
હિન્દુ તહેવારોમાં મકરસક્રાંતિ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉત્તરાયણ ફક્ત પતંગ ચગાવવાનુ નહી પરંતુ દાન-ધર્મ-જીવદયા-ઉપાસનાનુ પર્વ

તંત્રી સ્થાનેથી…
સમગ્ર વિશ્વમાં ભારતને ધાર્મિક અને ઉત્સવપ્રિય દેશ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક તહેવારો અને ઉત્સવો દ્વારા પ્રત્યેક વ્યક્તિમાં નવી પ્રેરણાનો સંચય થાય છે. તે માટે દરેક તહેવારોનુ આયોજન હિન્દુ કેલેન્ડર મુજબ થયુ છે અને તેની ઉજવણી પણ આદી અનાદી કાળથી થતી આવી છે. જ્યારે એકમાત્ર તહેવાર ઉત્તરાયણ અંગ્રેજી કેલેન્ડર અને તારીખ મુજબ આવતો હોય છે. તારીખ મુજબ નક્ષત્ર અને રાશિઓનો સંયોગ થવાના કારણે દર વર્ષે ૧૪ મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ આવે છે. ૧૪ મી જાન્યુઆરીના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેથી તેને સંક્રાંત તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશામાં ગતિ કરતો જોવા મળે છે. ઉત્તરાયણમાં પતંગોત્સવ પાછળ આરોગ્યપ્રદ તથ્યને પણ જોડવામાં આવ્યુ છે. ધર્માચાર્ય, આયુર્વેદાચાર્ય, સમાજવિજ્ઞાની સહિતની અનેકવિધ ભૂમિકા એક સાથે ભજવનારા આપણા ઋષિ મુનિઓએ માનવીના તન-મનનુ આરોગ્ય કુદરતી ક્રમે જળવાય અને સમાજ વ્યવસ્થા સુચારૂ બને તે માટે કેટલીક ઘટનાઓને ઉત્સવોમાં ફેરવી તેમજ કેટલાક ઉત્સવોને ધર્મની પરંપરા સાથે જોડી દીધા છે. જે પ્રમાણે ઋષિ મુનિઓએ ઉત્તરાયણના દિવસે આયુર્વેદની દ્રષ્ટિએ આરોગ્યપ્રદ રહેલા સુર્યસ્નાન માટે લોકોને પતંગ ચગાવતા કર્યા છે. મકરસંક્રાંતિના દિવસે લોકો આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવી આખો દિવસ ધાબામા, અગાસીમા કે મેદાનમાં રહીને સુર્યસ્નાનનો લ્હાવો લે છે. શિયાળાની ઋતુમા શરીરમાં શરદી અને કફનો પ્રકોપ વધતો હોય છે. આ માટે જેમ ઉર્જા પ્રદાન કરતા વસાણા શિયાળામાં ખાવાનુ મહત્વ છે તેજ રીતે કુદરતી દ્રષ્ટિએ શરીરમાંથી કફદોશ નાશ પામે તે પણ જરૂરી છે. ઉત્તરાયણ સમયે સુર્યના કિરણો જે રીતે પૃથ્વી પર પડે છે તે માનવ જીવનના આરોગ્ય માટે સૌથી લાભપ્રદ હોવાનુ ઋષિમુનિઓનુ માનવુ છે. એટલેજ મકરસંક્રાંતિ સુર્યઉપાસનાનુ પણ પર્વ કહેવાય છે. મકરસંક્રાંતિ સૂર્ય ભગવાનનુ પ્રિય મહાપર્વ છે. મકરસંક્રાંતિમાં સુર્યદેવની આરાધનાનુ વિશેષ મહત્વ ધરાવે છે. સુર્યસાધનાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સાધના કરવાનુ ફળ મળે છે. સુર્ય નારાયણને સંક્રાંતિ સમયના દેવતા તથા સંસારનો આત્મા કહેવાય છે. સૂર્યપ્રકાશ વગર જીવન અશક્ય છે. જ્ઞાન, વિવેક, વિધ્વતા, યશ, સન્માન અને આર્થિક સમૃદ્ધિનુ ફળ પ્રદાન કરનારા ભગવાન સુર્યજ છે. સુર્યદેવતા સમગ્ર ગ્રહોના રાજા છે. જેથી તેમની ઉપાસના કરવાથી