Select Page

કાંસા રોડ ઉપર યુધ્ધના ધોરણે વરસાદી લાઈનનુ કામ

કાંસા રોડ ઉપર યુધ્ધના ધોરણે વરસાદી લાઈનનુ કામ

કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ

વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નોથી નગરપાલિકા દ્વારા ગંજબજારથી કાંસા રામદેવપીર મંદિર સુધી રૂા.૪ કરોડના ખર્ચે ૧ર૦૦ ડાયાની વરસાદી પાઈપ લાઈનનુ કામ ધમધોકાર ચાલી રહ્યુ છે. ત્યારે પાલિકાના ચિફ ઓફીસર પાર્થ ત્રિવેદી સહીત પાલિકાની ટીમે પાઈપ લાઈનની કામગીરીનુ નિરિક્ષણ કરી એજન્સીના કોન્ટ્રાકટરને જરૂરી સુચનો કર્યા હતા. અત્યારે આ રોડ ઉપર વરસાદી પાણીની લાઈન નાખવામા આવતા ગંજબજાર વિસ્તાર અને કાંસા એન.એ. વિસ્તારમા વર્ષોથી ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગત ટર્મમાં સવા વર્ષ માટે ગુજરાત સરકારમા કેબિનેટમંત્રી બનતા તેમને ગુરુકુળ રોડ ઉપર આવેલ અનુસુચિત સમાજની સોસાયટીઓમા વર્ષોથી ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા રૂા.૬.૭૦ કરોડના ખર્ચે શિવનગર સોસાયટીથી પુદગામ રૂપેણ નદી સુધી ૧૪૦૦ ડાયાની મોટી પાઈપ લાઈન નંખાવી હતી. જેમા કારણે આ સોસાયટીઓમા વરસાદી પાણી ભરાવવાની સમસ્યા કાયમી દૂર થઈ છે. પરંતુ ચોમાસાના ભારે વરસાદમા ગંજબજાર ફાટકથી કાંસા રોડ ઉપર આવેલ રામદેવપીર મંદિર સુધીના રોડ ઉપર પાણી ભરાવવાની સમસ્યા વિક્ટ બની હતી. વરસાદી પાણી ભરાતા ગંજબજારના વેપારીઓને આર્થિક મોટુ નુકશાન થતુ હતુ. આ રોડ ઉપરથી વાહન ચાલકોને પસાર થવામા સાત સમુદર પાર કરવા જેવુ મુશ્કેલ બની ગયુ હતુ. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ગંજબજારથી કાંસા એન.એ. રામદેવપીર મંદિર સુધી વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જેના માટે મંત્રી ઋષિભાઈ પટેલે એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, પાલિકા ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદી તથા ગંજબજારના વેપારી આગેવાનો સાથે મીટીંગ પણ કરી હતી. ત્યારબાદ મંત્રી ઋષિભાઈ પટેલની રજૂઆતથી સરકારે ગંજબજારથી કાંસા રોડ રામદેવપીર મંદિર સુધી ૧ર૦૦ ડાયાની નવિન પાઈપ લાઈન નાંખવા આશરે રૂા.૪ કરોડ મંજૂર કર્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા કરી આ રોડ ઉપર પાઈપ લાઈન નાખવા એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો. જેમા એજન્સીના કોન્ટ્રાક્ટરે રામદેવપીર મંદિરથી ગંજબજાર સુધીના રોડ ઉપર વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન નાંખાવનુ કામ શરૂ કર્યુ છે ત્યારે આ કામગીરીમા કોઈ ખામી રહી ન જાય તે માટે પાલિકાના ચિફ ઓફીસર પાર્થ ત્રિવેદી સહીત પાલિકાની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. જેમા ચિફ ઓફીસર પાર્થ ત્રિવેદીએ એન.એ.ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ દિલીપભાઈ પટેલ (ચેતનભાઈ બેટરી), તલાટી પંકજભાઈ મોદી, તથા એજન્સીના કોન્ટ્રાક્ટરને સાથે રાખી પાઈપલાઈનની કામગીરીનુ નિરિક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. કેબીનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ અત્યારે કાંસા રોડ ઉપર યુધ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલની મોટી પાઈપ લાઈન નંખાતા આગામી ચોમાસામા ગંજબજાર વિસ્તાર અને કાંસા એન.એ.વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાતા વરસાદી પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us