Select Page

રૂા.૧૦૫ કરોડના ખર્ચે ગોઝારીયા-બાલવા રોડ ફોરલેન બનશે

રૂા.૧૦૫ કરોડના ખર્ચે ગોઝારીયા-બાલવા રોડ ફોરલેન બનશે


આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા પંથકના લોકોને ગાંધીનગર સુધી ફોરલેન રોડની સુવિધા પ્રાપ્ત થશે. ગોઝારીયાથી બાલવા સુધી બે માર્ગીય રસ્તાના કારણે ટ્રાફીકમાં ભારે અડચણ રહેતી હતી. આરોગ્ય મંત્રીની ભલામણથી રૂા.૧૦૫ કરોડના ખર્ચે આ રોડ ફોરલેન બનાવવા મુખ્યમંત્રીએ સૈધ્ધાંતિક મંજુરી આપી છે. બાલવાથી રાંધેજા સુધીના ફોરલેન રોડ પણ આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી બની રહ્યો છે. હમણા થોડા દિવસ પહેલાજ વિસનગર વિજાપુર ફોરલેન માટે રૂા.૧૩૬ કરોડના ખર્ચની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. આરોગ્ય મંત્રી જન સુવિધાઓ માટે મહેસાણા જિલ્લાનુ સાચા અર્થમાં નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી મુખ્યમંત્રીની સૈધ્ધાંતિક મંજુરી
વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવે છે અને ઉત્તર ગુજરાતના કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે હોદ્દાનો લાભ પોતાને કે મળતીયાઓને નહી પરંતુ જનતાને મળે, અને વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. વિસનગરથી ગાંધીનગર સુધી ફક્ત ગોઝારીયાથી બાલવા સુધીનો દ્વિમાર્ગીય રસ્તો હોવાથી ટ્રાફીકમાં ભારે અગવડ રહે છે. મહેસાણા ટોલટેક્ષ બચાવવા માટે પાલનપુર, ઉંઝા તરફથી આવતી મોટી ટ્રકો મહેસાણા, ખેરવા ગોઝારીયાથી ગાંધીનગર તરફ જતી હોવાથી આ રોડ ઉપર મોટા વાહનોનો ભારે ટ્રાફીક રહે છે. વિસનગરથી ગોઝારીયા સુધી ફોરલેનની સુવિધા છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ લોક સુવિધાઓનો પૂરતો ખ્યાલ રાખી ઉત્તર ગુજરાતનુ સફળ નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે
પરંતુ ગોઝારીયાથી બાલવા વચ્ચેના દ્વિમાર્ગીય રસ્તાના કારણે ભારે વાહનોના ટ્રાફીકથી ઘણી વખત ઓવર ટેક કરી શકાતો નથી. કેટલીક વખતતો ખુબજ ટ્રાફીકમાં મોટી ટ્રકની પાછળ નાના ફોર વ્હીલની કતારો જોવા મળે છે. આ પરિસ્થિતિ વર્ષોથી હોવાના કારણે અનુભવી વાહન ચાલકો વિસનગરથી મહેસાણા થઈ અમદાવાદ જવાનુ પસંદ કરે છે. અમદાવાદથી અંબાજી જવા માટે વિસનગર ખેરાલુના રસ્તે ઓછા કિલોમીટર થાય છે. પરંતુ ગોઝારીયા બાલવાનો રસ્તો દ્વિમાર્ગીય હોવાથી અમદાવાદના વાહનચાલકો હિંમતનગરથી અંબાજી જવાનુ વધુ પસંદ કરે છે. જેમાં સમય અને ઈંધણ બન્નેનો વ્યય થાય છે.
વિસનગરથી ગોઝારીયાનો ફોરલેન રોડ તો બની ગયો હતો. પરંતુ જિલ્લાની નેતાગીરીમાં લોકસુવિધા પુરી પાડવાની પ્રતિબધ્ધતાના અભાવે ગોઝારીયાથી બાલવા ફોરલેન કામ આગળ વધ્યુ નહોતુ. ત્યારે ફક્ત વિસનગરનાજ નહી પરંતુ સમગ્ર મહેસાણા જિલ્લાના લોકોને સુવિધા પ્રાપ્ત થાય તે માટે સતત ચિંતિત આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા ગોઝારીયાથી બાલવા સુધીનો રોડ ફોરલેન બને તે માટે પ્રયત્નો કરતા રૂા.૧૦૫ કરોડનો એસ્ટીમેટ તૈયાર કરી મંજુરી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીની ભલામણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન સ્થળોને જોડતા રસ્તા અંતર્ગત ફોરલેન રોડ માટે સૈધ્ધાંતિક મંજુરી આપી છે. નોંધપાત્ર બાબત છેકે બાલવાથી રાંધેજા સુધી હાલ જે ફોરલેન રોડ બની રહ્યો છે તે પણ આરોગ્ય મંત્રીની ભલામણનુ પરિણામ છે. હમણા થોડા દિવસ પહેલાજ આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી વિસનગર વિજાપુર ફોરલેન રોડ માટે રૂા.૧૩૬ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી. જ્યારે વિસનગર ઉંઝા રોડ ઉપર તિરૂપતી નેચરલ પાર્કની પાસે રૂપેણ નદીનો પુલ નવો ૧૧.૫૦ મીટરની પહોળાઈનો બનાવવા માટે રૂા.૨૧.૩૦ કરોડની કરવામાં આવેલ દરખાસ્તને પણ સૈધ્ધાંતિક મંજુરી મળી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us