તમામ ગ્રહોનો કુપ્રભાવ ઓછો થાય છે. તેમની ઉપાસનાથી માનવીને તેજ, બળ, આયુષ્ય તથા તંત્રજ્યોતિમાં વૃધ્ધી થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યુ છેકે સુર્ય સમસ્ત રોગોમાંથી મુક્તિ અપાવે છે. મકરસંક્રાંતિ એવો સમય છે, જે દિવસે ભગવાન સુર્ય પૃથ્વીની એકદમ નજીક આવીને પોતાના કિરણોના માધ્યમથી સંપુર્ણ રશ્મિઓનો સંપુર્ણ પ્રભાવ પૃથ્વી પરના સઘળા જીવો પર પાડે છે. તેથીજ મનુષ્યો સુર્યદેવતાની કૃપા પોતાની ઉપર વરસે તે માટે તેમની ઉપાસના કરે છે. આ સીવાય મકરસંક્રાંતિના પાવનકારી દિને દાન, પુણ્ય, સત્કર્મ કરવાનો પણ મહિમા છે. આ વિષે એક શ્લોકમાં જણાવવામાં આવ્યુ છેકે, યજ્ઞમાં વિવાહ સંક્રાંતિ, ગ્રહણ કે પુત્ર જન્મ પહેલા વ્યતિપાતમા જે દાન કરવામાં આવે છે તે દાન પુણ્યમાં અક્ષયગણુ પ્રાપ્ત થતુ હોય છે. આ દાન પુણ્ય પૃથ્વીના સર્વે જીવાત્મા અર્થે છે. એટલાજ માટે મકરસંક્રાંતિના દિવસે ધર્મપ્રેમીઓ મંદિરો આગળ બેઠેલા ભિક્ષુકોને યથાયોગ્ય દાન કરે છે. મકરસંક્રાંતિએ દાન કરવાની આપણી વૈદિક પરંપરાના કારણે ભિક્ષુકો સવારથીજ મંદિર આગળ બેસી જાય છે. આ દિવસે કોઈ પૈસાનુ, ધાન્યનુ કે કપડાનુ દાન કરે છે. આ દિવસે ગાયોને પૂળા નાખવામાં આવે છે અને ગૌશાળામાં દાન ભેટ કરવામાં આવે છે. લોકો તલ અને ગોળનુ પણ દાન કરતા હોય છે. મકરસંક્રાંતિ દિને પ્રત્યેશ વ્યક્તિ તેની જન્મની રાશિ અનુસાર પણ દાન કરે તો તેને શુભ ફળ પ્રાપ્ત થતુ હોય છે. મકરસંક્રાંતિ જીવદયાનુ પણ પર્વ છે. જેથી આપણે પક્ષીઓને ચણ અને ગાયોને પૂળા નાખીએ છીએ. ત્યારે જીવરક્ષા અને ધર્મ ભાવના ભૂલીને પક્ષીઓ તથા માનવ જીવન માટે કાતિલ દિવસ બનાવી દીધો છે. કાંચ પાયેલી દોરી તથા ચાઈના પ્લાસ્ટીક દોરીથી આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થાય છે અને મૃત્યુ પામે છે. મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાનો આનંદ પક્ષીઓ સાથે માનવીઓ માટે પણ ઘાતક બની ગયો છે. ચાઈના દોરીથી માનવી પણ વિંધાતા ઘાયલ થાય છે અને કેટલાક બનાવમાં મૃત્યુ પામે છે. આપણા પવિત્ર ધર્મગ્રંથો પ્રમાણે ઉત્તરાયણના દિવસે જેટલુ ધાર્મિક કાર્ય કરીએ તેનુ અનેકઘણુ ફળ-પુણ્ય મળે છે. આ નિયમ પાપ માટે પણ લાગુ પડે છે. ઉત્તરાયણના દિવસે મુંગા પક્ષીઓ અને માનવીને જેટલુ નુકશાન પહોચાડીએ તેનુ અનેકગણુ પાપ લાગી શકે છે. ઉત્તરાયણના પવિત્ર દિવસે ફટાકડા ફોડવાનો સીલસીલો સર્વ સામાન્ય બની ગયો છે. સમી સાંજે પક્ષીઓને માળામાં જવાના સમયે ફટાકડા ફોડતા પક્ષી ગભરાઈને ઉડે છે અને પતંગ દોરીમાં વિંધાય છે. જેથી પક્ષીઓ માળામાં જાય પછીજ ફટાકડા ફોડવા-હિતાવહ છે. ઉત્તરાયણ પતંગ ચગાવવાની સાથે દાન, ધર્મ, ઉપાસના, જીવદયાનો ખ્યાલ રાખવો એ પણ આપણી સંસ્કૃતિ છે.