
હોટલો અને લગ્નોમાં એક ફેશન બની ગઈ છે તે પ્લાસ્ટીકની બોટલમાં પાણી નહી પણ ઝેર પી રહ્યા છો

તંત્રી સ્થાનેથી…
શુધ્ધ અને મિનરલ પાણી પીવાના મોહમા સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકની બોટલમાં પાણીનો વપરાશ વધી ગયો છે. એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં દર એક મિનિટમાં ૧૦ લાખ પાણી ભરેલી પ્લાસ્ટીકની બોટલ ખરીદાય છે. આ અહેવાલ સ્ટાન્ડર્ડ કંપનીઓની બોટલોના વેચાણ ઉપર થયેલા સર્વે પ્રમાણે છે. ૨૦૦ અને ૫૦૦ એમ.એલ.ની બોટલો વેચતી લોકલ કંપનીઓની તો કોઈજ ગણતરીજ નથી. નીતિ નિયમો નેવે મુકીને થતા મિનરલ પાણીના વેચાણમાં કોઈ રોકટોક નહી હોવાથી હવે તો ઘણી લોકલ કંપનીઓ પણ પ્લાસ્ટીકની નાની બોટલોના પેકીંગનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહી છે. સર્વેમાં આ કંપનીઓના વેચાણની પણ નોંધ લેવામાં આવે તો દર મિનિટે વિશ્વમાં લાખ્ખો પ્લાસ્ટીકની બોટલો વેચાતી હશે. પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવુ અત્યારે ફેશન બની ગઈ છે. સારી હોટલોમાં અત્યારે મિનરલ પાણીના પ્લાન્ટ નાખવામાં આવ્યા હોય છે. તેમ છતા જમવા જતા સમયે ટેબલ ઉપર મિનરલ પાણીની બોટલ મુકવી એક સ્ટેટસ બની ગયુ છે. લગ્ન પ્રસંગોના જમણવારમાં પણ હવે ૨૦૦ એમ.એલ.ની બોટલો મુકવી તે સામાન્ય બની ગયુ છે. હોલસેલમાં રૂા.૫ કરતા પણ નીચી કિંમતે નાની બોટલો મળતી હોવાથી પ્રસંગોમાં પાણીની બોટલોના થપ્પે થપ્પા જોવા મળે છે. ધંધા વ્યવસાયના સ્થળે મુકવામાં આવતા ૧૦ થી ૨૦ લીટરના જગ પણ પ્લાસ્ટીકના હોય છે. પહેલા પાણી ભરવા માટે માટલાનો ઉપયોગ થતો હતો જે હવે અદ્રશ્ય થઈ ગયા છે. અત્યારના પ્લાસ્ટીક યુગમાં પ્લાસ્ટીકમાં ભરેલા પાણીનો ઉપયોગ સર્વ સામાન્ય બની ગયો છે. ગમે તેટલી કાળજી કે ધ્યાન રાખીએ તો પણ દિવસમાં પ્લાસ્ટીકમાં ભરેલુ પાણી ક્યાંકને ક્યાંક તો પીવામાં આવેજ છે. હવે તો ઘેર ઘેર આર.ઓ. પ્લાન્ટ લાગેલા હોય છે. આર.ઓ.પ્લાન્ટની ટેન્ક પણ પ્લાસ્ટીકની હોય છે. આર.ઓ.પ્લાન્ટમાં પાણીનો સપ્લાય આપવામાં આવે છે તે છત ઉપરની ટાંકી પણ પ્લાસ્ટીકની. બ્રાન્ડેડ કંપનીની બોટલો સારા પ્લાસ્ટીકમાંથી બનતી હશે, પરંતુ લોકલ કંપનીની બોટલો જે પ્લાસ્ટીકમાંથી બને છે તે કેટલી ગુણવત્તાયુક્ત તે પ્રશ્ન છે. ચોમાસામાં મઘા નક્ષત્રનુ ઘરમાં બનાવેલ ભૂગર્ભ ટાંકામાં જે પાણી ભરવામાં આવે છે તે વર્ષો સુધી બગડતુ નથી. જ્યારે પ્લાસ્ટીકની બોટલમાં ભરવામાં આવતા પાણીની પણ એક્ષ્પાયરી ડેટ હોય છે જે કોઈ જોતુ નથી. પાણી ભરેલી