
શૈક્ષણિક નગરીના ઈતિહાસમાં શિક્ષણમાં ઉચ્ચ હોદ્દો નકલી આપ્યાનો પ્રથમ બનાવ સાંકળચંદ યુનિવર્સિટીના બનાવટી વીસી અને PHDના ગાઈડનો વિવાદ

ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવે તેવુ શિક્ષણ આપવુ. શિક્ષણની નિતિઓનો અમલ કરવો વિગેરે શિક્ષણને લગતા અનેક મહત્વના નિર્ણયો વાઈસ ચાન્સેલરને લેવાના હોય છે. પરંતુ વાઈસ ચાન્સેલરજ જો નકલી હોય તો યુનિવર્સિટીમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેવુ શિક્ષણ મળતુ હશે તેવા સવાલો નકલી વીસી વિજય શ્રીવાસ્તવના વિવાદો ઉપરથી થઈ રહ્યા છે. એમ.એસ.યુનિવર્સિટીના વીસી પદેથી સરકારે જેમનુ રાજીનામુ લઈ લીધુ તે વિજય શ્રીવસ્તવ ચાર વર્ષ સુધી વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમા વીસી પદે રહી ચુક્યા છે. આ નકલી વીસીનું યુનિવર્સિટીએ એન્વાયર્મેન્ટલ સાયન્સ ગાઈડ તરીકે પણ માન્યતા આપી હતી. શૈક્ષણિક નગરીના ઈતિહાસમાં ઉચ્ચ શિક્ષણમાં નકલી વ્યક્તિને ઉચ્ચ હોદ્દો આપ્યો હોવાનો પ્રથમ બનાવ બન્યો છે.
વિજય શ્રીવાસ્તવ જ્યારે સાંકળચંદ યુનિવર્સિટીમા વાઈસ ચાન્સેલર હતા ત્યારે હોદ્દા ઉપર ગેરલાયક હોવાની વર્ષ ૨૦૨૦માં યુ.જી.સી.માં અરજી થઈ હતી
એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવા માટે ડા. વિજય શ્રીવાસ્તવ પાસે પ્રોફેસરનો ૧૦ વર્ષનો શૈક્ષણિક અનુભવ નહી હોવાના આરોપ સાથે યુનિવર્સિટીનાજ એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર સતીષભાઈ પાઠકે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. હાઈકોર્ટ સમક્ષની સુનાવણીમાં આ વિવાદિત વીસી હોદ્દા ઉપર ગેરલાયક હોવાનુ સાબીત થતાજ વિજય શ્રીવાસ્તવને હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધુ હતુ. જોકે વીસી પદેથી રાજીનામુ આપ્યુ ન હોતુ પણ સરકારે લઈ લીધુ હતુ. એમ.એસ.યુનિવર્સિટીના નકલી વીસીના વિવાદમાં વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પણ ચર્ચામાં આવી છે. સાંકળચંદ યુનિવર્સિટીમા વિજય શ્રીવાસ્તવે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી વીસી તરીકે જવાબદારી સંભાળી હતી. સાંકળચંદ યુનિવર્સિટીમાથી છુટા થયા બાદ ચાર વર્ષ પછી શ્રીવાસ્તવ નકલી વીસી હોવાનું હાઈકોર્ટમાં સાબીત થયુ છે. ત્યારે સાંકળચંદ યુનિવર્સિટીમાં કઈ લાયકાતના ધોરણે શ્રીવાસ્તવની નિમણુક કરવામાં આવી તે એક પ્રશ્ન છે. નકલી વીસીના સમયકાળમાં વિદ્યાર્થીઓને કેવુ શિક્ષણ મળ્યુ હશે તે પણ શિક્ષણ આલમમાં ચર્ચાઈ રહ્યુ છે. યુ.જી.સી.ના નિયમો પ્રમાણે પ્રોફેસરનો શૈક્ષણિક અનુભવ ન હોય તો જેમ વીસી તરીકે મહત્વના હોદ્દા ઉપર રહી શકે નહી તેમ પી.એચ.