
ખેરાલુ APMCમાં ચેરમેન પદે રામજીભાઈ ચૌધરીની વરણી

લોકસભાની ચુંટણીમાં ભાજપને વિપુલભાઈ ચૌધરીની ખુલ્લી મદદના કારણે
ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેનની ચુંટણી જિલ્લા રજિસ્ટ્રાર એસ.એન.ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ મેન્ડેટ લઈને આવ્યા હતા. ચેરમેન તરીકે મંદ્રોપુરના રામજીભાઈ વિરસંગભાઈ ચૌધરી ખેડૂત પેનલમાંથી નામ જાહેર થયુ હતુ. તેમજ વાઈસ ચેરમેન તરીકે ઉંઝા તાલુકાના સુણોક ગામના રામજીભાઈ ભગવાનદાસ પટેલ વેપારી પેનલમાંથી નામ જાહેર થયુ હતુ. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત ખેરાલુ શહેર તથા તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા. પહેલી વખત માર્કેટયાર્ડની ચુંટણીમાં ખુબજ ઓછા આગેવાનો હાજર જોવા મળ્યા હતા. અર્બુદા સેનાના આગેવાનો વધુ પ્રમાણમાં હાજર જોવા મળ્યા હતા.
ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણી પહેલા ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા મોવડી મંડળ સમક્ષ રજુઆત કરી હતી કે ચેરમેન અને વાઈસ ચેરમેન દર વખતે ચૌધરી સમાજના ચુંટાય છે જેથી ગમે તે એક પદ ઈતર કોમને આપવુ જોઈએ જેની અસર થતા ખેડૂત પેનલમાંથી ચૌધરી રામજીભાઈ વિરસંગભાઈ અને વેપારી પેનલમાંથી પટેલ રામજીભાઈ ભગવાનદાસની ચેરમેન વાઈસ ચેરમેન પદે વરણી થઈ હતી. ચેરમેન પદે વિપુલભાઈ ચૌધરી ગૃપના વ્યક્તિને ચેરમેન પદ કેવી રીતે મળ્યુ? તે જોતા લોકસભા ૨૦૨૪ ની ચુંટણીમાં અર્બુદા સેનાના સુપ્રિમો વિપુલભાઈ ચૌધરી દ્વારા પાટણ લોકસભામાં ભાજપના ભરતસિંહ ડાભીને ખુલ્લુ સમર્થન કર્યુ હતુ. ભરતસિંહ ડાભીએ લોકસભાનું ઋણ ચુકવવા રામજીભાઈ વિરસંગભાઈ ચૌધરીને ખુલ્લી મદદ કરી હતી. જેના ફળ સ્વરૂપે ખેરાલુ માર્કેટયાર્ડમાં વિપુલભાઈ ચૌધરી ગ્રૃપને ચેરમેન પદ ભેટ આપ્યાનુ ચર્ચાય છે. ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણીમાં ભીખાલાલ ચાચરીયાની પેનલમાંથીજ ઉમેદવારોની પસંદગી થઈ છે તેવુ પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરીયા જણાવે છે.
ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન રામજીભાઈ વિરસંગભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર તેમજ જિલ્લા ભાજપ સંગઠનના સહકારથી ચેરમેનનું પદ મળ્યુ છે. ખેરાલુ માર્કેટયાર્ડને ધમધમતુ કરવા તમામ પ્રકારના પ્રયત્નો કરીશુ. પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે અગાઉની ટર્મમાં પ્રજાને વચન આપ્યુ હતુ કે આપણો પાક આપણુ બજાર અને હાઈવે ઉપર નવુ બજાર બનાવીશુ. જે વચન પૂર્ણ કરતા બજાર ધમધમે છે. તેનો મને સંતોષ છે. મૈ જમીનનું તર્પણ કર્યુ તે પણ લેખે લાગ્યુ છે. મારા ૮.૫ વર્ષના શાસનમાં સાથ સહકાર આપ્યો તે બધાનો આભાર માનુ છું. ખેડૂતોના હિતમાં ચેરમેન, વાઈસ ચેરમેન કામ કરશે તેવી આશા છે. ખેરાલુ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના પતિ મહેશભાઈ ચૌધરી જણાવે છે કે, ચેરમેન રામજીભાઈ ચૌધરી ખેડૂત પેનલમાંથી આવેલા છે. સહકારીતાનો બહોળો અનુભવ છે. બે ટર્મથી માર્કેટયાર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. નિઃસ્વાર્થ સ્વભાવ છે. વાઈસ ચેરમેન વેપારી પેનલમાંથી રામજીભાઈ પટેલની વરણી થઈ છે જેના કારણે નવા વેપારીઓ પણ આવશે. ચેરમેન ગામડે ગામડે જઈને ખેડૂતોને ખેરાલુ માર્કેટયાર્ડમાં માલ ભરાવે તે માટે સમજણ આપશે. ખેડૂતોને ભાવ વધુ મળે તે માટે પ્રયત્નો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.