
મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા કાફલો નહી નિકળતા ચર્ચા અમિત શાહને કમાણા રોડ ઉપરથી કેમ પસાર કરાયા

વડનગરના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસનગરના કમાણા રોડ ઉપરથી પસાર થતા ચર્ચાનો વિષય બન્યો છે. મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તાનો રોડ બીસ્માર હોવાના કારણે કે, આ રોડ ઉપર મુસ્લીમ સોસાયટીઓ આવેલી હોવાથી કયા કારણે કમાણા રોડ ઉપરથી કાફલો પસાર કરવાની ફરજ પડી તેવી ચર્ચાઓ થઈ રહી છે.
ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીના ચાણક્ય તેમજ ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તા.૧૬-૧-૨૦૨૫ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ કર્યુ હતુ. જેઓ વડનગર જવા માટે હેલીકોપ્ટરમાં ગુંજા હેલીપેડ ખાતે ઉતરાણ કર્યુ હતુ. જ્યાંથી બાયરોડ વડનગર ગયા હતા. વડનગરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેસાણા ગણપત યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં જવાનુ હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો બાયરોડ નિકળ્યો હતો. જેઓ વિસનગર શહેરમાંથી પસાર થયા હતા અને આદર્શ વિદ્યાલયથી કમાણા રોડ થઈ કડા ત્રણ રસ્તાથી ડાભલા ચાર રસ્તા તરફ ગયા હતા.
આદર્શથી મહેસાણા ચાર રસ્તા સુધીનો માર્ગ ચાર માર્ગીય છે અને મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા પણ ચાર માર્ગીય સ્ટેટ હાઈવે છે. ત્યારે અમિત શાહના કાફલા માટે આ રસ્તાનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નહી તે ચર્ચાનો વિષય બન્યો છે. મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર અત્યારે ઘણા ખાડા પડ્યા છે. આ રોડ ઉપર ગટરો પણ ઉભરાય છે. માર્ગ મકાન વિભાગ દ્વારા કાળજી લેવામાં નહી આવતા ઘણા સમયથી હાઈવે બીસ્માર હાલતમાં છે. આઈ.ટી.આઈ. બ્રીજના કારણે મોટાભાગના વાહનો આ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે. ખાડા ખૈયા ધરાવતા હાઈવેના કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. માર્ગ મકાન વિભાગની નિષ્ક્રીયતાથી હાઈવેની ખરાબ સ્થિતિના કારણે કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો કમાણા રોડ ઉપરથી પસાર કરવામાં આવ્યો હોવાનુ ચર્ચાય છે. બીજી ચર્ચા એ પણ ચાલી રહી છેકે, મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા વચ્ચે મુસ્લીમ સમાજની સોસાયટીઓ આવેલી છે. જેના કારણે પણ કમાણા રોડ પસંદ કરાયો હોવાનુ ચર્ચાય છે.