Select Page

ખેરાલુ-વડનગર પાલિકાની ચુંટણીઓ જાહેર થતા ઉમેદવારોમાં થનગનાટ

ખેરાલુ-વડનગર પાલિકાની ચુંટણીઓ જાહેર થતા ઉમેદવારોમાં થનગનાટ

રાજ્ય ચુંટણી આયોગ દ્વારા ૨૧-૧-૨૦૨૫ના રોજ ૬૬ નગરપાલિકાની ચુંટણી જાહેર થતા ઉમેદવારોમાં ભારે દોડધામ થઈ ગઈ છે. જે લોકોને ચુંટણી લડવી છે તેમણે અગાઉથી મન બનાવી લીધુ છે. નગરપાલિકાઓની ચુંટણીઓ સાથે મલેકપુર-ખે જિલ્લા પંચાયત સીટની પેટા ચુંટણી જાહેર થઈ છે. તેમજ વડનગર, ખેરાલુ અને વિજાપુર તાલુકા પંચાયતોની ખાલી પડેલ સીટોમાં પણ ચુંટણી યોજાવાની છે. જેમાં ડાલીસણા, ડભોડા-૨, કુડા જૂથ, મોલીપુર અને કુકરવાડા-૧ સીટમાં ચુંટણી યોજાશે.
રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત સીટોની પેટા ચુંટણી તેમજ વડનગર, ખેરાલુ નગરપાલિકાઓની રેગ્યુલર ચુંટણી યોજાશે. ચુંટણી કાર્યક્રમ (૧) ચુંટણી જાહેરાતની તારીખઃ૨૧-૧-૨૫, (૨) જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખઃ ૨૭-૧-૨૫, (૩) ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ ૧-૨-૨૫, (૪) ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખઃ ૩-૨-૨૫, (૫) ઉમેદવારી પાછી ખેચવાની છેલ્લી તારીખઃ ૪-૨-૨૫, (૬) મતદાન તારીખઃ ૧૬-૨-૨૫ રવિવાર સવારે ૭-૦૦ થી સાંજે ૬-૦૦, (૭) પુનઃ મતદાન તારીખઃ (જરૂર જણાય તો) ૧૭-૨-૨૫, (૮) મતગણતરીની તારીખઃ ૧૮-૨-૨૫, (૯) ચુંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તારીખઃ૨૧-૨-૨૫
ગુજરાત રાજ્યમાં જ્યાંપણ મહાનગરપાલિકા/ નગરપાલિકાઓ જિલ્લા/ તાલુકા પંચાયત સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચુંટણીઓ છે તે વિસ્તારમાં ૨૧-૧-૨૦૨૫ના રોજ ચુંટણીની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલમાં આવશે. ખેરાલુ અને વડનગર શહેરમાંથી ચુંટણી ચિન્હ સાથેના બેનરો ઉતારી લેવામાં આવશે.
ખેરાલુ અને વડનગર નગરપાલિકાની બે વર્ષથી ચુંટણી ન થતા શહેરની પ્રજાના પ્રશ્નો સમયસર હલ ન થતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પાલિાકના કર્મચારીઓ ઉપર કોઈનો કંટ્રોલ ન હોવાથી લોકો નાના પ્રશ્નોમાં સંઘર્ષ કરતા હતા. લાઈટ, પાણી, સફાઈ, ગટર અને રીપેરીંગના પ્રશ્નોમાં લોકો ભારે હેરાનગતી ભોગવતા હતા. નગરપાલિકાઓની ચુંટણીઓ પુર્ણ થતા એક મહિના પછી લોકોને ભારે રાહત થશે.
નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ- કોંગ્રેસ સામે સામે રહેશે ત્યારે વડનગર પાલિકામાં કોંગ્રેસ દ્વારા સત્તા મેળવવા મિટીંગો શરૂ કરી દીધી છે. ખેરાલુ શહેરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે. ખેરાલુ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું સાશન છે. તેને સાચવી રાખવાની જવાબદારી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની કહેવાશે. ખેરાલુ અને વડનગર શહેરમાં ભાજપની ટીકીટ મેળવવા માટે ભારે ખેંચતાણ શરૂ થશે. આવતા શનિવારે ૧-૨-૨૫ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.
ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ આકાશ ગૌસ્વામી અને વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ ઉપર ભલામણોનો દોર શરૂ થઈ ગયો છે. ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર તથા વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ ચૌધરી ઉપર ફોન દ્વારા ભલામણો શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં સંનિષ્ઠ કાર્યકરોને ટિકીટ મળવાની આશા છે. ત્યારે ખેરાલુમાં એક ચર્ચા એવી પણ શરૂ થઈ છે કે, કોન્ટ્રાક્ટરોને ભાજપ ટીકીટ ન આપે તે માટે જિલ્લા મોવડી મંડળ પાસે એક જુથ રજુઆત કરવા જવાનું છે. જોઈએ હવે મામાનુ ઘર કેટલે દિવો બળે એટલે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us