Select Page

હાઈબીમ લાઈટના તેજ પ્રકાશનો શોખ કોઈના પરિવારમાં અંધકાર લાવી શકે

હાઈબીમ લાઈટના તેજ પ્રકાશનો શોખ કોઈના પરિવારમાં અંધકાર લાવી શકે

પ્રતિબંધ છતા વાહનોમાં સફેદ લાઈટનો બેફામ ઉપયોગ

તંત્રી સ્થાનેથી…

આખા વિશ્વમાં રસ્તાઓ ઉપર વાહનોના અકસ્માત થાય છે. પરંતુ ભારતમાં જેટલા વાહન અકસ્માત થાય છે એટલા વિશ્વમાં બીજે ક્યાંય થતા નથી. અકસ્માત થવા પાછળ એક નહી પરંતુ અનેક કારણો છે. એમાનુ એક કારણ હાઈબીમ એટલે કે આંખો આજી નાખતી તેજોમય શેરડો ધરાવતી વાહનોની લાઈટ છે. એક રિપોર્ટ પ્રમાણે દેશના કુલ અકસ્માતમાં ૪૦ ટકા અકસ્માત રાત્રે થાય છે. જેમાંથી ત્રીજા ભાગના અકસ્માત તેજપુંજ જેવી હાઈબીમ લાઈટોના કારણે થાય છે. દેશમા પૈસા પાત્ર વર્ગ વધવાની સાથે નબીરાઓના વર્ગમાં પણ વધારો થયો છે. બાપના પૈસે તાગડધિન્ના કરતા આ વર્ગને તેમના પરિવારનીજ કંઈ પડી હોતી નથી પછી બીજાના પરિવારની તો ચિંતાજ ક્યાંથી હોય? પૈસા પાત્ર અને ખાસ કરીને નબીરા વર્ગના લોકો મોંઘી કાર, એસ.યુ.વી., સેમી એસ.યુ.વી. ગાડી ખરીદે છે. આ મોંઘી ગાડીમાં તમામ પ્રકારની સગવડો હોય છે, તેમાં સૌથી ખરાબ સગવડ હોય તો તે છે હાઈબીમ સફેદ લાઈટ. કેટલાક વાહનના શોખીન મોડીફાઈડ કરીને સફેદ એલ.ઈ.ડી. પ્રોજેક્ટર લાઈટો લગાવે છે. મોટાભાગની કાર ઉત્પાદક કંપનીઓ નિયમો પ્રમાણે પીળી લાઈટ આપે છે. જેમાં ફેરફાર કરીને ફોગ લાઈટ પીળી કરવામાં આવે છે અને હેડ લાઈટ સફેદ કરવામાં આવે છે. આંખ આજી દેતી સફેદ લાઈટ ઉપર પ્રતિબંધ છે, તેમ છતા મોંઘી ગાડીમાં નીતિ નિયમોને અવગણીને સફેદ લાઈટનો કોઈપણ ડર વગર ઉપયોગ થાય છે. અચાનક હેલ્મેટ કે પી.યુ.સી. સંદર્ભે સરકારનો વાહન ચેકીંગનો આદેશ થાય તો મધ્યમ વર્ગના વગ નહી ધરાવતા અસંખ્ય ટુવ્હીલર તથા પેસેન્જર વાહન ચાલકોને રોકીને દંડ કરવામાં આવે છે. જ્યારે પ્રતિબંધિત સફેદ લાઈટ વાહન ચેકીંગ ડ્રાઈવમાં ગણ્યા ગાઠ્યા ફોર વ્હીલર ચાલકોને દંડ કરવામાં આવે છે. કારણ કે આવી ગાડીઓ ધરાવનાર મોટા ભાગનો વર્ગ પૈસાદાર અને વગદાર હોય છે. પહેલા તમામ વાહનમાં પીળા બલ્બની હેડ લાઈટ હતી. જેના કારણે રાત્રીના અંધારામાં પણ ડ્રાઈવીંગ કરવુ સરળ રહેતુ હતુ. હેડ લાઈટમાં પીળા બલ્બના કારણે રાત્રે અકસ્માત પણ ઓછા થતા હતા. અત્યારે રાત્રે રોડ ઉપર વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. ફોરલેન રોડ હોય ત્યા તકલીફ ઓછી પડે છે, પરંતુ ડબલ રોડ ઉપર હાઈબીમ લાઈટોના કારણે આંખો અંજાઈ જાય છે. કાયદાનો કડક અમલ નહી થવાના કારણે હવે તો દર ચાર ગાડીએ એક ગાડીમાં સફેદ લાઈટ લગાવેલી જોવા મળે છે. આવી હાઈબીમ લાઈટ સામેના વાહન ચાલકને નડે એની પરવા ન હોય, પરંતુ આ સામેવાળા હાઈબીમ લાઈટ લગાવનાર વાહન ચાલક પણ હોઈ શકે. બીનજરૂરી હાઈબીમ લાઈટ આપણી આંખોની કીકીને પહોળી કર્યા વગર રહેતી નથી. આંખો અંજાતા ચાલક માથુ આમ તેમ કરીને રસ્તા ઉપર શુ છે તે જોવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખતતો વાહન રોડની સાઈડમાં ઉતરી જાય છે અને અકસ્માત પણ થતો હોય છે. આવી હાઈબીમ લાઈટના તેજ પ્રકાશનો શોખ કોઈના પરિવારમાં અંધકાર લાવી શકે છે તેનો વિચાર કરતા નથી. મોટાભાગના લોકો લાયસન્સ તો લઈલે છે પરંતુ ડ્રાઈવીંગ નીતિ નિયમ કે શિષ્ટાચાર શીખતા નથી. હાઈબીમ લાઈટ લગાવી રાત્રે સામેથી આવતા વાહન ચાલકને તકલીફ ન પડે તે માટે જો ડીપર કરતા હોય તો તકલીફ ઓછી પડે. પરંતુ પારકી ચિંતાના સંસ્કાર હોય તો પહેલા નડતરરૂપ હાઈબીમ લાઈટજ લગાવી ન હોત. એટલે આવી લાઈટ લગાવનાર મોટાભાગના વાહન ચાલકો અહંકારી અને અક્કડ હોય છે. જેથી તેમનો અહંકાર અને અક્કડતાના કારણે ડીપરનો ઉપયોગ કરતા નથી અને સામેના વાહનચાલકની આખો આંજી દે છે. સામેથી આવતી હાઈબીમ લાઈટ ઉપરાંત્ત પાછળ આવતા વાહનની હાઈબીમ લાઈટ પણ રીયર ગ્લાસને અંધ કરી દે છે. જેના કારણે પાછળ શુ છે એ પણ જોઈ શકાતુ નથી. બીજાની તકલીફ સમજે એજ સાચો મનુષ્ય છે, પણ આજના જમાનામા પોતાના મોજ શોખ પુરા કરવાની લ્હાયમાં બીજાની તકલીફોનો કોણ વિચાર કરે છે? હાઈબીમ લાઈટોના પ્રતિબંધ તેમજ નિયંત્રણના કડક અમલ માટે હવે તો સરકારેજ જાગવુ પડશે. વાહનોને કાળા કાચ અને કાળી ફિલ્મના નિયમોનો જે રીતે કડક અમલ થઈ રહ્યો છે તેજ રીતે હાઈબીમ લાઈટના પ્રતિબંધ માટે પણ વારંવાર ટ્રાફીક ડ્રાઈવ, ચેકીંગ અને દંડ કરવો જોઈએ. ચમત્કાર વગર નમસ્કાર નહી અને દંડ વગર શિસ્ત નહી. આ માટે સરકાર પોલીસને આદેશ કરીને થર્ટી ફર્સ્ટની જેમ ફક્ત હાઈબીમ લાઈટ માટેજ નાઈટ પેટ્રોલીંગ વધારી ટ્રાફીક ડ્રાઈવ કરાવે તોજ વાહનચાલકો તેજોમય શેરડો ધરાવતી લાઈટોથી મુક્ત થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us