
જી.ડી.હાઈસ્કુલના છેડતી પ્રકરણમાં શિક્ષકનું મુખ્ય શિક્ષક પદેથી રાજીનામુ

વિસનગરમાં નગરપાલિકા સંચાલિત જી.ડી.હાઈસ્કુલના પ્રાથમિક વિભાગના એક મુખ્ય શિક્ષકે બે વિદ્યાર્થીનીઓની છેડતી કરતા ભારે હોબાળો થયો હતો. જેમાં ગુજરાત સરકારના બાળ સંરક્ષણ આયોગ ગાંધીનગરના સભ્ય વર્ષાબેન પટેલ અને ઠાકોર સમાજના અગ્રણી અજમલજી ઠાકોરે આ મુખ્ય શિક્ષક સામે કડકમાં કડક પગલા લેવા આચાર્ય સમક્ષ માગણી કરી હતી. આ રજુઆતમાં અજમલજી ઠાકોરે તો મુખ્ય શિક્ષક સામે કોઈ કડક પગલા લેવામાં નહી આવે તો ધરણાં, રેલીઓ અને ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે અત્યારે આ શિક્ષકે શાળાના મુખ્ય શિક્ષક પદેથી રાજીનામુ આપી વિદ્યાર્થીનીઓની છેડતી મુદ્દે નિર્દોષ સાબિત થવા પ્રયત્ન કર્યો હતો.
છેડતી પ્રકરણમાં મુખ્ય શિક્ષક સામે કોઈ પગલા નહી લેવાય તો ધરણા, રેલીઓ તથા આંદોલન કરવાની ઠાકોર સમાજના અગ્રણી અજમલજી ઠાકોરની ચિમકી
વિસનગર નગરપાલિકા સંચાલિત જી.ડી.હાઈસ્કુલ આજના મોંઘા શિક્ષણમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના બાળકો માટે આશિર્વાદરૂપ મનાય છે. શાળાના આચાર્ય કે.કે.મહેતા સહિત પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો શાળાના શિક્ષણ કાર્યમાં સુધારો લાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. જેના કારણે આજે શાળાના શિક્ષણની ગુણવત્તામાં ઘણો સુધારો આવ્યો છે. ત્યારે તાજેતરમાં આ શાળાના પ્રાથમિક વિભાગના મુખ્ય શિક્ષક જયદીપ પટેલે માધ્યમિક વિભાગની બે વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાનો હોબાળો થતા શાળાના આચાર્ય કે.કે.મહેતા, પાલિકા શિક્ષણ સમિતીના ચેરમેન મનિષભાઈ બારોટ તથા બંન્ને વિભાગના શિક્ષકો હતપ્રભ્ર બની ગયા હતા. જ્યારે બીજી તરફ શાળાના મુખ્ય શિક્ષક જયદીપ પટેલ છેડતીના મુદ્દે પોતાને નિર્દોષ સાબિત કરવા દોડાદોડી કરતા હતા. શાળાની બે વિદ્યાર્થીનીઓની છેડતીનો મુદ્દો ચગડોળે ચડતા તાલુકાના શિક્ષણપ્રેમીઓ શાળાના મુખ્ય શિક્ષક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થશે તેવી ચર્ચાઓ કરતા હતા. જેમાં ગુજરાત સરકારના બાળ સંરક્ષણ આયોગ ગાંધીનગરના સભ્ય વર્ષાબેન પટેલ અને ઠાકોર સમાજના અગ્રણી અજમલજી ઠાકોરે મંગળવારના રોજ શાળામાં પહોંચી મુખ્ય શિક્ષક જયદીપ પટેલ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા આચાર્ય કે.કે.મહેતા સમક્ષ માગણી કરી હતી. આ રજુઆતમાં ઠાકોર સમાજના અગ્રણી અજમલજી ઠાકોરે તો છેડતી કરનાર મુખ્ય શિક્ષક સામે કોઈ પગલા નહી લેવાય તો શહેરમાં ધરણા, રેલીઓ અને આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે વર્ષાબેન પટેલ અને અજમલજી ઠાકોરે શાળાના શિક્ષણકાર્યની પ્રશસા કરી હતી. વિદ્યાર્થીનીઓની છેડતીનો વિવાદ વકરતા શાળાના મુખ્ય શિક્ષક જયદિપ પટેલે મુખ્ય શિક્ષક પદેથી રાજીનામુ આપી પોતાને નિર્દોષ સાબિત કરવા તમામ પ્રકારના પ્રયત્નો શરૂ કર્યા હતા. ત્યારે મુખ્ય શિક્ષક જયદીપ પટેલ વિદ્યાર્થીનીઓની છેડતી પ્રકરણમાં કેવીરીતે પોતાને નિર્દોષ પુરવાર કરે છે તે જોવાનું રહ્યુ?