ડીના ગાઈડ તરીકે પણ માન્યતા મળી શકે નહી. ત્યારે સાંકળચંદ યુનિવર્સિટીએજ આ નકલી વીસીને પી.એચ.ડીના ગાઈડ તરીકે માન્યતા આપી હતી. વિજય શ્રીવાસ્તવનો અભ્યાસ એમ.એસ.સી.કેમેસ્ટ્રીનો છે. ત્યારે સાંકળચંદ યુનિવર્સિટીની સર્ચ કમિટિએ શ્રીવાત્સ્વને એન્વાયર્મેન્ટલ સાયન્સના ગાઈડ તરીકે માન્યતા આપી હતી. યુનિવર્સિટીના પ્રિન્સિપાલોનીજ સર્ચ કમિટિ બનેલી હોય છે. ત્યારે દલા તલવાડીની જેમ શ્રીવાસ્તવને સર્ચ કમિટિ જોડેથી પી.એચ.ડીની ગાઈડશીપ મેળવી હતી. વધુ મહત્વની બાબતો એ છે કે, યુનિવર્સિટીમા એન્વાયર્મેન્ટલ સાયન્સનો કોઈ ડિપાર્ટમેન્ટ નથી. કોઈ કોર્ષ નથી કે પ્રોફેસર નથી તો આ વિષયમા ગાઈડ ક્યાથી બની શકે તેમ છતાં યુનિવર્સિટીએ નકલી વીસીને આપેલી માન્યતામા આંખ આડા કાન કર્યા હતા. શ્રીવાસ્તવની કોઈ યોગ્યતા ન હોવા છતાં પી.એચ.ડી ગાઈડની માન્યતા આપી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અને પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડમાં ઉચ્ચ અધિકારીઓ યુનિવર્સિટીમા એન્વાયર્મેન્ટલ સાયંસમા એડમિશન મેળવી નકલી વીસી વિજય શ્રીવાસ્તવની ગાઈડશીપ નીચે પી.એચ.ડી.કરી રહ્યા છે. ત્યારે આ અધિકારીઓએ લીધેલુ એડમીશન અને પી.એચ.ડીનો અભ્યાસની યોગ્યતા કેટલી! સાંકળચંદ યુનિવર્સિટીમાં વિજય શ્રીવાસ્તવને આપવામાં આવેલ હોદ્દાની વિરૂધ્ધ વર્ષ ર૦ર૦મા યુજીસી અને સરકારના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગમાં લેખીત અરજીઓ થઈ હતી. પરંતુ યુનિવર્સિટી વિરૂધ્ધ થયેલી વિવિધ અરજીઓની કોઈ તપાસ કે કાર્યવાહી થતી નથી. તેમ આ અરજી બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ નથી.
લાયકાત ન હોવા છતાં વિજય શ્રીવાસ્તવે એન્વાયર્મેન્ટલ સાયન્સના ગાઈડ તરીકેની માન્યતા મેળવી. જેમાં ગુજરાત સરકારના શિક્ષણ અને પોલ્યુશન કન્ટ્રોલ વિભાગના અધિકારીઓ પી.એચ.ડી કરી રહ્યા છે તે કેટલુ માન્ય?
વિજય શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલરના હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યુ તેનાથી સંતાષ નહી માની જાહેર હિતની અરજી કરનાર વરિષ્ઠ પ્રોફેસરે આ નકલી વીસીએ જે તગડો પગાર લીધો અને તેમની સુવિધાઓ પાછળ જે ખર્ચ કર્યા તે રિકવર કરવા માટે પણ હાઈકોર્ટમાં રજુઆત કરી છે. ત્યારે લાયકાત ન હોવા છતાં સાંકળચંદ યુનિવર્સિટીમાથી તગડો પગાર લેનાર શ્રીવાસ્તવ પાસેથી સાંકળચંદ યુનિવર્સિટી રકમ રિકવર કરશે ખરા! એન્વાયર્મેન્ટલ સાયંસની ગાઈડ તરીકેની જે માન્યતા આપીછે તે રદ કરશે ખરા! સાંકળચંદ યુનિવર્સિટીની જે સર્ચ કમિટિએ વિજય શ્રીવાસ્તવની ગાઈડશીપ માટે માન્યતા આપી છે તે કમિટિના અધિકારીઓ ઉપર પણ તપાસ થવી જોઈએ. જેથી શિક્ષણના ભોગે ફરીથી આવો કોઈ નિર્ણય લે નહી.