વડનગર હાઈવેને જોડતા પીંડારીયાના બન્ને રસ્તાની બિસ્માર હાલત
- શહેરમાં ટ્રાફીક ઘટાડવાની કામગીરીમાં તંત્ર નિરસ
- વિજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલીંગથી રસ્તો તૂટી જતા વાહન ચાલકો પરેશાન
આઈ.ટી.આઈ. બ્રીજના કારણે ડાયવર્ઝનના જાહેરનામાથી શહેરમાં ટ્રાફીક ઓછો થાય તેવા બીજા રસ્તાના પર્યાય છે. પરંતુ તંત્રની નિરસતાના કારણે આ બિસ્માર બનેલા રસ્તાનુ રીપેરીંગ થતુ નથી અને વાહન ચાલકો તેનો ઉપયોગ કરી શકતા નથી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં વડનગર હાઈવેને જોડતા પીંડારીયાના બન્ને બિસ્માર રસ્તાની મરમ્મત કરવા સૂચન કરાયુ હતુ. પરંતુ કોઈ રીપેરીંગ નહી થતા વાહનચાલકો રસ્તાનો ઉપયોગ કરી શકતા નથી અને પરેશાની ભોગવી રહ્યા છે.
વિસનગરમાં આઈ.ટી.આઈ. બ્રીજના નિર્માણના કારણે હાઈવે બંધ કરવામાં આવતા ડાયવર્ઝનના જાહેરનામાથી શહેરમાં વિજાપુર અમદાવાદ, મહેસાણા, ઉંઝા, વડનગર, ખેરાલુ, અંબાજી તરફના નાના વાહનનો ટ્રાફીક વધ્યો છે. આ વાહનો શહેરના બહારના માર્ગો ઉપરથી પસાર થાય તેવા વિકલ્પ છે. પરંતુ વહિવટી તંત્રની નિષ્કાળજીના કારણે તેનો ઉપયોગ થતો નથી. પીંડારીયા રોડ ઉપરથી આશાપુરી માતાના મંદિર પાસેથી તેમજ પીંડારીયા હનુમાનજી મંદિરના પાછળના ભાગેથી વડનગર હાઈવેને જોડતા ૩.૭૫ મીટરની પહોળાઈના બે રસ્તા છે. જેમાં આશાપુરી માતાના મંદિરથી વડનગર હાઈવેને જોડતા માર્ગ ઉપર વિજ કંપની દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલીંગના કારણે ખોદકામ કરવામાં આવતા આ રોડ બિસ્માર બની ગયો છે. વિજ કંપનીની કામગીરીના કારણે રોડની સાઈડો પણ તુટી ગઈ છે અને સામ સામે બે વાહન પસાર થઈ શકે નહી તેવા ખાડા પડી ગયા છે. ૩.૭૫ મીટર એટલે કે લગભગ ૧૨ ફૂટ પહોળાઈનો રસ્તો હોય તો બે નાના વાહન આસાનીથી પસાર થઈ શકે. પરંતુ અંડર ગ્રાઉન્ડ કેબલીંગથી ખાડા પડી જતા વાહનો પસાર થઈ શકતા નથી. વડનગર હાઈવે ઉપરના આ બન્ને રસ્તા તરફ નાના વાહનો માટે વિજાપુર, અમદાવાદ તરફ જવાના દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે તો પણ શહેરમાં થોડો ઘણો ટ્રાફીક ઓછો થાય તેમ છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની સૂચનાથી કલેક્ટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં આ રસ્તાની મરમ્મત માટે માર્ગ મકાન પંચાયત વિભાગને સૂચન કરાયુ હતુ. પરંતુ કલેક્ટરની સૂચનાનો હજુ સુધી કોઈ અમલ થયો નથી. પીંડારીયાના આ બન્ને રસ્તા રીપેરીંગ કરી સાઈડમાં વાઈડનીંગ કરવામાં આવે તો ઘણા ઉપયોગી બને તેમ છે. પરંતુ વિસનગરમાં બે વર્ષની ટ્રાફીક સમસ્યાનો વિચાર કરીને તંત્ર આળસ ખંખેરતુ નથી.
મહત્વની બાબત તો એ છેકે, પીંડારીયા રોડથી વડનગર હાઈવેને જોડતા રોડને પહોળો કરવા માટે આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર દ્વારા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય મંત્રીએ વિસનગર ગ્રામ્ય આશાપુરી માતાના મંદિરથી વડનગર હાઈવેને જોડતા રોડના વાઈડનીંગ માટે માર્ગ મકાન વિભાગને ભલામણ કરતા રૂા.૧.૪૦ કરોડના ખર્ચે ૨.૩૦ કિ.મી.ના ૩.૭૫ મીટરના રોડને ૫.૫ મીટર પહોળો કરી વાઈડનીંગ અને સ્ટ્રેથનીંગ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્તને મંજુરી મળી નહોતી. દરખાસ્ત પ્રમાણે જો આ રોડ પહોળો થયો હોત તો અત્યારે ઘણો ઉપયોગી બની શક્યો હોત. વિસનગર શહેરની બહારથી નાના વાહનોને પસાર થવા માટેના વિકલ્પ છે ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.