
ઓવરબ્રીજના જાહેરનામાથી શહેરમાં ટ્રાફીક ડાયવર્ટ થતા ગૌરવપથનો રૂા.૨.૮૩ કરોડના ખર્ચે વિકાસ દુવિધામા

વિસનગરમાં આઈ.ટી.આઈ. ઓવરબ્રીજના કારણે શહેરનો ગૌરવપથનો વિકાસ અટકી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જાહેરનામાથી શહેરમાં વાહનો ડાયવર્ટ થતા ટ્રાફીકની સમસ્યાના ભોગે વર્કઓર્ડર આપવા છતા રૂા.૨.૮૩ કરોડના ખર્ચે ગૌરવપથનુ વિકાસ કામ હાથ ઉપર લેવુ કે નહી તેવી દુવિધા પાલિકા તંત્ર અનુભવી રહ્યુ છે. વર્ષાબેન પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો ત્યારથી ગૌરવપથની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભાજપના વર્તમાન બોર્ડની મુદત પહેલા ગૌરવપથનો વિકાસ થશે કે નહી તે શંકા છે.
વિસનગરના સ્ટેશન રોડને ગૌરવપથનુ બીરૂદ આપવામાં પૂર્વ ધારાસભ્ય સ્વ.પ્રહેલાદભાઈ ગોસાને ભૂલી શકાય નહી. તેમના પ્રયત્નોથી સરકારે ગ્રાન્ટ ફાળવતા ૨૦ વર્ષ પહેલાની વસતી અને વાહનોને ધ્યાનમાં રાખી ગૌરવપથની ડિઝાઈન કરવામાં આવી હતી. ત્યારબાદ બે દાયકાથી ગૌરવપથના વિકાસનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. વર્ષ ૨૦૨૧ માં વિસનગર પાલિકામાં ભાજપે સત્તા સંભાળી અને વર્ષાબેન પટેલે પ્રમુખનો ચાર્જ લીધો ત્યારથી ગૌરવપથના વિકાસનુ કામ હાથ ધરાયુ છે. વર્ષાબેન પટેલના પ્રમુખકાળમાંજ ગૌરવપથના વિકાસ માટેનુ પ્રથમ ટેન્ડરીંગ કરાયુ હતુ. પરંતુ જુના એસ.ઓ.આર. રેટ ચાલતા હોવાથી તેમજ કોન્ટ્રાક્ટરોની હડતાલના કારણે ટેન્ડરની ઓફર આવી નહોતી.
લગભગ ત્રીજા કે ચોથા પ્રયત્ને વર્ષ ૨૧-૨૨ ના એસ.ઓ.આર પ્રમાણે ગૌરવપથના વિકાસનું રૂા.૨.૮૩ કરોડનુ ટેન્ડરીંગ કરવામાં આવતા ૪૫.૪૫ ટકા એબોવ રકમનુ ટેન્ડર મંજુર કરવામાં આવ્યુ હતુ. માર્ચ-૨૦૨૪ મા કરાયેલ ટેન્ડર ૧૦ ટકા એબોવ કરતા ઉંચુ ટેન્ડર આવતા પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં મંજુરી અર્થે મોકલી આપતા ૩૫ ટકા એબોવની મંજુરી આપી હતી. મહેસાણા એવલ ઈન્ફ્રા પ્રોજેક્ટ નામની એજન્સી ૩૫ ટકા એબોવ ટેન્ડરમાં કામ કરવાની સંમતી આપતા તા.૯-૧૦-૨૦૨૪ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
વર્ષાબેન પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો ત્યારથી ટેન્ડર પ્રક્રિયા ચાલે છે, વર્તમાન બોર્ડમા કામ પુરૂ થશે કે નહી તે શંકા
ગૌરવપથના વિકાસ કામમાં દુકાનો આગળ ફક્ત ત્રણ ફૂટ ફૂટપાથ રાખી રોડ પહોળો કરવામાં આવશે. રોડ વચ્ચે બે ફૂટ ઉંચો ડિવાઈડર બનાવી વચ્ચે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે. રોડ ઉપરના સર્કલોનુ રિનોવેશન કરાશે. સ્ટ્રીટ લાઈટના પોલ એના એજ રહેશે પણ કેબલ બદલી લાઈટો નવી નાખવામાં આવશે. ગૌરવપથ રોડ ઉપર જ્યા વરસાદી પાણી ભરાય છે ત્યાથી નજીકની કુંડીઓ સુધી પાઈપલાઈન નંખાશે. નવો ડામર રોડ બનાવવામાં આવશે. જગ્યા મળશે ત્યા પ્લાન્ટેશન કરવામાં આવશે. અગાઉ વર્ષાબેન પટેલના સમયે ટેન્ડરીંગ કરાયુ તેમાં ડિવાઈડર વચ્ચે અમુક અંતરે નડતરરૂપ ન બને તેવા પ્લાન્ટેશન માટેની જોગવાઈ કરાઈ હતી જે નવા ટેન્ડરમાંથી બાકાત રાખવામાં આવ્યુ છે. નવા ટેન્ડરમાં ગૌરવપથને હરિયાળો બનાવવાની કોઈ જોગવાઈ નથી.
ગૌરવપથના વિકાસનો વર્ક ઓર્ડર તા.૯-૧૦-૨૦૨૪ ના રોજ આપ્યો હોવાથી દિવાળી બાદ કામ શરૂ થાય તેવી પુરેપુરી શક્યતા હતી. બે અઠવાડીયા પહેલા તો પાલિકાના બાંધકામ શાખાની ટીમ દ્વારા કોન્ટ્રાક્ટરની સાઈટ ઉપર મટેરીયલ માટે વિઝીટ પણ કરવામાં આવી હતી. પરંતુ આઈ.ટી.આઈ. બ્રીજના કારણે ગૌરવપથના વિકાસનુ કામ હાથ ધરવુ કે નહી તે પાલિકા દુવિધા અનુભવી રહ્યુ છે. બ્રીજના જાહેરનામાના કારણે વાહનોની શહેરમાં અવરજવર વધતા બે અઠવાડીયા પહેલા વણસેલી ટ્રાફીક સમસ્યા માંડ ઠેકાણે પડી છે. ગૌરવપથનુ વિકાસ કામ શરૂ થાય અને ખોદકામથી ટ્રાફીકની શુ હાલત થશે તેવા વિચારથી અત્યારે ટેન્ડરનુ કામ સાઈડમાં કરાયુ છે. આઈ.ટી.આઈ. બ્રીજના કામની મુદત બે વર્ષની છે ત્યારે ગૌરવપથ નવા બોર્ડમાં બનશે કે શું તેની ચર્ચાઓ થઈ રહી છે.