
તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરની એટ્રોસીટીની ધમકી

પુદગામમાં એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટમાંથી નવુ સ્મશાન બનાવવાના વિવાદમાં
- ભારતમાં એટ્રોસીટી એક્ટનો કાયદો એસ.સી., એસ.ટી.સમાજના લોકોને અત્યાચાર અને દમનથી રક્ષણ આપવાનો છે. પરંતુ આજે લોકો પોતાના સ્વાર્થમાં એટ્રોસીટીના કાયદાનો બેફામ દુર ઉપયોગ કરી રહ્યા છે
વિસનગર તાલુકાના પુદગામ ગામમાં સરકારની એ.ટી.વી.ટી. ગ્રાન્ટમાંથી સ્મશાનગૃહ બનાવવાની જગ્યાના મુદ્દે તાલુકા પંચાયતના અનુસુચિત જાતિના મહિલા પ્રમુખ અને ગામના આગેવાનો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં પુદગામ સીટના ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરે ગામના વતની અને કાંસા એન.એ.માં રહેતા ભાજપના તાલુકા ડેલીગેટના પતિ સહીતના આગેવાનોને એટ્રોસીટીની ફરિયાદ કરી જેલમાં પુરાવી દેવાની ધમકી આપતા સમગ્ર તાલુકામાં ભારે ચકચાર જાગી છે.
ભારત દેશમાં એટ્રોસીટી એક્ટનો કાયદો શીડ્યુલ કાસ્ટ અને શીડ્યુલ ટ્રાઈબના લોકોને અત્યાચાર અને દમનથી રક્ષણ આપવાનો છે. પરંતુ આજે કેટલાક લોકો પોતાના સ્વાર્થમા એટ્રોસીટીના કાયદાનો બેફામ દુરઉપયોગ કરી રહ્યા છે. અગાઉ ચોટીલા નગરપાલિકાના ભાજપના એક હોદ્દેદારે તેમનાજ પક્ષના બીજા હોદ્દેદાર વિરૂધ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં હાઈકોર્ટના જસ્ટિશ સંદિપ એન.ભટ્ટે એટ્રોસીટીની ફરિયાદને રદબાતલ કરતા ચુકાદામાં જણાવ્યુ હતુ કે, આજે સમાજમા એટ્રોસીટીના કાયદાનો બેફામ દુર ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં કેટલીક વાર ફરિયાદી દ્વારા તો ક્યારેક સબંધિત સત્તાવાળાઓ દ્વારા એટ્રોસીટીના કાયદાનો દુર ઉપયોગ થતો હોય છે. જેના કારણે એસ.સી., એસ.ટી. સમાજના સાચા પીડીતોને ન્યાય માટે મુશ્કેલી પડતી હોય છે. તાજેતરમાં વિસનગર તાલુકાના પુદગામ ગામમાં સરકારની એ.ટી.વી.ટી.ની આશરે રૂા.૨.૨૫ લાખ ગ્રાન્ટમાંથી નવુ સ્મશાનગૃહ બનાવવાની જગ્યાના મુદ્દે તાલુકા પંચાયતના ભાજપના અનુસુચિત જાતિના પ્રમુખ પુષ્પાબેન ચંદ્રેશભાઈ વણકર અને ગામના અન્ય સમાજના આગેવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ મામલે ગામના પટેલ, પ્રજાપતિ સહિત અન્ય સમાજના આગેવાનોએ ગત સોમવારના રોજ ટી.ડી.ઓ.સુચીબેન પટેલ તથા ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. ત્યારે ટી.ડી.ઓ.ની સુચનાથી સ્મશાનના બાંધકામનું કામ તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યુ હતુ. આ વિવાદ અંગે ગામના એક આગેવાને જણાવ્યુ હતુ કે, વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકર પુદગામના છે. જેઓ તાલુકા પંચાયતની એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટમાંથી પોતાના સમાજ માટે નવુ સ્મશાન બનાવવા માગતા હતા. જ્યારે આ ગ્રાન્ટ સિધ્ધનાથ મહાદેવની પાછળ પટેલ, પ્રજાપતિ, ઠાકોર, બ્રાહ્મણ, રબારી, દેવીપુજક સહિત અન્ય સમાજ માટેના જુના સ્મશાનની જગ્યામાં નવુ સાર્વજનિક સ્મશાન બનાવવા ફાળવવામાં આવી છે. સ્મશાનની જગ્યાનો વિવાદ થતા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકરે ગામના વતની અને ભાજપના તાલુકા ડેલીગેટના પતિ મુકેશભાઈ પ્રજાપતિ સહીતના આગેવાનોને એટ્રોસીટીની ફરિયાદ કરી જેલમા પુરાવી દેવાની ધમકી આપતા અત્યારે આ મુદ્દે તાલુકામાં ભારે ચકચાર જાગી છે. ભાજપના આ મહિલા પ્રમુખે સામાન્ય બાબતમાં ગામના અને પોતાના પક્ષના મહિલા ડેલીગેટના પતિ સહિતના આગેવાનોને એટ્રોસીટીની ધમકી આપી તે શરમજનક કહેવાય. જોકે આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરનો ટેલીફોનીક સંપર્ક કરતા ફોન લાગતો ન હતો.