
પાલિકાની VVIP સરભરા-હાઈવેની સ્વચ્છતા-ગાયો પાંજરે પુરાઈ

ટેક્ષ ભરનાર નગરજનોની રજુઆતોની કોઈ ગણના કે દરકાર નહી
- હાઈવેના વેપારીઓનો વ્યંગ-મહિનામા એક વખત તો VVIP પસાર થવા જોઈએ
- કિનારા ટાંકી પાસે એક મહિના બાદ ખાડા પુરાયા
- સોના કોમ્પલેક્ષ આગળની ઘણા સમયની ગંદકી દૂર થઈ
મહેમાન માટે સ્વચ્છતા, સ્વાગત, સન્માન એ આપણા સંસ્કાર છે. ત્યારે ટેક્ષ ભરનાર નાગરિકોની રજુઆત સાંભળી તેનો નિકાલ કરવો તે પણ તંત્રની એટલીજ ફરજ છે. વડનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસનગરમાંથી પસાર થવાના હોઈ હાઈવે સફાઈની પાલિકાની કામગીરી જોઈ વેપારીઓ વ્યંગ કરી રહ્યા છેકે મહિનામા એકાદ વીવીઆઈપી પસાર થવા જોઈએ. તોજ પાલિકા હાઈવેની સફાઈ અને વેપારીઓની સુવિધા પ્રત્યે ધ્યાન રાખશે. ટેક્ષ ભરનાર વેપારીઓની રજુઆતની કોઈ ગણના થતી નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરના વિવિધ વિકાસ કામનુ લોકાર્પણ કરીને મહેસાણા ગણપત યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં જવા વિસનગરના હાઈવે ઉપરથી પસાર થવાના હોઈ પાલિકા દ્વારા યુધ્ધના ધોરણે હાઈવેની સફાઈ કરવામાં આવી હતી. કિનારા ટાંકી વૃંદાવન સોસાયટી આગળ પાણીની લાઈન માટે ખોદકામ કરાયા બાદ એક માસથી પડેલા ખાડા પુરવામાં આવ્યા હતા. હાઈવે ઉપર પાઈપ લીકેજના કારણે ગંદકી થતા રીપેરીંગ કરાયુ હતુ. પાલડી ત્રણ રસ્તા, ઈટ એન્ડ ટ્રીટ હોટલ વાળા માર્કેટ આગળ, ગંજબજારના પાછળના ગેટ પાસે, બી કે મોલની સામે, કાંસા ચાર રસ્તા, આઈ.ટી.આઈ. ચાર રસ્તા ખુલ્લા પ્લોટની આગળ ફૂટપાથથી ત્રણ ચાર ફૂટ રોડ સાઈડ માટી જામી હતી તે જેસીબીથી સાફ કરવામાં આવી હતી. કાંસા ચાર રસ્તાની આસપાસ ડિવાઈડર ઉપર દવાનો છંટકાવ કરાયો હતો. કાંસા ચાર રસ્તા સોના કોમ્પલેક્ષ આગળ પીકઅપ સ્ટેન્ડની આસપાસ ખુબજ ગંદકી ખદબદતી હતી. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની અહીથી અવરજવર છતા સફાઈ થતી નહોતી. પીકઅપ સ્ટેન્ડ ઉપરથી ઉંઝા, કાંસા તરફ જતા વિસનગરના પેસેન્જરોની ઘણા સમયથી ગંદકી દૂર કરી સફાઈ કરવા માટેની રજુઆત હતી. પરંતુ પાલિકા તંત્ર ગણકારતુ નહોતુ. પરંતુ વીવીઆઈપી હાઈવે ઉપરથી પસાર થવાના હોવાથી પીકઅપ સ્ટેન્ડ આસપાસ ખદબદતી ગંદકી દૂર કરીને દવાનો છંટકાવ કરાયો હતો. અગાઉ આ ગંદકી ઉપર દવાનો પણ છંટકાવ કરવામાં આવતો નહોતો.
વિસનગરમાં રખડતી ગાયોનો ત્રાસ ફક્ત ચોમાસામાંજ નહી પરંતુ બારેમાસ હોય છે. ત્યારે પાલિકા દ્વરા ફક્ત ચોમાસા દરમ્યાનજ ગાયો પકડવામાં આવે છે. જે કામગીરી પણ ફક્ત દેખાવ પુરતી હોય છે. ત્યારે વીવીઆઈપી શહેરમાંથી પસાર થવાના હોવાથી ૪૦ ઉપરાંત્ત રખડતી ગાયો પકડી આદર્શ હાઈસ્કુલ સામેની પાલિકાની જગ્યામાં પુરવામાં આવી હતી. વીવીઆઈપીની સરભરામાં પાલિકાની ચોમાસા સિવાયની ગાયો પકડવાની ઝુંબેશથી પશુ પાલકો પણ ઉંઘતા ઝડપાયા હતા. ચોમાસામાતો ચેતવણી આપીને ગાયો પકડવામાં આવે છે. જ્યારે અચાનક રખડતી ગાયો પકડી પુરવામાં આવતા દૂધ આપતી ગાયો પણ પકડવામાં આવતા ગોપાલકો દોડતા થઈ ગયા હતા. પાલિકાએ આ તમામ ગાયો પાંજરાપોળને સોંપી હતી.
હમણા નવેમ્બર મહિનામાજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં શહેરના સિનિયર આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ વિક્રમભાઈ મણીલાલ પટેલે ચોમાસા બાદ હાઈવેમાં રોડ સાઈડ ફેલાયેલી માટીની સફાઈ કરવા રજુઆત કરી હતી. સ્વાગત કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, રોડ સાઈડની માટીના કારણે મોટા વાહનો ઓવરટેક કરતા ટુ વ્હીલર સાઈડમાં લેતા સ્લીપ થાય છે અને અકસ્માતનો ભોગ બને છે. રોડ સાઈડની માટી ઉપરથી મોટુ વાહન પસાર થતા ધૂળ ઉડવાથી દુકાનદારોને તકલીફ થાય છે. ગંજબજારના પાછળના દરવાજા બહાર પાઈપલાઈનના ખોદકામ બાદ કોન્ટ્રાક્ટર ફૂટપાથ ઉપર માટી નાખતા લોકોને ચાલવામાં તકલીફ થાય છે. પાઈપો લિકેજના કારણે ખાડા પડવાથી અકસ્માતનો ભય રહે છે. દુકાનદારો પાસે રૂા.૬૦૦ ટેક્ષ લેવામાં આવે છે પરંતુ માર્કેટની અંદર સફાઈ કરવામાં આવતી નથી. હાઈવેની સ્વચ્છતાને લગતી ગણી રજુઆતો વેપારીઓ દ્વારા પાલિકામાં કરવામાં આવી હતી. પરંતુ ટેક્ષ ભરનારની રજુઆતો ધ્યાને લેવામાં આવતી નહોતી. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પસાર થવાના હોવાથી વેપારીઓને તથા રોડ ઉપરની સોસાયટીના રહિસોની ફરિયાદ કરતી રજુઆતોનો આપોઆપ નિકાલ થઈ ગયો હતો.