
શહેરની ફરતે રૂરલ વિસ્તારના હાઈવેની નિયમિત સફાઈ થશે વિસનગરનો પ્રવેશ માર્ગ રૂા.૬૫ લાખના ખર્ચે આઈકોનિક બનશે

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી હવે વિસનગરને નવી ઓળખ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આઈકોનિક પ્રવેશ માર્ગ બનાવવા સરકારે ગ્રાન્ટ ફાળવતા વિસનગરનો કડા રોડ આઈકોનિક બનાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં સ્લોગન સાથે લેન્ડ સ્કેપીંગ કરવામાં આવશે. સરકારની હાઈવે સફાઈની સ્પેશ્યલ ગ્રાન્ટમાંથી રૂરલ વિસ્તારના હાઈવેની સફાઈનુ પણ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. જેમાં શહેરના પ્રવેશ માર્ગો ઉપરના કચરાના ઢગલા હટાવી નિયમિત સફાઈ કરવામાં આવશે. વિસનગરના પ્રવેશ માર્ગો ગંદકીથી ખદબદતા જે જોવા મળી રહ્યા છે તે ભૂતકાળ બનશે.
કોઈપણ પાલિકાની સફાઈ કરવાની જવાબદારી તેના હદ વિસ્તાર સુધીજ સિમિત હોય છે. જેના કારણે શહેરમાં પ્રવેશતા રૂરલ વિસ્તારના હાઈવે ઉપર ખુબજ કચરો તથા ગંદકી જોવા મળે છે. માર્ગ મકાન વિભાગની જવાબદારી હાઈવે મેઈન્ટેનન્સનીજ હોય છે. સફાઈ કરવાની કોઈ જોગવાઈ નહી હોવાથી માર્ગ મકાન વિભાગ પણ રૂરલ વિસ્તારના હાઈવેની સફાઈ કરતુ નથી. પાલિકા કે માર્ગ મકાન વિભાગની જવાબદારીમાં આવતુ નહી હોવાથી સમગ્ર ગુજરાતની પાલિકાના રૂરલ વિસ્તારના હાઈવેની સફાઈ થતી નહી હોવાથી શહેરના પ્રવેશ માર્ગ ઉપર ખુબજ કચરો જોવા મળે છે. જેના કાયમી ઉકેલ રૂપે સરકાર દ્વારા દરેક પાલિકાને રૂરલ વિસ્તારના હાઈવેની સફાઈ માટે વર્ષે રૂા.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટ અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા રૂરલ વિસ્તારમાં આવતા કડા રોડ, મહેસાણા રોડ, વડનગર રોડ અને વિજાપુરની રોડની સફાઈ કરવા માટે ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. જેના ટેન્ડર આવી જતા ટુંક સમયમાં ખોલવામાં આવશે. પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીએ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અંતર્ગત જણાવ્યુ છેકે, ટેન્ડર ખોલીને વર્ક ઓર્ડર આપ્યા બાદ પાલિકા હદથી રૂરલ વિસ્તારના હાઈવેની નિયમિત સફાઈ કરવામાં આવશે. શહેરના માર્ગોની જે રીતે સફાઈ થાય છે તેમ કોન્ટ્રાક્ટરના સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવશે.
પેરેડાઈઝથી આઠ ગામ સમાજની વાડી સુધી ઢોળાવવાળુ આકર્ષક લેન્ડ સ્કેપીંગ કરાશે
વિસનગરમાં આઈકોનિક રોડ માટે પણ સરકાર દ્વારા રૂા.૬૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી શહેરને એક આગવી ઓળખ મળે તે માટે કામ કરી રહ્યા છે. આ ગ્રાન્ટમાંથી કડા રોડ ઉપર આઈકોનિક રોડ બનાવવામાં આવશે. જેમાં પેરેડાઈઝ માર્કેટથી આઠ ગામ કડવા પાટીદાર સમાજની વાડી સુધી રોડની સાઈડમાં તમામ કચરો દૂર કરી માટી પુરાણ કરવામાં આવશે. જેમાં ઢોળાવ વાળા માટીકામમાં લીલુ ઘાસ ઉગાડી લેન્ડ સ્કેપીંગ કરવામાં આવશે. જેમાં વ્હાઈટ અક્ષરથી વિસનગર શહેરને લગતુ સ્લોગન લખવામાં આવશે. મોટા શહેરોમાંજ લેન્ડ સ્કેપીંગ ધરાવતા આઈકોનિક રોડ જોવા મળે છે તેવોજ રોડ વિસનગરના પ્રવેશ માર્ગે જોવા મળશે. જેનુ ટેન્ડરીંગ કરીને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. ટુંક સમયમાંજ કોન્ટ્રાક્ટર દ્વારા આઈકોનિક રોડની કામગીરી શરૂ કરાશે.