પ્લાસ્ટીકની બોટલ ઠંડામાં રાખવીજ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. જ્યારે ઘણી જગ્યાએ જોવામાં આવે છેકે બોટલોના પેકીંગ ખુલ્લામાં પડ્યા હોય છે. પ્લાસ્ટીકની બોટલમાં ગરમ થયેલા પાણીનો સ્વાદ પણ બદલાયેલો હોય છે જેને પણ આપણે ગણકારતા નથી. અત્યારે મોટાભાગના લોકો વિવિધ રોગથી પીડાઈ રહ્યા છે, જેમાં પ્લાસ્ટીકની બોટલોમાં ભરેલા પાણીનો વપરાશ પણ જવાબદાર છે. પ્લાસ્ટીકના સંપર્કમાં આવેલા પાણીનો વપરાશ મોટાભાગના લોકો કરતા હશે. પરંતુ પ્લાસ્ટીકની બોટલો એવા રસાયણોથી બનેલી હોય છે જે શરીરને નુકશાન પહોચાડે છે. આ બોટલ જ્યારે ગરમ થાય છે ત્યારે પ્લાસ્ટીકના કણ પાણીમાં ભળી જાય છે. આ ખતરનાક રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્લાસ્ટીકના સંપર્કમાં આવેલુ પાણી પીવાથી કેન્સર, કબજીયાત અને પેટને લગતી બીમારીઓનો ખતરો રહે છે. ભારતમાં ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટીક બોટલોના ઉત્પાદનમાં બિસ્ફેનોલ-છ નો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી. બિસ્ફેનોલ-છ એટલે કે મ્ઁછ એક રસાયણ છે. જેનો બોટલો બનાવવામાં ઉપયોગ થાય છે. તે તમામ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનુ કારણ બને છે. પ્લાસ્ટીક બોટલના સતત ઉપયોગના કારણે હાર્ટ પ્રોબ્લેમ, મગજને નુકશાન, ડાયાબીટીસ, પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ વિગેરે સ્વાસ્થ્ય સબંધિત બીમારીઓ થતી હોય છે. એક રિસર્ચ પ્રમાણે જ્યારે ઉચ્ચ તાપમાન અથવા સુર્યપ્રકાશના કારણે બોટલ ગરમ થાય છે ત્યારે પ્લાસ્ટીકમાંથી ડાયોક્સિનનો સ્ત્રાવ શરૂ થાય છે. આ ડાયોક્સિન શરીરમાં ભળીને કોષોને નુકશાન પહોચાડે છે. જેના કારણે મહિલાઓમાં સ્તર કેન્સર અને પુરૂષોમાં વિવિધ કેન્સરનુ કારણ બને છે. બોટલ બનાવવામાં ઉપયોગમાં લેવાતા બિસ્ફેનોલ છ ની મગજ ઉપર અસર થવાથી યાદશક્તિ અને સમજશક્તિ નબળી પડે છે. બિસ્ફેનોલ છ ના કારણે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના અંડાશય ઉપર પણ અસર થતી હોવાથી પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો કરે છે. બિસ્ફેનોલ છ ગર્ભમાં વિકાસ કરી રહેલા બાળક ઉપર પણ અસર કરે છે. પ્લાસ્ટીક બોટલના પાણીના વપરાશથી માઈક્રો પ્લાસ્ટીક પાર્ટિકલ્સ શરીરમાં જતા હોવાથી તેની સ્વાસ્થ્ય ઉપર અનેક અસરો થતી હોય છે. પ્લાસ્ટીક બોટલના પાણીના વિવિધ રિસર્ચ અને સર્વે બાદ એટલેજ કહેવાય છેકે, આપણે પ્લાસ્ટીક બોટલમાં પાણી નહી પણ ઝેર પી રહ્યા છીએ.