
નર્મદા લાઈનમાં ભંગાણના સંજોગોમાં ધરોઈ યોજનાનો લાભ મળશે

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પાણીની કટોકટીમાંથી શહેરીજનો મુક્ત
- ડીસેમ્બર મહિનામા સાત દિવસમાં પાંચ દિવસ પાણી કાપની મુશ્કેલી બાદ તંત્રની આંખો ખુલી
નર્મદા આધારીત વિસનગર જુથ યોજના કાર્યરત થયા બાદ ભંગાણ સર્જાતા ઘણી વખત બે થી ત્રણ દિવસ પાણી કાપનો નગરજનોએ સામનો કરતા વૈકલ્પીક વ્યવસ્થા માટે માગણી ઉઠી હતી. જેમાં ડીસેમ્બર મહિનામાં અઠવાડીયામાં પાંચ દિવસ પાણી કાપની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હતી. આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શહેરીજનો પાણીની કટોકટીમાંથી મુક્ત થયા છે. ધરોઈ યોજનાનુ સેક્શન ચાલુ કરવામાં આવ્યુ હોવાનુ તથા નર્મદાનુ પાણી નહી મળે ત્યારે ધરોઈનુ પાણી આપવાની બાંહેધરી આપી હોવાનુ ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીએ જણાવ્યુ છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી કરોડો રૂપિયાના ખર્ચે ફક્ત વિસનગર શહેર અને તાલુકાના ગામડાના લોકો માટેજ નર્મદા આધારીત વિસનગર જૂથ યોજના શરૂ થઈ ત્યારે પીવાના પાણીની હવે ક્યારેય તકલીફ નહી પડે તેવુ જણાવાયુ હતુ. નર્મદા આધારીત જુથ યોજના શરૂ થતાની સાથેજ ધરોઈ યોજનાનુ પાણી બંધ કરવામાં આવ્યુ હતુ. નર્મદા આધારીત યોજના શરૂ થયા બાદ પાઈપલાઈનમાં ભંગાણ, વાલમ પ્લાન્ટનુ મેઈન્ટેનન્સ, લાઈટ કાપ વિગેરે કારણોને લઈ બે થી ત્રણ દિવસ શહેરમાં પાણી કાપની સમસ્યા અનેક વખત સર્જાઈ હતી. ત્યારે જેતે વખતેજ ધરોઈનો વિકલ્પ ખુલ્લો રાખવા માટે આરોગ્ય મંત્રીએ સિંચાઈ વિભાગને જાણ કરી હતી પરંતુ તેનુ કોઈ પાલન થયુ નહોતુ. નર્મદા યોજનામાંથી અવિરત પુરવઠો મળવાની વાતો વચ્ચે મોઢેરાથી મોટીદઉ અને મોટીદઉથી વાલમ પ્લાન્ટ વચ્ચે પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા ડીસેમ્બર મહિનામા સાત દિવસમાં પાંચ દિવસ પાણી કાપ રહેતા શહેરમાં પાણીની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હતી. પાણીની કટોકટીમાં ધરોઈ યોજનાનુ પાણી મળી શકે તેમ હતુ. પરંતુ લાઈનના વાલ બગડેલા હોવાથી લાઈન ચાલુ થઈ શકી નહોતી. શહેરીજનોની પરિસ્થિતિ પામી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે સિંચાઈ વિભાગના સચીવ તથા અધિકારીઓને ફોન કરી આકસ્મિક સંજોગોમાં ધરોઈ યોજનાનુ પાણી મળે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
વિસનગર શહેરના લોકોને ફરીથી સળંગ પાંચ દિવસ જેવી પાણીની કટોકટીનો સામનો કરવો પડે નહી તે માટે આરોગ્ય મંત્રીની સૂચનાનુ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા સાચા અર્થમાં પાલન કરવામાં આવ્યુ છે. પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીએ જણાવ્યુ છેકે, સર્વે નં.૩૦૫ ને જોડતા ધરોઈની લાઈનમાં જે બે વાલના પ્રશ્ન હતા તે રીપેરીંગ કરવામાં આવ્યા છે અને સેક્શન ચાલુ કરી દીધુ છે. ધરોઈની લાઈનમાંથી સપ્લાય આપી સર્વે નં.૩૦૫ ના સંપમાં પાણી ચાલુ કરી ટેસ્ટીંગ પણ કરી દીધુ છે. જ્યારે બે કે તેથી વધારે દિવસ નર્મદા યોજનાનુ પાણી ન આપી શકાય તેવા સંજોગોમાં ધરોઈ યોજનાનુ પાણી આપવા સિંચાઈ વિભાગ દ્વારા બાહેધરી આપવામાં આવી છે.
નોંધપાત્ર બાબત છેકે ધરોઈનો વિકલ્પ રાખવા માટે અગાઉ પણ મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જ્યારે જરૂર પડી ત્યારે પાઈપ લાઈનનો વાલ બગડવાની સમસ્યા નડી હતી. જેથી દર એક બે માસે ધરોઈની લાઈનમાં સપ્લાય ચાલુ કરી સર્વે નં.૩૦૫ માં પાણી પહોચતુ કરી ટેસ્ટીંગ કરવામાં આવે તે જરૂરી છે.