
આરોગ્ય મંત્રીએ ખેંચી ખેંચીને હરિફોના પતંગ કાપ્યા

વિસનગરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યુ
આ વર્ષે ઉત્તરાયણ પર્વે સૌમ્ય સ્વભાવ ધરાવતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલમાં આક્રમતાના ગુણ જોવા મળ્યા હતા. વિસનગરમાં ભાજપના આગેવાનોના નિવાસ્થાને કાર્યકરો સાથે પતંગ ચગાવ્યા હતા. અત્યાર સુધી દરેક બાબતમાં ઢીલ રાખવાની માનસિકતા ધરાવતા આરોગ્ય મંત્રીએ ખેચી ખેચીને પુરી આક્રમતાથી હરિફોના પતંગ કાપ્યા હતા. પતંગ ચગાવતા આરોગ્ય મંત્રીને જોઈ ભાજપના કાર્યકર્તાઓમાં પણ ચર્ચા થઈ હતી કે ખોટી રીતે દખલ કરતા હરિફોની હવે ખેર નથી. ફીરકી શહેર ભાજપના પૂર્વ મહામંત્રીએ પકડી હતી. આરોગ્ય મંત્રી ઢીલ છોડ્યાનો પ્રયત્ન કરતાજ પૂર્વ મહામંત્રી ફીરકી પકડી રાખી જાણે ઈશારો કરતા હતા કે ખેચીને કાપો છો એજ બરોબર છે.
કોઈપણ માણસની કામ કરવાની પધ્ધતિ ઉપરથી એની વૃત્તીના દર્શન થતા હોય છે. કામ અને વર્તન ઉપરથી શાંત, સૌમ્ય કે આક્રમક કેવા સ્વભાવનો છે તે જોવા મળે છે. આ વખતે ઉત્તરાયણ પર્વે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ હવે આક્રમક વલણ અપનાવ્યુ હોય તેમ તેમની પતંગ ચગાવવાની પધ્ધતિ ઉપરથી જોવા મળ્યુ હતુ. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ દર ઉત્તરાયણ પર્વે વિસનગરમાં અને તે પણ ભાજપના કાર્યકરોની સાથે ઉજવે છે. આ વર્ષે મેઈન બજાર ઉંદેડીપોળમાં ભાજપના કાર્યકર્તા કલ્પેશભાઈ કંસારાના ઘરે, દિપરા દરવાજા કિસાન મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલના ઘરે તથા ગોવિંદ ચકલાના નાગરિકો સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યુ હતુ. જેમની સાથે શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઈ ગળીયા પાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ, પાલિકા સભ્ય જયેશભાઈ પંડ્યા, ભાવેશભાઈ મોદી, શાલીનીબેન કંસારા, આર.ડી.પટેલ, જગદીશભાઈ પટેલ, હાર્દિક પટેલ વસંતા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ વિગેરે ભાજપના આગેવાનો અને કાર્યકરો જોવા મળ્યા હતા.
કેબીનેટ મંત્રીનુ રાજકીય કદ ઉંચાઈએ લઈ જવા જે રીતે અત્યારે પવનરૂપી રાજકીય પીઠબળ મળી રહ્યુ છે તે રીતે ઉત્તરાયણ દિવસે સવારે પવન સારો હોવાથી મંત્રીશ્રીનો પતંગ પણ તુર્તજ ઉંચાઈએ પહોચ્યો હતો. સૌમ્ય સ્વભાવના ઋષિભાઈ પટેલે હંમેશા દરેક બાબતે ઢીલી નીતિ રાખી છે. ત્યારે ઉત્તરાયણ પર્વે આ વર્ષે પતંગ ચગાવતા આક્રમક જોવા મળ્યા હતા. ખેચી ખેચીને પતંગ કાપતા ભાજપના કાર્યકરોએ કાપ્યો છે તેમ કહી કીકીયારીઓ કરતા જોવા મળ્યા હતા. આરોગ્ય મંત્રીની ફીરકી પૂર્વ મહામંત્રી રણછોડભાઈ દેસાઈએ પકડી હતી. આરોગ્ય મંત્રી જેવી દોરીની ઢીલ છોડતા હતા ત્યારે પૂર્વ મહામંત્રી ફીરકી ફરતી બંધ કરી આરોગ્ય મંત્રીને જાણે ઈશારો કરતા હતા કે, હરિફોના પતંગ ખેચીને કાપો છો એજ બરોબર છે. ખેચીને પતંગ કાપતા આરોગ્ય મંત્રીને જોઈને ભાજપના કાર્યકર્તાઓમાં અંદરોઅંદર ચર્ચા થઈ હશે કે હણનારને હણો એનો વાંધો નઈ પણ ક્યાંક નિષ્ઠાવાન કાર્યકર કપાઈ ન જાય!