
બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં સુંશી રોડ કચરા સ્ટેન્ડ આગળ સફેદ પડદા લગાવી ગંદકીથી જતી આબરૂ ઢાંકી

વિસનગર પાલિકા ગંદકી તો નથી હટાવી શકતી, પરંતુ ગંદકી ન દેખાય તે માટે લોકો સફેદ પડદા લગાવવા મજબુર બની રહ્યા છે. બ્રહ્માકુમારીઝના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં ગંદકીનો સામનો કરવો પડે નહી તે માટે સુંશી રોડ કચરા સ્ટેન્ડ આગળ સફેદ પડદાની આડાશ કરવી પડી હતી. કચરા સ્ટેન્ડ આગળનો ચર્મકુંડ તથા ગંદકી દૂર થાય તેવી સુંશી, સેવાલીયા અને ભાલકના ગ્રામજનોની રજુઆત છે.
વિસનગર પંથકમાં અવિરત આધ્યાત્મિક સેવાઓ આપતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ૫૦ વર્ષ પૂર્ણ થતા બે દિવસનો ભવ્ય સુવર્ણ જયંતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાલીસણા ગામના એન્જલપાર્કમાં ઉદ્ઘાટન, પારિવારિક સ્નેહમિલન તથા રાસ ગરબાના કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયરેક્ટર, રાજકોટથી રાજયોગીની ભારતી દીદી, દિલ્હીથી રાજયોગીની આશા દીદી સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતના બ્રહ્માકુમારીના સંચાલિકાઓએ હાજરી આપી હતી.
રાલીસણા ખાતેના કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના નામાંકિત મહેમાનોને વિસનગરથી રાલીસણા કયા રસ્તેથી લઈ જવા તે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. વિસનગરથી વડનગરી દરવાજાનો રસ્તો સાંકડો તથા ટ્રાફીકવાળો હોવાથી તેમજ વડનગરી દરવાજા વિસ્તારમાં નોનવેઝ ફ્રાય સેન્ટરોની દુકાનો હોવાથી આ રસ્તા ઉપરથી મહેમાનોને રાલીસણા લઈ જવા શક્ય નહોતા. જેથી રાલીસણા જવા માટે વિજાપુર રોડથી સુંશી જુની ડંપીંગ સાઈટનો એક માત્ર માર્ગ હતો. જ્યા જુની ડંપીંગ સાઈટનો કચરો હટાવવા વિસનગર બ્રહ્માકુમારી સંચાલિકાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને રજુઆત કરતા થોડી ઘણી સફાઈ અને દવાનો છંટકાવ કરાયો હતો. પરંતુ જુના ડંપીંગ સાઈટના ચર્મકુંડમાં પશુઓની ચીરફાડ થતી હોવાથી ગંદકી તેમજ ભારે દુર્ગંધ હતી. બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં આમંત્રીત અને મહેમાનોને રાલીસણા લઈ જવા માટે બીજો કોઈ રસ્તો નહી હોવાથી છેવટે ચર્મકુંડના ભાગ આગળ સફેદ પડદા લગાવવાની ફરજ પડી હતી. જોકે લગાવેલા સફેદ પડદા ગંદકી દેખાય તે માટે નહી પરંતુ પાલિકાની આબરૂ ઢાંકવાનો પ્રયત્ન કહી શકાય.
વિસનગર પાલિકાએ સુંશી રોડ જુના ડંપીંગ સાઈટમાંથી મોટા ભાગનો કચરો દૂર કર્યો છે. પરંતુ ચર્મકુંડનો પ્રશ્ન હજુ પણ યથાવત છે. મરેલા ઢોરની ચીરફાડ કરી ચામડા અને હાંડકાનો વેપાર કરવામાં આવે છે. પરંતુ પૂરતી સ્વચ્છતા કરવામાં આવતી નથી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ મારે છે. ચર્મકુંડ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો પણ એટલો આતંક છેકે ટુ વ્હીલર ચાલક પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે. રાત્રીના અંધારામાતો ટુ વ્હીલર લઈને નિકળી શકાતુ નથી. ડંપીંગ સાઈટનો કચરો હટાવ્યો પરંતુ ચર્મકુંડ નહી હટાવવાના કારણે આ રસ્તાની પરિસ્થિતિ કાર્યક્રમોમાં પડદાં લગાવવા પડે તેવી છે. આરોગ્ય મંત્રીના શહેરમાં એક તરફ કરોડો રૂપિયાનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ પાલિકાની અને શહેરની જતી આબરૂ ઢાંકવા પડદા લગાવવા પડે તેવી પણ સ્થિતિ છે.