન જગ્યાએ લઈ જઈ લુંટનો પ્રયાસ કરતા ત્રણે અંધ ભાઈઓએ બુમાબમ કરતા રીક્ષાવાળો અને તેનો સાથીદાર રીક્ષા લઈને ભાગી ગયા હતા. અને તેજ દિવસે સાંજે ૪-૦૦ કલાકે અમદાવાદથી આકાશ હોસ્પિટલમા પોતાની આંખની તપાસ કરાવી બહાર આવેલ બે અંધભાઈઓને બસ સ્ટેન્ડ ખાતે મુકી જવાનુ પ્રલોભન આપી રીક્ષાચાલક અને તેના સાથીદારે બંને અંધજનોને રીક્ષામાં બેસાડ્યા. બંને અંધ ભાઈઓ પાસે રહેલી બેગો રીક્ષામા અલગ મુકાવી. આમ તેમ ફેરવી અંધત્વનો લાભ લઈ બેગમાંથી સ્માર્ટ ફોન અને રૂા.પ૦૦/- કાઢી લઈ બસ સ્ટેશનમા ઉતારી નાસી ગયા હતા. દિવ્યાંગજનો તેમાંય ખાસ કરીને જે સંપૂર્ણ અંધ છે તેવા ભાઈ બહેનોએ પરિચિત હોય તેની રીક્ષામાં જ બેસવાનો આગ્રહ રાખે અને સતર્ક રહે તે જરૂરી છે.